ઊંધી વળી ગયેલી ઇથેનોલ ભરેલી ટ્રક સાથે કાર ટકરાતાં બન્ને વાહન સળગી ઊઠ્યાં
વર્ધા: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે પર વર્ધા નજીક સોમવારના મળસકે થયેલા ભયાનક અકસ્માતમાં છ જણે જીવ ગુમાવ્યા હતા. અત્યંત જ્વલનશીલ ઈથેનોલ ભરેલી ક્ધટેઈનર ટ્રક એકાએક ઊંધી વળી જતાં પાછળથી આવેલી ટ્રક તેની સાથે ભટકાઈ હતી, જેને પગલે બન્ને વાહન સળગી ઊઠ્યાં હતાં. અકસ્માતને પગલે એક્સપ્રેસવે પર ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત વિરુલ ગામ પાસે મળસકે ત્રણ વાગ્યાની આસપાસ થયો હતો. એક્સપ્રેસવે પર ઈન્ટરચૅન્જ આઈસી-80 નજીક ઈથેનોલ ભરેલી ટ્રક એકાએક ઊંધી વળી ગઈ હતી. એ જ સમયે બાજુની લેન પરથી આવેલી કાર ટ્રક સાથે ટકરાઈ હતી. આ ટક્કરને કારણે બન્ને વાહનમાં આગ લાગી હતી.
આ ઘટનામાં કારમાં પ્રવાસ કરનારા ચાર અને ટ્રકમાં હાજર ડ્રાઈવર સહિત બે જણનાં મોત નીપજ્યાં હતાં.
અકસ્માતની જાણ થતાં જ હાઈવે સેફ્ટી પેટ્રોલ, વર્ધા પોલીસ, ફાયર બ્રિગેડ અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતકોનાં શબને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં અને ટ્રાફિકના નિયમનની કામગીરી હાથ ધરાઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે ક્ધટેનરમાં અત્યંત જ્વલનશીલ ઈથેનોલ હોવાથી તેને સુરક્ષિત રીતે ખસેડવું જરૂરી હતું. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કામગીરી હાથ ધરાઈ હતી. મુંબઈથી નાગપુર તરફ જતાં વાહનોને વિરુદ્ધ લેનમાં ડાયવર્ટ કરાયાં હતાં. પરિણામે ટ્રાફિક જૅમની સ્થિતિ નિર્માણ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે 2025માં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર 185 અકસ્માતની નોંધ થઈ હતી, જે 2024ની સરખામણીએ 35 ટકા વધુ હતી. હાઈવે પોલીસના ડેટા અનુસાર 2024માં 137 અકસ્માત નોંધાયા હતા. (પીટીઆઈ)