જાકાર્તા : ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે 80 થી વધુ લોકો ગુમ થયા છે. આ ભૂસ્ખલન બાદ રાહત અને બચાવ ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જાવા ટાપુ પર પૂર અને ભૂસ્ખલનના લીધે મૃત્યુઆંક 21 થયો છે. સોમવારે મુશળધાર વરસાદ બાદ મધ્ય જાવા પ્રાંતના પેકાલોંગન વિસ્તારના નવ ગામોમાંથી નદીઓનું પાણી ફરી વળ્યું હતું. જ્યારે પહાડી ગામોમાં ભૂસ્ખલન થયું હતું.
પૂરને કારણે પેટુંગક્રિઓનો રિસોર્ટ વિસ્તારમાં ભૂસ્ખલન
રાષ્ટ્રીય રાહત અને બચાવ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયો અને ફોટામાં બચાવ ટીમ દ્વારા ગામડાઓમાં ખોદકામ કરી રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તાર કાદવ, ખડકો અને ઉખડી ગયેલા વૃક્ષોથી ઢંકાઈ ગયા છે. તેમજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ જણાવ્યું હતું કે પૂરને કારણે પેટુંગક્રિઓનો રિસોર્ટ વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં બે ઘરો અને એક કાફે દટાઈ ગયા હતા. કુલ 25 ઘરો એક ડેમ અને ગામોને જોડતા ત્રણ મુખ્ય પુલ નાશ પામ્યા હતા. જેમાં ઓછામાં ઓછા 13 લોકો ઘાયલ થયા હતા અને લગભગ 300 લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં આશરો લેવાની ફરજ પડી હતી.
Landslide disaster 🙏
— Volcaholic 🌋 (@volcaholic1) January 24, 2026
🇮🇩 A landslide from the foothills of Mount Burangrang swept through Pasirlangu Village, Cisarua, West Bandung Regency, this morning, destroying homes and devastating the community.
113 people from 34 families affected.
82 people still missing.
8… pic.twitter.com/0poMbvmay1
34 ઘરો દટાઈ ગયા હતા
આ ઘટના ઇન્ડોનેશિયામાં ભારે વરસાદ દરમિયાન વારંવાર થતા પૂર અને ભૂસ્ખલનની શ્રેણીનો એક ભાગ છે. જ્યાં લાખો લોકો પર્વતીય વિસ્તારોમાં અથવા પૂરગ્રસ્ત મેદાનોની નજીક રહે છે. શનિવારે ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા અને 82 લોકો ગુમ થયા હતા. તેમજ દિવસો સુધીના મુશળધાર વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે જેના કારણે પશ્ચિમ જાવા પ્રાંતના પશ્ચિમ બાંદુંગ જિલ્લામાં પાસિર લાંગુ ગામ તબાહ થઈ ગયું છે. તેમજ 34 ઘરો દટાઈ ગયા હતા.
પાસિર કુનિંગમાંથી આઠ મૃતદેહો મળી આવ્યા
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ જણાવ્યું હતું કે બચાવ ટીમો કાદવ અને કાટમાળ નીચે દટાયેલા 82 રહેવાસીઓને શોધી રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત ગામ પાસિર કુનિંગમાંથી આઠ મૃતદેહો મળી આવ્યા છે. જ્યાં સવારે 3 વાગ્યે થયેલા ભૂસ્ખલનમાં ઘરો અને લોકો તણાઈ ગયા હતા.
ભારે વરસાદના લીધે શોધ અને બચાવ કામગીરીમાં મુશ્કેલી
પશ્ચિમ જાવા આપત્તિ વ્યવસ્થાપન કાર્યાલયના વડા તેતેન અલી મુંગકુ એન્ગકુને જણાવ્યું હતું કે ભારે વરસાદના લીધે શોધ અને બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓએ ઝડપથી નુકસાનનું મૂલ્યાંકન કર્યું હતું અને ભૂસ્ખલન પછી તરત જ કટોકટી ટીમો તૈનાત કરી હતી. ભૂસ્ખલન વિસ્તારના 100 મીટરની અંદર રહેતા પરિવારોને સલામતીના ભાગરુપે સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે.