અમદાવાદઃ સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે સોમવારે થયેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સુરત મનપાને ઝાટક્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે શાસન અને તંત્ર કોર્ટની આંખમાં ધૂળ નાખવાની કોશિશ ન કરે. કોર્ટે એવો સવાલ પણ કર્યો કે આ ગેરકાનૂની કામ માટે નાના સ્તરના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પછી મનપાના વડા અટલે કે કમિશનર સામે પગલા લેવામાં કેમ નથી આવ્યા.
નાસિરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન બાદ ઘર ગુમાવી ચૂકેલા 26 જેટલા પીડિતોએ હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. અગાઉ સુનાવણી દરમિયાન સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિના પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે પોતાના ઉપરી અધિકારી એટલે કે કમિશનરના આદેશને અનુસરી ડિમોલિશન કર્યું હતું. કોર્ટે તેમના એફિડેવિટની નોંધ લઈ જણાવ્યું હતું કે કમિશનરના સત્તાવાર નંબરથી વાતચીત થઈ હતી.
આક્ષેપ કરનાર અધિકારી સસ્પેન્ડેડ છે, પરંતુ તેણે કોર્ટમાં આપેલી એફિડેવિટમાં સ્પષ્ટ જણા્વયું હતું કે તેમણે કમિશનરના આદેશથી આ કામગીરી હાથ ધરી હતી. કોર્ટે એવો સવાલ પણ કર્યો કે કોર્ટમાં કોઈ અધિકારી કમિશનર વિરુદ્ધ ખોટી એફિડેવિટ કેવી રીતે ફાઈલ કરી શકે. જોકે એડવોકેટ જનરલે પ્રજાપતિના દાવાઓને નકાર્યા હતા અને સસ્પેન્ડેડ અધિકારી રોડ વિભાગના છે અને તેમને ડિમોલિશન સાથે કોઈ લેવાદેવા નથી, તેમ જણાવ્યું હતું.
કોર્ટે રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલી તપાસ સમિતિ વિશે પણ ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે સમિતિની રચના સામે કોર્ટનો વિરોધ નથી, પરંતુ સમિતિ કઈ દિશામાં તપાસ કરે છે, તે અંગે સ્પષ્ટતા નથી. આ સાથે કોર્ટે સવાલ કર્યો હતો કે નાના અધિકારીઓ પર આક્ષેપ થાય તો સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ કમિશનરનો ખુલાસો કેમ લેવામાં આવ્યો નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર કોર્ટને કડક નિણર્યો લેવા પર મજબૂર કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે મુખ્ય આરોપી જો ઉચ્ચ હોદ્દા પર હોય તો તપાસ નિષ્પક્ષ કરવાનું શક્ય નથી.
સુનાવણી દરમિયાન જ્યારે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે કમિશનરે ક્યારેય નિયમ વિરુદ્ધ કામ કરવાનો આદેશ નથી આપ્યો ત્યારે કોર્ટે સામો સવાલ કર્યો હતો કે તો પછી કમિશનરને એક ખાનગી વ્યક્તિની પ્રોપર્ટી ખાલી કરાવવામાં આટલો બધો પર્સનલ રસ કેમ જાગ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે 150 જણને બેઘર કરવામાં આવ્યા છે. હવે તેમના પુનર્વસનનો ખર્ચ રાજ્યની તિજોરીમાંથી, જનતાના ટેક્સના પૈસામાંથી નહીં પરંતુ દોષીત અધિકારીઓના પગાર કે મિલકતમાંથી વસૂલવામાં આવે.