Mon Sep 14 2026

Logo

લૉર્ડસમાં બેથેલ-ડકેટની જોડીએ બૉયકૉટ-વિલીનો 46 વર્ષ જૂનો આ વિક્રમ તોડ્યો, રિચર્ડ્સનો પણ રેકૉર્ડ તૂટ્યો

London   2026-07-19 21:07:25
Author: Ajay Motiwala
લૉર્ડસમાં બેથેલ-ડકેટની જોડીએ બૉયકૉટ-વિલીનો 46 વર્ષ જૂનો આ વિક્રમ તોડ્યો, રિચર્ડ્સનો પણ રેકૉર્ડ તૂટ્યો

લંડનઃ ઇંગ્લૅન્ડે ભારતને રવિવારે લૉર્ડ્સમાં શ્રેણીની નિર્ણાયક વન-ડેમાં 388 રનનો મહાકાય લક્ષ્યાંક તો આપ્યો, પણ એ પહેલાં એના ઓપનર્સ વિક્રમો સાથે રેકૉર્ડ-બુકમાં આવી ગયા. તેમણે 46 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડ્યો હતો. એ ઉપરાંત, વિવ રિચર્ડ્સનો 47 વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડનો વિક્રમ પણ તૂટ્યો હતો.

ઓપનર જેકબ બેથેલ (91 રન, 93 બૉલ, બે છગ્ગા, અગિયાર ચોગ્ગા) અને બેન ડકેટ (141 રન, 135 બૉલ, એક છગ્ગો, અઢાર ચોગ્ગા) વચ્ચે 181 બૉલમાં 192 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. તેમણે ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને છેક 31મી ઓવરમાં પ્રથમ વિકેટ પડી હતી જેમાં બેથેલ આઉટ થયો હતો.

ઇંગ્લૅન્ડે ભારત સામે વન-ડેમાં સૌથી મોટો સ્કોર (3/387) તો કર્યો જ હતો, બેથેલ-ડકેટે જોડીમાં 192 રન બનાવીને લૉર્ડ્સમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો જ્યૉફ બૉયકૉટ તથા પીટર વિલીનો 1980ની સાલનો (46 વર્ષ પૂર્વે) 135 રનનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો.

લૉર્ડસ (Lord's)માં વન-ડેના 54 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું જેમાં 150થી વધુ રનની ભાગીદારી થઈ છે. ડકેટ-બેથેલે ભારત સામે વન-ડેમાં હાઇએસ્ટ ઓપનિંગની પાર્ટનરશિપનો રેકૉર્ડ પણ તોડ્યો છે. અગાઉ અહીં જૉ રૂટ અને મૉર્ગન વચ્ચેની 186 રનની ભાગીદારીનો વિક્રમ તોડી નાખ્યો છે.

લૉર્ડ્સમાં વન-ડેમાં વ્યક્તિગત હાઇએસ્ટ રન વિવ રિચર્ડ્સ (1979ના વર્લ્ડ કપમાં 138 અણનમ)ના નામે હતા અને એ વર્લ્ડ રેકૉર્ડ બેન ડકેટ (Duckett)એ 141 રનની ઇનિંગ્સ સાથે તોડી નાખ્યો છે.