Tue Aug 25 2026

Logo

મહિલા વર્લ્ડ કપમાં ભારત લડત આપીને હાર્યું, ટૂર્નામેન્ટની બહાર

London   2026-06-28 22:33:20
Author: Ajay Motiwala
મહિલા વર્લ્ડ કપમાં ભારત લડત આપીને હાર્યું, ટૂર્નામેન્ટની બહાર

BCCI


લંડનઃ અહીં લૉર્ડસના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર રવિવારે મહિલાઓની વન-ડેનું વર્લ્ડ ચૅમ્પિયન ભારત ટી-20ના વિશ્વ કપમાં અંતિમ લીગ મૅચમાં પરાજિત થતાં ટૂર્નામેન્ટની બહાર થઈ ગયું હતું. ઑસ્ટ્રેલિયા સામેની ક્વૉર્ટર ફાઇનલ જેવી મૅચમાં હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીનો છ વિકેટે પરાજય થયો હતો. એલીસ પેરી (56 રન) અને ઍશ્લેઇ ગાર્ડનરે (53 અણનમ) હાફ સેન્ચુરી ફટકારી હતી. ભારત વતી સ્પિનર શ્રી ચરનીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

જોકે ભારતીય ટીમ ભૂતપૂર્વ વિશ્વ વિજેતા ઑસ્ટ્રેલિયાને લડત આપીને હારી હતી. ભારતે 171 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ સૉફી મૉલિન્યૂક્સના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમે 19 ઓવરમાં ચાર વિકેટે 172 રન બનાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ભારત પરાજિત થતાં સાઉથ આફ્રિકાને ગ્રૂપ-1માંથી આપોઆપ સેમિ ફાઇનલમાં જવા મળ્યું છે.

એ પહેલાં, વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચવા ઝઝૂમી રહેલી ભારતીય ટીમે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં ચાર વિકેટે 170 રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન હરમનપ્રીત કૌરના 56 રન હાઇએસ્ટ હતા. એમાં તેના ત્રણ છગ્ગા, છ ચોગ્ગા સામેલ હતા.

વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (38 રન) અને શેફાલી વર્મા (34 રન)ના સાધારણ યોગદાન હતા, જ્યારે જેમિમા રૉડ્રિગ્સ પોતાના 34મા રને રિટાયર આઉટ થઈ હતી. ભારતની દમદાર બોલિંગ લાઇન-અપનો ઑસ્ટ્રેલિયાએ વળતો જવાબ આપ્યો હતો.રવિવારે સાંજે આ જ મેદાન પર બાંગ્લાદેશ સામે સાઉથ આફ્રિકા ચાર વિકેટે જીતી ગયું હતું. ગ્રૂપ-ટૂમાંથી ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સેમિમાં પહોંચી ગયા છે. ભારતીય ટીમમાં નંદની શર્માના સ્થાને ક્રાંતિ ગૌડને ફરી ટીમમાં સમાવવામાં આવી હતી, જ્યારે ઑસ્ટ્રેલિયાએ અલાના કિંગના સ્થાને ફીબી લિચફીલ્ડને ઇલેવનમાં સમાવી હતી.