રાષ્ટ્રપતિની મંજૂરી વિના મોફામાં સુધારો કરીને બિલ્ડરોને બચાવવાનો પ્રયાસ થતો હોવાનો ગંભીર આરોપ
મુંબઈ: ઘર ખરીદનારાઓ સાથે બિલ્ડરોની છેતરપિંડી રોકવા માટે ગ્રાહકોને સુરક્ષા આપતો 'મહારાષ્ટ્ર ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ' (મોફાં)માં સુધારા માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવામાં નથી આવી. તેથી આ કાયદો ગેરકાનૂની છે. અનેક બિલ્ડર સામે મોફાં કાયદા અંતર્ગત ચાલતા કેસ પાછા ખેંચાય તે માટે ઉતાવળમાં આ કાયદો મંજૂર કરવામાં આવ્યા હોવાનો આરોપ મુંબઈ ગ્રાહક પંચાયતે લગાવ્યો છે. હવે ગ્રાહક પંચાયત આના વિરોધમાં કોર્ટમાં જશે.
આ મહત્વના કાયદા માટે સલાહ લેવાની જરૂર હતી, પરંતુ તેમ ન કરતા ઉતાવળમાં નાગપુર અધિવેશનમાં આ કાયદો મંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યપાલે 31 ડિસેમ્બરના આ ખરડાને મંજૂરી આપી તેને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યો હતો.
'રેરા' હેઠળ નોંધણી કરેલા પ્રોજેક્ટોને માન્યતા આપવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે. બિલ્ડરોને મોફા કાયદાની કલમ 13(A ) અંતર્ગત છૂટ આપવામાં આવી છે, તેથી બિલ્ડરોને ફોંજદારી કાર્યવાહીથી કાયમી છુટકારો મળશે. આ સિવાય ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડરોને છૂટો દોર મળે,તે માટે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે.
આ સુધારો બિલ્ડરોને ફાયદો કરતો હોવાથી સર્વ સામાન્ય ખરીદદારો સાથે છેતરપિંડી થઈ શકે છે, એમ ગ્રાહક પંચાયતના અધ્યક્ષ શિરીષ દેશપાંડેએ એક નિવેદનમાં જણાવ્યું હતું. 13(A ) કલમમાં બિલ્ડરોને સજાનું પ્રાવધાન હોવાથી તે માટે સુધારો કરવામાં આવી રહ્યો હોવાની શંકા ગ્રાહક પંચાયતે રાજ્યપાલને પત્ર લખીને વ્યક્ત કરી હતી અને મળવા માટે સમય માંગ્યો હતો. પરંતુ સમય મળ્યો નહીં અને રાજ્યપાલે મંજૂરી આપી એમ દેશપાંડેએ જણાવ્યું હતું.
આ કાયદા અંતર્ગત માલમત્તા હસ્તાંતરણ કાયદો, ફોજદારી પ્રક્રિયા સંહિતા અને રેરા એમ ત્રણ કેન્દ્રીય કાયદા પર અસર થતી હોવાથી અનુચ્છેદ 254 પ્રમાણે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. મૂળ મોફા કાયદા માટે પણ રાષ્ટ્રપતિની મજૂરી લેવામાં આવી હતી. તેથી રાજ્યપાલે આ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાની જરૂર હતી. તેમ થયું ન હોવાથી તેની કાયદેસરતા પર પણ પ્રશ્ન ઉભો થયો છે,એમ ગ્રાહક પંચાયતે સ્પષ્ટ કર્યું છે.