Tue Jan 27 2026

Logo

White Logo

'ક્યા બિગાડ લિયા મેરા' એવું બતાવવા ઈચ્છો છો! સુપ્રીમ કોર્ટે વકીલને ફટકાર લગાવી...

4 days ago
Author: Savan Zalariya
Video

નવી દિલ્હી: ગયા વર્ષે ઓક્ટોબરમાં ઝારખંડ હાઈકોર્ટમાં એક સુનાવણી દરમિયાન એક વકીલ ન્યાયધીશ સાથે શાબ્દિક તકરારમાં ઉતર્યા હતાં. હાઈકોર્ટે વકીલને ક્રિમીનલ કન્ટેમ્પ્ટ નોટિસ પાઠવી હતી. આ નોટીસ સામે વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટે વકીલની ભારે ઝાટકણી કાઢી હતી.

અહેવાલ મુજબ 16 ઓક્ટોબરના રોજ એડવોકેટ મહેશ તિવારીએ ઝારખંડ હાઈકોર્ટના જસ્ટિસ રાજેશ કુમાર સાથે ઉગ્ર બોલાચાલ કરી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ દરમિયાન તિવારીએ ન્યાયાધીશને કહ્યું હતું કે "તમારી મર્યાદા ન ઓળંગતા."

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે વકીલ તિવારીને ફટકાર લગાવતા કહ્યું કે "તેઓ સુપ્રીમ કોર્ટ પાસેથી 'ક્યા બિગાડ લિયા મેરા' એવું બતાવવા માટે કોઈ આદેશ ઇચ્છે છે." 

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, "જો તેઓ માફી માંગવા ઇચ્છતા હોય, તો તેણે માફી માંગી લે... જો તે ન્યાયાધીશોને આંખો બતાવવા ઇચ્છતા હોય, તો એવું કરે. અમે અહીં બેઠા છીએ, અને પછી જોઈશું," 

આ સાથે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પણ કહ્યું હતું કે જો વકિલ માફી માંગે તો તેમની સામે સહાનુભૂતિપૂર્ણ વલણ દાખવે.

વકીલે ન્યાયધીશને શું કહ્યું હતું?
એક કેસની સુનવણી દરમિયાન ઝારખંડ હાઈકોર્ટના  ન્યાયાધીશ કુમારે તિવારીએ વકીલની દલીલો રજૂ કરવાની રીતે અંગે નારજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ઝારખંડ સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેનને વકીલના વર્તન પર ધ્યાન આપવા કહ્યું.

ત્યારબાદ વકીલ તિવારી ઉભા થયા, બેન્ચ પાસે ગયા અને ન્યાયાધીશ તરફ ઈશારો કરીને કહ્યું, "હું મારી રીતે દલીલ કરીશ, તમે કહો તેમ નહીં. મહેરબાની કરીને કોઈપણ વકીલને અપમાનિત કરવાનો પ્રયાસ ન કરતા."ન્યાયધીશે કહ્યું કે "તમે એવું ન કહી રહ્યા છે કે કોર્ટ અન્યાય કરી રહી છે?" 

તિવારીએ કહ્યું, "મેં એવું કહ્યું! તમે ઘણું વધારે જાણો છો કારણ કે તમે ન્યાયાધીશ છો. હું મારી રીતે દલીલ કરીશ. તમે તમારી મર્યાદા ન ઓળંગતા. હું છેલ્લા 40 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું.”