Tue Jul 21 2026

Logo

કામના સ્થળે શ્રમિકોના મોતમાં ગુજરાત દેશમાં નંબર વનઃ 5 વર્ષમાં 1,096 હોમાયા! મહારાષ્ટ્ર-તમિલનાડુ પણ પાછળ

2026-07-20 17:54:03
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ/નવી દિલ્હી: અમદાવાદના વસ્ત્રાલના રામોલ-ગતરાડ નજીક ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં નોટનો આંકડો દસ સુધી પહોંચી ગયો છે.  આ મામલે ફેકટરીના માલિક સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે અને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરીને 10 દિવસમાં તપાસ અહેવાલ સોંપવાનો આદેશ આપ્યો છે ત્યારે આ દરમિયાન કામના સ્થળ પર શ્રમિકોના મોતના મામલે સંસદમાં ચોંકાવનારા આંકડા રજૂ થયા છે, જેમાં ગુજરાત રાજ્ય દેશમાં ટોપના સ્થાને છે. 

સંસદના ચોમાસું સત્રના પહેલા જ દિવસે લોકસભામાં સાંસદ રાજકુમાર રોત દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે વર્ષ 2020થી 2024 દરમિયાન કામકાજના સ્થળ પર સર્જાયેલી દુર્ઘટનાઓમાં મૃત્યુના આંકડાઓ રજૂ કર્યા હતા. આ આંકડાઓમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.
 
ગુજરાતમાં વર્ષ 2020થી લઈને 2024 સુધીમાં 1000 કરતાં પણ વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્યમાં વર્ષ 2020માં 212, 2021માં 235, 2022માં 240, 2023માં 221 અને 2024માં 188 શ્રમિકોના મોત નિપજ્યાં છે. આમ કુલ 2020થી 2024 સુધીમાં કુલ 1,096 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. 

આ મામલે કોંગ્રેસે સરકાર પર આક્ષેપો કર્યા હતા. ગુજરાત કૉંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું હતું કે, '2020થી 2024 સુધીના પાંચ વર્ષમાં નોંધાયેલા કારખાનાઓમાં કામદારોના મોતના મામલે ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમાંકે છે. કામદારોના ભોગે ઊભું થયેલું "વિકાસ મોડલ" કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ઔદ્યોગિક રીતે અગ્રણી ગણાતા મહારાષ્ટ્ર કરતાં પણ ગુજરાતમાં આ પાંચ વર્ષોમાં 237 વધુ કામદારોના મોત થયા છે તેવો આક્ષેપ કર્યો હતો.'

કામકાજના સ્થળ પર સર્જાયેલી દુર્ઘટનાઓમાં મૃત્યુના રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે છે. મહારાષ્ટ્રમાં 2020થી 2024 દરમિયાન 859 શ્રમિકોના મોત થયા છે. ત્યાર બાદ તમિલનાડુના આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જ્યાં 715 શ્રમિકોના મોત થયા છે. ઓડિશામાં શ્રમિકોના મોતનો આંકડો 437 પર છે.