Sun Oct 04 2026

Logo

"મનુસ્મૃતિની વ્યવસ્થા શરમજનક, 70 કરોડ મહિલાઓ જ ભારતની સાચી તાકાત: પુણેમાં રાહુલ ગાંધીનો હુંકાર"

2026-08-22 21:49:43
Author: Devayat Khatana
"મનુસ્મૃતિની વ્યવસ્થા શરમજનક, 70 કરોડ મહિલાઓ જ ભારતની સાચી તાકાત: પુણેમાં રાહુલ ગાંધીનો હુંકાર"

પુણે: આજે મહારાષ્ટ્રના પુણેમાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ છાત્રોની ગુંજ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે મનુસ્મૃતિને લઈને અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મનુસ્મૃતિમાં મહિલાઓને પિતા, પતિ અને પુત્રને આધીન રાખવાની વ્યવસ્થા શરમજનક છે. તેમણે કહ્યું કે મહિલાઓને દીકરી, પત્ની કે માંની ઓળખ સુધી સીમિત ન રાખવી જોઈએ. વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે ભારતની 70 કરોડ મહિલાઓ દેશની મહામૂલી સંપતિ છે, તેઓ પુરુષોની સરખામણીએ વધારે દૂરદર્શી છે. તેમણે એવું કહ્યું કે તેઓ યુવાનોની વાત સાંભળવા આવ્યા છે, કો ભાષણ આપવા કે રાજનીતિની ચર્ચા કરવા નહિ. 

પુણેમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "લોકો વારંવાર મને પૂછે છે કે ભારતની સૌથી મોટી તાકાત શું છે? આ સવાલના જવાબમાં કેટલાક લોકો અર્થતંત્ર, તો કેટલાક સૈન્ય કે મેડિકલ સિસ્ટમનું નામ લઈ શકે છે. પરંતુ મારા મતે આપણા દેશની સાચી તાકાત અહીંની મહિલાઓ છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની 70 કરોડ મહિલાઓ જે સપનાઓ, યાત્રાઓ અને કલ્પનાઓને જીવી રહી છે, તે જ ભારતની સૌથી મોટી અને અનોખી શક્તિ છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પુરુષોની સરખામણીમાં મહિલાઓ સ્વાભાવિક રીતે વધુ સંવેદનશીલ, કોમળ, દયાળુ અને ભવિષ્યનો વિચાર કરનારી (દૂરદર્શી) હોય છે. આ જ કારણથી તેઓ મૂળભૂત રીતે માને છે કે ભારતની મહિલાઓ દેશની સૌથી મોટી સંપત્તિ છે. મહિલાઓ પાસે ભવિષ્યને જોવાની અને સમજવાની જે દ્રષ્ટિ છે, તે તેમને પુરુષો કરતા અલગ અને વધુ સક્ષમ બનાવે છે.

રાહુલ ગાંધીએ સમાજની માનસિકતા પર સવાલ ઉઠાવતા અંતમાં કહ્યું કે, જ્યારે પણ તેઓ કોઈ પુરુષ સાથે વાત કરે છે, ત્યારે મહિલાઓને માત્ર ત્રણ જ ખાનામાં વહેંચી દેવામાં આવે છે - દીકરી, પત્ની કે માતા. એક દીકરી, પત્ની કે માતા તરીકે જોવામાં કશું ખોટું નથી, પરંતુ માત્ર આ જ તેમની ઓળખ ન હોઈ શકે. આજે આપણી પાસે એવી અદભુત મહિલાઓ છે જે પ્રોફેશનલ છે, રમતવીર છે અને અનેક અલગ-અલગ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામ કરી રહી છે. ત્યારે પુરુષો દ્વારા આપવામાં આવેલી આ ત્રણ ઓળખ પૂરતી તેમને સીમિત ન રાખવી જોઈએ.