મુંબઈ: શહેરની લાઈફ લાઈન ગણાતી લોક ટ્રેનમાં સીટ મેળવવા કે ચઢવા-ઉતારવા જેવી બાબતો એ ઝઘડો થવાના દ્રશ્યો સામાન્ય વાત છે. પરંતુ આજે વહેલી સવારે ચાલતી લોકલ ટ્રેનમાં બોલચાલ બાદ 33 વર્ષીય પ્રોફેસરની ચાકુ મારી હત્યા થતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ આલોક કુમાર સિંહ તરીકે થઈ છે. લોકલ ટ્રેનમાં તકરાર થતાં એક મુસાફરે ચાકુના ઘા ઝીંકીને તેની હત્યા નીપજાવી હતી. ગવર્મેન્ટ રેલ્વે પોલીસ (GRP)એ આ મામલે 27 વર્ષીય ઓમકાર શિંદેની ધરપકડ કરી છે.
GRPના અધિકારીના જણાવ્યા મુજબ લોકલ ટ્રેન ગંતવ્ય સ્થાન મલાડ સ્ટેશન પહોંચી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. ટ્રેનમાંથી ઉતરવા અંગે શાબ્દિક ઝઘડો થયો હતો, ત્યાર બાદ આરોપી ઓમકારે આલોક કુમાર સિંહને ધમકી આપી હતી. ટ્રેનમાંથી ઉતરતી વખતે આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ઘા માર્યા હતાં. ટ્રેનઉભી રહેતા આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો, તે ભાગી રહ્યો હતો એ દ્રશ્યો સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતાં. બાદમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મુંબઈના મલાડ ટ્રેન સ્ટેશનથી કોઈએ જાણ કરી હતી કે પ્લેટફોર્મ નંબર 1 પર કોઈ ઘાયલ હાલતમાં પડ્યો છે. તેને ઘાયલ હાલતમાં કાંદિવલીની બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. બાદમાં પોલીસે તેમના પરિવાર અને કોલેજને જાણ કરી હતી.
મૃતક પ્રોફેસર આલોક કુમાર સિંહ ઉત્તર પ્રદેશનો વતની હતો, તે વિલે પાર્લેમાં આવેલી નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ (એનએમ કોલેજ)માં ભણાવતો હતો. તે મલાડ ઇસ્ટમાં તેની પત્ની સાથે છેલ્લા બે વર્ષથી રહેતો હતો. પોલીસે મૃતદેહને ઓટોપ્સી માટે મોકલી આપ્યો છે.