સુરત: મુંબઈથી અમદાવાદ જઈ રહેલી ટ્રેન નંબર 22961 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર સુરત નજીક પથ્થરમારો થયો હોવાના અહેવાલો મળ્યા હતા. સુરતથી અમદાવાદ તરફ રવાના થઈ હતી તે દરમિયાન અસામાજિક તત્વોએ ઉત્રાણ અને કોસાદ સ્ટેશનની વચ્ચે પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ અંગે રેલવે તરફથી કોઈ સત્તાવાર પૃષ્ટી કરવામાં આવી નથી. આ ટ્રેનમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ સવાર હોવાનું જાણવા મળ્યું છે, જો કે તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં હોવાથી તેઓ સુરક્ષિત રહ્યા હતા.
મળતી વિગતો અનુસાર, મુંબઈથી અમદાવાદ જઈ રહેલી ટ્રેન નંબર 22961 વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો છે તેવા અહેવાલો મળ્યા હતા. આ ઘટના સુરત નજીકના ઉત્રાણ અને કોસાદ વચ્ચે સાંજે 6:30 થી 6:45 વાગ્યાની વચ્ચે બની હતી. કોચ C-6 અને C-10 ના કાચના બારીઓને નુકસાન થયું હતું. આ ટ્રેનમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ સવાર હોવાનું જાણવા મળ્યું હતું, તેઓ વાપીથી અમદાવાદની મુસાફરી કરી રહ્યા હોવાની વિગતો મળી હતી. જો કે આ બનાવમાં તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં સવાર તેઓ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ થતાની સાથે જ રેલવે પ્રશાસન પણ દોડતું થયું હતું. અંકલેશ્વર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ આદરી હતી. RPF ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રેલ્વે ટ્રેક નજીક લગભગ 30 વર્ષના એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે ખૂબ જ નશામાં હતો. પોલીસ અને RPF તેની ઓળખ સ્થાપિત કરવા અને ઘટના પાછળનું કારણ નક્કી કરવા માટે તેની પૂછપરછ કરી રહ્યા છે. તેની વધુ તપાસ બાદ જ બનાવ અંગે સત્તાવાર માહિતી બહાર આવે તેવી વિગતો છે.