(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સીમાવર્તી કચ્છ જિલ્લામાં ત્રણ યુવાઓએ આપઘાત કરીને જીવ ગુમાવતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી હતી. ગાંધીધામના પડાણા નજીક પંચરત્ન માર્કેટ સામે શિવકુમાર દિલીપલાલ દાસ (ઉ.વ.૨૫)એ ચાલતી રિક્ષામાંથી મોતની છલાંગ લગાવી હતી, જયારે ગાંધીધામના સુભાષ નગરમાં પ્રતીકકુમાર વિજય સોલંકી (ઉ.વ.૨૬) તેમજ અબડાસાના સુથરીમાં રામ શંકર કોલી (ઉ.વ.૧૯)એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીધામના પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં રહેનાર શિવકુમાર નામનો પરિણીત યુવાન પોતાના વતન બિહારથી પરત ગાંધીધામને બદલે ભચાઉ આવ્યો હતો અને ત્યાંથી રિક્ષામાં બેસીને ગાંધીધામ આવી રહ્યો હતો. આ રિક્ષા પડાણા ખાતેની પંચરત્ન માર્કેટની સામે પહોંચી એ વેળાએ શિવકુમારે પૂરપાટ ચાલતી રિક્ષામાંથી અગમ્ય કારણોસર છલાંગ મારી દેતાં તેને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં સારવાર મળે તે અગાઉ દમ તોડ્યો હતો.
આપઘાતનો વધુ એક બનાવ ગાંધીધામ શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્લોટ નંબર ૭૯માં બન્યો હતો જેમાં અહીં રહેનાર પ્રતીક સોલંકીએ ગઈકાલે સાંજે પોતાના ઘરે અકળ કારણોસર સીલિંગ ફેનમાં દોરી બાંધી, ગળે ફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો હતો. દરમ્યાન, પશ્ચિમ કચ્છના અબડાસાના સીમાવર્તી સુથરીમાં આપઘાતનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો હતો જેમાં પોતાના ઘર નજીક આવેલા થાંભલા પર ચડી, દોરડું બાંધીને રામ કોળી નામના યુવાને અકળ કારણોસર ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.