Sun Sep 06 2026

Logo

'ચર્ચા કરવાને બદલે આપણા જ બાળકો પર આંસુ ગેસ છોડો છો, શા માટે?' વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે પ્રિયંકા ગાંધી લાલઘૂમ

2026-07-20 18:09:03
Author: Devayat Khatana
'ચર્ચા કરવાને બદલે આપણા જ બાળકો પર આંસુ ગેસ છોડો છો, શા માટે?' વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે પ્રિયંકા ગાંધી લાલઘૂમ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સંસદ પરિસરની બહાર CJPના પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના વિરોધમાં વિપક્ષે સરકાર સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધીએ આ ઘટનાનો સખત વિરોધ કરતા શિક્ષણના મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિપક્ષ સંસદમાં નવી શિક્ષણ નીતિ પર ચર્ચાની માંગ કરી રહ્યો છે, કારણ કે તેમાં અનેક ગંભીર સમસ્યાઓ રહેલી છે. પરંતુ સરકાર ચર્ચા કરવાને બદલે દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરી રહી છે અને આંસુ ગેસના ગોળા છોડી રહી છે, જે લોકશાહીમાં અત્યંત નિંદનીય છે.

બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ પણ સરકારની આ નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો દેશના યુવાનો લોકશાહીમાં સંસદની બહાર વિરોધ પ્રદર્શન નહીં કરે, તો બીજે ક્યાં જશે? યુવાનો સરકારને પોતાની અવાજ સંભળાવવા માગે છે પરંતુ સરકાર જનતાનો અવાજ સાંભળવા જ તૈયાર નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી હતી કે પેપર લીકની ઘટનાઓ અને શિક્ષણમાં ગેરરીતિઓની જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે અને દેશની પરીક્ષા પ્રણાલીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે.

આ સમગ્ર વિવાદ વચ્ચે કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ દેશની સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વર્તમાન સરકારના શાસનમાં સતત થઈ રહેલી પેપર લીકની ઘટનાઓના કારણે દેશના કરોડો યુવાનોનો શિક્ષણ પ્રણાલી પરથી વિશ્વાસ સંપૂર્ણપણે ઉઠી ગયો છે. જે લોકોની જવાબદારી બને છે, તેઓ મૌન ધારણ કરીને બેઠા છે. હુડ્ડાએ ઉમેર્યું કે રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના અધિકારો માટે 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ શરૂ કર્યો છે અને કોંગ્રેસ પક્ષ યુવાનોના આ સંઘર્ષને તેના તાર્કિક અંત સુધી પહોંચાડીને જ જંપશે.