Tue Jan 27 2026

Logo

White Logo

ગણતંત્ર દિવસઃ કર્તવ્ય પથ પર રજૂ થયેલી ગુજરાતની ઝાંખીની શું હતી વિશેષતા?

1 day ago
Author: Mayur Patel
Video

નવી દિલ્લીઃ ગણતંત્ર દિવસ પરેડને લઈ કર્તવ્ય પથ પર આશરે 97 મિનિટ કાર્યક્રમ ચાલ્યો હતો. 30 ઝાંખીઓ નીકળી હતી.  આ વખતે મુખ્ય મહેમાન યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર હતા. પીએમ મોદીએ તમામનું સ્વાગત કર્યું હતું. કર્તવ્ય પથ પર ગુજરાતની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના અવસર પર કર્તવ્ય પથ પર એક વિશેષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ભારતી સાંસ્કૃતિક વિવિધતાને એક તાંતણે બાંધીને રજૂ કરવામાં આવી હતી. જેને જોઈ તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

કચ્છ ભૂકંપના 25 વર્ષનું પ્રદર્શન

ગૃહ મંત્રાલયના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનડીઆરએફની ઝાંખીમાં કચ્છ ભૂકંપના 25 વર્ષને રજૂ કરાયા હતા. ઉત્તરાખંડના ડાયરેક્ટોરેટ સીનિયર વિંગ ગર્લ્સની કમાન્ડર સીનિયર અંડર ઓફિસર માનસી વિશ્વકર્માએ 148 ગર્લ્સ કેડેટવાળી એનસીસીનું નેતૃત્વ કર્યું હતું.

કર્તવ્ય પથ પર ગુજરાતની ઝાંખી

વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે, ગુજરાતની ઝાંખીમાં ભીખાઈજી કામાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમણે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદાર સિંહ રાણા સાથે મળીને વિદેશી ધરતી પર ભારતની આઝાદીનો સંદેશ પહોંચાડ્યો હતો. ઝાંખીની આગળના ભાગમાં ભીખાઈજી કામા તેમના દ્વારા ડિઝાઇન કરાયેલો વંદે માતરમ ધ્વજ પકડેલા જોવા મળ્યા હતા, જેની નીચે બંધારણ માન્ય વિવિધ ભાષાઓમાં વંદે માતરમ લખાયેલું હતું. મધ્ય ભાગમાં રાષ્ટ્રધ્વજના વિકાસના તબક્કાઓ દર્શાવવામાં આવ્યા હતા - 1906ના કોલકાતાના સ્વદેશી આંદોલનથી લઈને 1921માં પિંગલી વેંકૈયા દ્વારા ગાંધીજીને અપાયેલ ડિઝાઇન અને અંતે 22 જુલાઈ 1947ના રોજ સ્વીકારાયેલ ધર્મચક્ર સાથેના ત્રિરંગા સુધીની સફર રજૂ કરાઈ હતી. ઝાંખીના અંતમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્વદેશી અને ચરખાના પ્રતીક તરીકે સ્થાપિત હતી. ઝવેરચંદ મેઘાણી રચિત 'કસુંબીનો રંગ' ગીત પર લોકકલાકારોની પ્રસ્તુતિએ કર્તવ્ય પથ પર દેશભક્તિનો જોશ ભરી દીધો હતો.

સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલની પ્રથમ ઝલક

પરેડમાં પ્રથમ વખત સ્વદેશની હાઈપરસોનિક મિસાઈલ જોવા મળી હતી. પરેડમાં પાકિસ્તાન બોર્ડ પર તૈનાત બૈક્ટ્રિયન ઉંટોને સામેલ કરાયા હતા. 17 રાજ્યોની 30 ઝાંખી સામેલ થઈ હતી. પરેડમાં ભૈરવ બટાલિયને પ્રથમ વખત શૌર્ય પ્રદર્શન કર્યું હતું. વાયુસેનાના માર્ચિંગ બેંડમાં મહિલા અગ્નિવીરોએ હિસ્સો લીધો હતો. સેનાની ડેયર ડેવિલ ટીમે કર્તવ્ય પથ પર કરતબ બતાવીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું

રાષ્ટ્રપતિ રવાના થયા બાદ પીએમ મોદીએ પ્રેક્ષક ગેલેરી પાસે જઈને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

ઉર્સુલા વૉન ડેર લેયને શું કહ્યું

યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે, ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સામેલ થવું એ સન્માનની વાત છે. એક સફળ ભારત વિશ્વને વધુ સ્થિર, સમૃદ્ધ અને સુરક્ષિત બનાવશે અને આનાથી આપણા સૌને ફાયદો થશે.