ગોલ્ડ કોસ્ટ: ઓસ્ટ્રેલિયાના સર ડોનાલ્ડ (ડોન) બ્રેડમેનને ક્રિકેટ ઈતિહાસના સૌથી મહાન બેટર માનવામાં આવે છે. તાજેતરમાં તેમને પહેરેલી એક ટોપી 4,60,000 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે આશરે 2.92 કરોડ રૂપિયામાં વેચાઈ છે. એહવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ડોન બ્રેડમેનની 'બેગી ગ્રીન' કેપની હરાજી કરવામાં આવી હતી, એક અનામી ખરીદદારે આ કેપ માટે 4,60,000 ઓસ્ટ્રેલિયન ડોલર ચૂકવ્યા હતાં.
ભારતીય ખેલાડીને મળી હતી ભેટ:
મહત્વની વાત એ છે કે 1947-48માં સ્વતંત્ર ભારતની ક્રિકેટ ટીમ સામેની પ્રથમ ટેસ્ટ સિરીઝ દરમિયાન ડોન બ્રેડમેને આ કેપ પહેરી હતી. આ સિરીઝ બાદ તેમણે આ કેપ ભારતના બોલર શ્રીરંગા સોહનીને ગીફ્ટ કરી હતી.
પરિવારે કેપ સાચવી રાખી:
સોહની પરિવારે આ કેપ લગભગ 95 વર્ષ સુધી તેમની પાસે સાચવી રાખી હતી, અને ક્યારેય તેને જાહેરમાં પ્રદર્શિત કરી ન હતી. પરિવારે એક નિયમ બનાવ્યો હતો, જ્યારે કોઈ પરિવારજન 16 વર્ષનો થાય છે, ત્યારે તેને ફક્ત પાંચ મિનિટ માટે આ કેપ જોવાની મંજૂરી આપવામાં આવતી હતી.
વર્ષો બાદ લોયડ્સ ઓક્શન્સ નામની કંપનીએ ડોન બ્રેડ મેનની આ કેપની હરાજી કરી હતી. કંપનીના અધિકારીને આ કેપને "ક્રિકેટની દુનિયાનો સૌથી કિંમતી ખજાનો" ગણાવી હતી.
બ્રેડમેને શ્રીરંગાને કેપ કેમ આપી હતી:
નોંધનીય છે કે શ્રીરંગા સોહનીએ સ્વતંત્ર ભારતની ક્રિકેટ ટીમ તરફથી પહેલો બોલ ફેંક્યો હતો. શ્રીરંગા ઓસ્ટ્રેલીયા સામેની 1947-48ની ટેસ્ટ સિરીઝની માત્ર પહેલી મેચ રમી હતી, તેમને એક પણ વિકેટ મળી ન હતી. આ મેચ બાદ બ્રેડમેને શ્રીરંગાને સ્મૃતિચિહ્ન તરીકે આ કેપ આપી હતી.
શેન વોર્નના નામે રેકોર્ડ:
આ ખાસ કેપની અંદર ડી.જી. બ્રેડમેન અને એસ.ડબલ્યુ. સોહોનીના નામ કોતરેલા છે. અહેવાલ મુજબ બ્રેડમેનની આવી 11 બેગી ગ્રીન કેપ્સ ઉપલબ્ધ છે. હરાજીમાં સૌથી મોંઘી બેગી ગ્રીન કેપનો રેકોર્ડ લિજેન્ડરી સ્પિનર શેન વોર્નના નામે છે. વર્ષ 2020 માં, વોર્નની કેપ આશરે 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ₹5.90 કરોડમાં વેચાઈ હતી.