હેન્રી શાસ્ત્રી
‘ધ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન’ (સીબીએફસી), જેને આપણે ‘સેન્સર બોર્ડ’ તરીકે ઓળખીએ છીએ. આપણા દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયના નેજા હેઠળ કામ કરતી આ સંસ્થાનું પ્રમાણપત્ર-સર્ટિફિકેટ મેળવ્યા વિના ફિલ્મ થિયેટરમાં પ્રદર્શિત નથી કરી શકાતી. મુખ્યત્વે ત્રણ વિભાગમાં પ્રમાણપત્ર આપવામાં આવે છે- U (કોઈ પણ વયની વ્યક્તિ આ ફિલ્મ જોઈ શકે છે), UA (7, 13 અથવા 16 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જ આ ફિલ્મ જોઈ શકે) અને A (ઍડલ્ટ્સ ઓન્લી- માત્ર પુખ્ત વયના માટે એટલે કે 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને જ આ સિનેમા જોવાની પરવાનગી મળે છે) જાણીતા વિભાગ છે.
પહેલો સિનેમૅટોગ્રાફી ઍક્ટ 1918માં ઘડાયો અને વાંધાજનક ફિલ્મનું પ્રદર્શન અટકાવવાની વ્યવસ્થા પહેલી ઑગસ્ટ, 1920થી શરૂ થઈ હતી. જોકે એમાં સુધારા વધારા કરી સિનેમૅટોગ્રાફી ઍક્ટ, 1952 માં અસ્તિત્વમાં આવ્યો. 2023માં કેટલાક ફેરફાર લાવી કાયદો વધુ કડક બનાવવામાં આવ્યો. હવે તાજા સમાચાર અનુસાર આ વર્ષે માર્ચ મહિનામાં સેન્સર બોર્ડે ગાળિયો વધુ મજબૂત બનાવી સ્પષ્ટતા કરી છે કે પ્રમાણપત્ર-સેન્સર સર્ટિફકેટ માટે અરજી કરનારી દરેક ફિલ્મ સાથે સબ ટાઇટલ અને ઑડિયો ડિસ્ક્રિપ્શન્સ ફરજિયાત કરવામાં આવ્યાં છે.
દૃશ્ય કે શ્રવણ અથવા બંને શક્તિ ગુમાવી બેઠેલી વ્યક્તિ પણ સિનેમાનો આનંદ લઈ શકે એ હેતુથી આ બદલાવ કરવામાં આવ્યો છે. અલબત્ત, આ સેન્સર સર્ટિફિકેટ એનાયત કરતાં પહેલા વાંધાવચકા સંદર્ભમાં વિવિધ પ્રકારનાં કારણો જોવા મળ્યાં છે, જેમ કે કંગના રનૌટની ‘ઇમર્જન્સી’, બ્રિટિશ- ઇન્ડિયન ફિલ્મ ‘સંતોષ’, એકતા કપૂરની ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’, નવાઝુદ્દીન સિદ્દીકીની ‘હરામખોર’, અક્ષય કુમાર-પંકજ ત્રિપાઠીની ‘ઓ માય ગૉડ 2’ ઈત્યાદિ છેલ્લાં 10 વર્ષ દરમિયાન અલગ અલગ કારણસર સેન્સરના સાણસામાં સપડાયેલી ફિલ્મો છે. આ ફિલ્મો પર કાતર ચલાવવાનાં આપવામાં આવેલાં કારણો કદાચ બધાને ગળે ન ઊતરે, પણ એ કારણો સાવ વાહિયાત પણ નહોતાં.
હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં સેન્સર સર્ટિફિકેટના સંદર્ભમાં સાવ હાસ્યાસ્પદ કારણસર ફિલ્મને એ સર્ટિફિકેટ મળ્યા હોવાનાં બે અનન્ય ઉદાહરણ ઇતિહાસના ચોપડે જમા છે. વાત જાણ્યા પછી વાચકોને આશ્રર્ય થશે અને હસવું પણ આવી શકે છે. રાજ કપૂરની લોકપ્રિય ફિલ્મ ‘બરસાત’ (1949) A સર્ટિફિકેટ મેળવનારી પ્રથમ ફિલ્મ ગણવામાં આવે છે. એનું કારણ જાણશો તો કદાચ બે ઘડી માટે માથું ફરી જશે. ફિલ્મના મુખ્ય કલાકાર હતા રાજ કપૂર-નરગિસ, પ્રેમનાથ-નિમ્મી. વાત એમ હતી કે ફિલ્મની બંને અભિનેત્રી નરગિસ અને નિમ્મી ફિલ્મ દરમિયાન ઘણી વાર દુપટ્ટા વિના નજરે પડે છે. હાય હાય, કન્યાઓ દુપટ્ટા વિના? બસ, આ કારણસર ફિલ્મને ઍડલ્ટ્સ ઓન્લીનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું.
બીજો કિસ્સો તો આને પણ આંટી જાય એવો છે.
1950માં આવેલી ‘હંસતે આંસુ’ને પણ A સર્ટિફિકેટ એનાયત થયું હતું. લીડ રોલમાં મધુબાલા અને મોતીલાલને ચમકાવતી આ ફિલ્મને A સર્ટિફિકેટ મળવાનું કારણ તો અત્યંત હાસ્યાસ્પદ છે. ફિલ્મમાં કોઈ સેક્સ સીન નહોતા કે નહોતી હિંસા, પણ ફિલ્મનું નામ ‘હંસતે આંસુ’ હોવાને લીધે ઍડલ્ટ્સ ઓન્લી’ નું પ્રમાણપત્ર મળ્યું હતું. આંસુ હસતા કેવી રીતે હોઈ શકે એવી દલીલ સેન્સર બોર્ડ તરફથી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ફિલ્મમાં મધુબાલાનું પાત્ર પોતાના હક માટે લડતી નારીનું હતું, જે પુરુષ પ્રધાન સમાજ સાંખી નહોતો શક્યો. ફિલ્મ રિલીઝ થયા પછી 17 વર્ષની મધુબાલાના અભિનયની પ્રશંસા થઈ હતી અને ફિલ્મો માટે તડફડ લખવા માટે જાણીતા બાબુરાવ પટેલે ફિલ્મમાં એવું કશું વાંધાજનક નથી જેને કારણે એને ઍડલ્ટ્સ ઓન્લીનું સર્ટિફિકેટ આપવું જોઈએ એવી ટીકા પણ કરી હતી. રસપ્રદ વાત એ છે કે ‘બરસાત’ અને ‘હંસતે આંસુ’ એ બંને ફિલ્મ બૉક્સ ઑફિસ પર હિટ સાબિત થઈ હતી.
ગીત પર પણ કાતર ફરી....
ફિલ્મનું કોઈ દૃશ્ય કે સંવાદ કે પછી સિચ્યુએશન પર જ સેન્સર બોર્ડની કાતર ફરી હોય એવું નથી. ગીત સામે લાલ આંખ કાઢવામાં આવી હોય એવા પણ પ્રસંગ ઇતિહાસના ચોપડે જમા છે. આ સંદર્ભમાં રાજ ખોસલા દિગ્દર્શિત અને વહિદા રેહમાનની પહેલી હિન્દી ફિલ્મ તરીકે પ્રખ્યાત ‘સીઆઇડી’નું ઉદાહરણ જાણવા જેવું છે.
ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ આપી રિલીઝ માટે ઓકે કરવામાં આવી ત્યારે એમાં મજરૂહ સુલતાનપુરી લિખિત અને ગીતા દત્તે ગાયેલું ‘જાતા કહાં હૈ દીવાને સબકુછ યહાં હૈ સનમ’ ગીત હાજર હતું. ફિલ્મ પ્રદર્શિત થઈ એના એક અઠવાડિયામાં એવું કશુંક બની ગયું કે એ ગીત પર કાતર ચલાવી ફિલ્મમાં થી દૂર કરી દેવું પડ્યું. આવું કેમ થયું એનાં અલગ કારણ વહેતાં થયાં હતાં. એક કારણ એવું આપવામાં આવ્યું હતું કે ગીતમાં વપરાયેલા ‘ફીફી’ શબ્દ સામે સેન્સરને વાંધો હતો.
જોકે, એ શબ્દનો કોઈ અર્થ જ નહોતો. હિન્દી ફિલ્મો-ફિલ્મ સાથે સંકળાયેલા લોકો વિશે અધ્યયન કરી પુસ્તકો લખવા માટે ખ્યાતિ ધરાવતાં લેખિકા નસરીન મુન્ની કબીરના ગુરુ દત્ત વિશેના પુસ્તકમાં ‘સીઆઇડી ઑફિસરને ખરાબ ચીતરવામાં આવ્યો’ એવું કારણ ગીતની બાદબાકી માટે આપવામાં આવ્યું હતું. ફિલ્મની અભિનેત્રી વહિદા રેહમાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘જાતા કહાં હૈ દીવાને...’ પંક્તિના સેન્સર બોર્ડે માની લીધેલા સૂચિતાર્થ સામે તકલીફ હોવાથી ગીત કાઢી નાખવામાં આવ્યું હતું.
‘ડિલિટેડ સૉન્ગ્સ’- કાઢી નાખવામાં આવેલાં ગીતોની યાદી લાંબી છે. શર્મિલા ટાગોરની પ્રથમ રિલીઝ હિન્દી ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ના એક વિચિત્ર ઉદાહરણ સાથે સમાપન કરીએ. શક્તિ સામન્ત દિગ્દર્શિત આ ફિલ્મમાં એસ. એચ. બિહારી લિખિત આશા ભોસલેના સ્વરમાં ‘બલમા ખૂલી હવા મેં, મેહકી હુઈ ફિઝા મેં’ ગીત પર સેન્સર બોર્ડ નારાજ થયું હતું. ના, શબ્દોનો કોઈ વાંધો નહોતો.
મજા તો એ વાતની છે કે ચિત્રપટ પ્રદર્શિત થયું ત્યારે પહેલા અઠવાડિયામાં અનેક દર્શકોએ એ ગીત પડદા પર જોઈ માણ્યું. અચાનક સેન્સર સફાળું જાગ્યું હોય એમ એના ધ્યાનમાં આવ્યું કે ગીત દરમિયાન શર્મિલાનો દુપટ્ટો હવામાં ઊડવા લાગે છે અને માત્ર કમીઝ પહેરેલી યુવતી આંખમાં કણો ખૂંચે એમ ખૂંચવા લાગી. જોકે, એ નિર્દોષ દુપટ્ટો હવામાં થોડીવાર લહેરાયા પછી પોતાનું મૂળ સ્થાન ગ્રહણ કરી લે છે, છતાં દુપટ્ટાની ‘અનૈતિક’ હવાઈ સફર સેન્સર બોર્ડે સાંખી ન લીધી અને એના પર કાતર ફરી ગઈ. આ વાત છે 1964ની અને આજે 62 વર્ષ પછી નથી રહ્યો દુપટ્ટો કે નથી રહ્યો એ પ્રકારનો વાંધો.