Wed May 13 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો, સીઝફાયર લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હોવાનું કહ્યું

Newyork   2026-05-12 08:55:00
Author: Mumbai Samachar Team
Article Image

ઈરાન જે રીતે વાટાઘાટો કરી રહ્યું છે અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ કરવાની બાબતથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નિરાશ થયા છે. આથી, તેઓ હવે ફરીથી મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરૂ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

બંને દેશો વચ્ચેની સ્થિતિ હજુ પણ નાજુક છે કારણ કે યુદ્ધને લઇને હજુ સુધી કોઈ સહમતિ સધાઈ નથી. ટ્રમ્પે ઈરાનના જવાબને ફગાવી દીધો છે. ટ્રમ્પનું માનવું છે કે ઈરાનનો અભિગમ "અસ્વીકાર્ય" છે, જ્યારે બીજી તરફ ઈરાનનું કહેવું છે કે અમેરિકાએ તેનો "એકપક્ષીય અભિગમ" છોડવો જોઈએ અને ઈરાનની "વાજબી માંગણીઓ" સ્વીકારવી જોઈએ.

ટ્રમ્પે આ પ્રસ્તાવને "નબળો" અને "કચરા સમાન" ગણાવતા કહ્યું કે તેમણે તેને "પૂરો વાંચ્યો પણ નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો યુદ્ધવિરામ અત્યારે અત્યંત નાજુક સ્થિતિમાં (લાઈફ સપોર્ટ પર) છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ હજુ પણ ઈરાન સામેના યુદ્ધમાં "સંપૂર્ણ વિજય" મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.

બીજી તરફ, ઈરાનની સંસદના સ્પીકરે જણાવ્યું હતું કે તેમની સેના કોઈપણ હુમલાખોરને "પાઠ ભણાવવા" માટે તૈયાર છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામ હવે માત્ર નામનો જ રહી ગયો છે. 

ટ્રમ્પ આવતીકાલે ચાઇના જશે

ટ્રમ્પ આવતીકાલે ચીનની મુલાકાતે જવાના છે, જે લગભગ નવ વર્ષ પછીની તેમની પ્રથમ મુલાકાત હશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટ્રમ્પ ઈરાન સાથેના યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ખોલવા બાબતે રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર દબાણ લાવી શકે છે, કારણ કે બેઇજિંગ અને તેહરાન વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો છે. આ બેઠક પહેલાં, ઈરાનના સર્વોચ્ચ નેતાના એક સલાહકારે ચેતવણી આપી હતી કે, અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે જે યુદ્ધવિરામ છે, તેને ટ્રમ્પે પોતાની જીત માનવાની ભૂલ ન કરવી જોઈએ.

શું પાકિસ્તાને ઇરાનને તેમના પ્લેન પાકિસ્તાની એરબેઝ પર પાર્ક કરવાની મંજૂરી આપી?

એક અહેવાલ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાને છૂપી રીતે ઈરાની સૈન્ય વિમાનોને તેના એરફિલ્ડ (હવાઈ મથકો) પર પાર્ક કરવાની મંજૂરી આપી હતી. આ પગલાનો હેતુ કદાચ ઈરાની વિમાનોને અમેરિકી હુમલાઓથી બચાવવાનો હતો.  એપ્રિલની શરૂઆતમાં ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી તેના થોડા દિવસો બાદ જ ઈરાને ઘણા વિમાનો પાકિસ્તાન મોકલ્યા હતા.  

આ વિમાનો પાકિસ્તાનના 'નૂર ખાન એરફોર્સ બેઝ' પર મોકલવામાં આવ્યા હતા. આ બેઝ રાવલપિંડી શહેરની નજીક આવેલું છે અને વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું સૈન્ય મથક છે

પ્રસ્તાવ સ્વીકારવા સિવાય બીજો કોઇ રસ્તો નહીંઃ ઇરાન

દરમિયાન ઇરાની સંસદના અધ્યક્ષ મોંહમદ બઘર ગાલિબફે કહ્યું કે 14 સુત્રીય પ્રસ્તાવનો સ્વીકાર કરવા સિવાય યુએસ પાસે અન્ય કોઇ વિકલ્પ નથી. પ્રસ્તાવમાં ઇરાની જનતાના અધિકારોનો સ્વીકારવા સિવાય કોઇ વિકલ્પ નથી. કોઇપણ બીજો દ્રષ્ટિકોણ બેકાર ગણાશે. એક પછી એક નિષ્ફળતા સિવાય બીજું કંઇપણ પ્રાપ્ત નહીં થાય. તેઓ જેટલું મોડું કરશે યુએસ ટેક્સપેયર્સે વધારે ચુકવણી કરવી પડશે.