મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરનારા વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.
પત્રકારો સાથે સંવાદમાં વિપક્ષ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવતા, શિંદેએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓ ચૂંટણીમાં હાર્યા પછી જ ચૂંટણી પંચ અને ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવે છે. તેમણે તેલંગણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને કેરળના ઉદાહરણ આપ્યા હતા. તેમણે યાદ અપાવ્યું કે, ઇવીએમની શરૂઆત કોંગ્રેસના શાસનકાળમાં જ થઇ હતી.
મીડિયાના તાજેતરમાં પ્રગટ થયેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી પંચ દ્વારા એસઆઇઆર પ્રક્રિયાના સંચાલન અંગે બે ચૂંટણી કમિશનરોએ ૧૦ મહિનામાં ઓછામાં ઓછી ૧૪ વખત ઔપચારિક વાંધો ઉઠાવ્યો હતો.
આ અહેવાલ બાદ કોંગ્રેસ અને અન્ય કેટલાક પક્ષો તથા સંગઠનો દ્વારા કુમારને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે નાયબ મુખ્ય પ્રધાને આ આ ટિપ્પણી કરી છે. શિંદેએ ભારપૂર્વક કહ્યું કે તેઓ કોઈના સમર્થનમાં વાત કરી રહ્યા નથી અને દરેક ગેરરીતિની તપાસ કરવામાં આવશે.