(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ગામના વાલેવાડા ગામમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આનું કારણ બુટલેટરો મામલે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગામમાં દારૂબંધી માટે નીકળેલા જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ બુટલેગરોને રક્ષણ આપી લોકોને રંજાડે છે. અહીંના અધિકારીએ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, આથી જનતા રેડ કરવામાં આવી હતી અને દારૂ પણ પકડ્યો હતો. પોલીસને જાણ થતાં કાફલો ઘટના સ્થળે આવ્યો હતો. જોકે પોલીસે બુટલેગરોને પકડવાને બદલે જનતા રેડ માટે આવેલા યુવાનોને જ પકડ્યા હતા. બુટલેગરોએ પણ પોલીસને હપ્તો આપીએ છીએ, તેમ કહ્યું હતું. પુરુષ પોલીસકર્મીએ ગામની મહિલાઓ પર હાથ ઉપાડતા મામલો ઊગ્ર બન્યો હતો. મહિલાઓના વાળ ખેંચવામાં આવ્યા હતા અને તેમને ઈજા પહોંચી હતી. આ સાથે પોલીસે રિવોલ્વોર કાઢી ગ્રામજનોને જાનથી મારવાની કથિત ધમકી આપી હતી. આ ઘટનાના અમુક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ મામલે પોલીસ સાથે સંપર્ક થઈ શક્યો ન હતો.
Surendranagar Police