મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં મતદાર યાદીની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (એસઆઇઆર) પ્રક્રિયા દરમિયાન ચકાસણીમાં ગેરરીતિઓને કારણે યાદીમાંથી દૂર કરાયેલા મતદારોની સંખ્યા હાલના 2.07 કરોડથી વધીને લગભગ 3 કરોડ સુધી પહોંચી શકે છે. પોતાના આ દાવાના સમર્થનમાં તેમણે કહ્યું હતું કે, ચકાસણી હેઠળના 1.22 કરોડ લોકોમાંથી, કેટલાક લોકો ચોક્કસપણે ગેરલાયક ઠરશે, જેને કારણે આંકડો વધી શકે છે.
એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની આકરી ટીકા કરી અને આક્ષેપ કર્યો કે, અગાઉ મતવિસ્તારના સ્તરે રહેલી ચૂંટણી-સંબંધિત સત્તાઓનું ચૂંટણી પંચ દ્વારા કેન્દ્રીકરણ કરી દેવામાં આવ્યું છે, જેનાથી દિલ્હીથી જ મતદારોના નામ ઉમેરવા કે દૂર કરવામાં આવે છે.
પવારે વધુમાં આક્ષેપ કર્યો હતો કે કેટલાક સ્થળોએ બૂથ-લેવલના અધિકારીઓ (બીએલઓ) એ મતદારોની પ્રત્યક્ષ ચકાસણીને બદલે "ટેબલ સર્વે" કર્યા હતા અને માહિતી ભાજપના કાર્યકરો દ્વારા પૂરી પાડવામાં આવી રહી હતી.
પવારે જણાવ્યું હતું કે, તેમણે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકાલિંગમ સમક્ષ પુરાવા અને સૂચનો રજૂ કર્યા છે, જેથી એ બાબતની ખરાઈ કરી શકાય કે તેમના કરજત-જામખેડ મતવિસ્તારમાં કેટલાક મતદારોના નામોના કિસ્સામાં ખરેખર ભૌતિક ચકાસણી (ફિઝિકલ વેરિફિકેશન) કરવામાં આવી હતી કે કેમ.
એસઆઇઆરની સાથે ડિલીમીટેશન કરવું સંવિધાન અને લોકશાહી માટે ખતરનાક છે એવો દાવો તેમણે કર્યો હતો અને કહ્યું કે ભાજપને લાગે છે કે એ રીતે તેઓ 2029ની સામાન્ય ચૂંટણી જીતી શકશે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રમાં 'ફોર્મ 6' દ્વારા 40-50 લાખ મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો હતો, અને દાવો કર્યો હતો કે આવી જ પ્રક્રિયા ફરીથી થઈ શકે છે.