Sat Sep 05 2026

Logo

બદલાપુરના જિમખાનામાં ગોળી વાગતાં  યુવકનું મૃત્યુ: આત્મહત્યા કર્યાની શંકા

2026-07-20 18:18:13
Author: Yogesh D. Patel
બદલાપુરના જિમખાનામાં ગોળી વાગતાં  યુવકનું મૃત્યુ: આત્મહત્યા કર્યાની શંકા

થાણે: થાણે જિલ્લાના બદલાપુરમાં જિમખાનામાં ગોળી વાગવાથી 23 વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું. જોકે યુવકે આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે.

બદલાપુરમાં ક્રિકેટ ટર્ફ અને રમતગમતના મેદાન માટે જાણીતા પાટીલ માઉન્ટન વ્યૂ જિમખાનામાં શનિવારે સાંજે આ ઘટના બની હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂવન પાટીલ નામનો યુવક જિમખાનામાં હાજર હતો ત્યારે ગોળી મારવામાં આવી હતી. થોડા સમય બાદ તે ઘાયલ અવસ્થામાં અને લોહીલુહાણ હાલતમાં પરિસરની બહાર નજરે પડ્યો હતો, જેનું બાદમાં મૃત્યુ થયું હતું.

પરિસરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવતાં યુવક ગોળી વાગ્યા બાદ ઇમારતની બહાર નીકળતો નજરે પડ્યો હતો. 

કુલગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે જિમખાનાના કેરટેકર અને સાક્ષીદારોની પૂછપરછ કરવામાં આી હતી. પોતાના પ્રાથમિક નિવેદનમાં કેરટેકરે દાવો કર્યો હતો કે આ ઘટના બની ત્યારે તે અંદર સૂતો હતો અને તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો નહોતો.

બનાવની જાણ થયા બાદ ફોરેન્સિક ટીમ સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તપાસ આદરી હતી. 

ઘટના સમયે જિમખાના નજીક કોઇ પણ અસામાન્ય હિલચાલ ટ્રેક કરવા માટે પોલીસે ટેક્નિકલ ડેટાનું વિશ્ર્લેષણ કરી રહી છે. 

હાલ પોલીસે એડીઆર દાખલ કર્યો હતો અને પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોઇ રહી છે. પ્રાથમિક તપાસમાં આ કેસ આત્મહત્યાનો લાગી રહ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને હવે મૃતકના પરિવારજનોનું નિવેદન નોંધવામાં આવશે.

(પીટીઆઇ)

વધુ જુઓ...