Sat May 16 2026

Logo

ઓપરેશન સિંદૂરનો ખોફ?  IMFના ટેકે પાકિસ્તાન સેનાનું બજેટ 100 અબજ વધારશે

Islamabad   2026-05-16 19:19:21
Author: Devayat Khatana
Article Image

AI Generated Images


ઇસ્લામાબાદ: પાકિસ્તાન સરકાર આગામી નાણાકીય વર્ષના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે મોટો વધારો કરવા જઈ રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા સમર્થિત સુધારા કાર્યક્રમ હેઠળ તૈયાર થઈ રહેલા આ બજેટમાં સંરક્ષણ ખર્ચમાં આશરે 100 અબજ પાકિસ્તાની રૂપિયાનો વધારો થઈ શકે છે. ગયા વર્ષે ભારતના 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય સેના સામે સખત પરાજયનો સામનો કરનાર પાકિસ્તાનની સેના હવે આ વધારાના ભંડોળ દ્વારા પોતાની સૈન્ય તાકાત અને હથિયારોની ખરીદી વધારશે તેવી આશંકા સેવાઈ રહી છે. આર્મી ચીફ અસીમ મુનીરની સેનાના આ પગલાથી સરહદે કોઈ નવી હલચલની સંભાવના પણ નકારી શકાતી નથી.

પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ, વર્ષ 2026-27 માટે પાકિસ્તાનનો સંરક્ષણ ખર્ચ 2.66 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયા રહેવાનો અંદાજ છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં 2025-26  લાખ કરોડ રૂપિયા હતો. IMF ના અહેવાલમાં જણાવાયું છે કે આગામી વર્ષે પાકિસ્તાનની કુલ સંઘીય આવક 13.5 ટકાના વધારા સાથે 17.14 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયા થઈ શકે છે. આ આર્થિક સુધારાના ભાગરૂપે પાકિસ્તાન સરકારે કેન્દ્ર અને પ્રાંતોના કુલ ખર્ચને જીડીપીના 0.2 ટકા સુધી વધારવા અને જૂન 2027 સુધીમાં તમામ સરકારી ચૂકવણીઓને સંપૂર્ણ ડિજિટલ બનાવવાનું વચન આપ્યું છે.

બીજી તરફ, પાકિસ્તાનમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને નાથવા માટે આ વર્ષના અંત સુધીમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર પ્રભાવિત 10 સંસ્થાઓની ઓળખ કરી તેમનું વિગતવાર ઓડિટ કરવામાં આવશે, તેમજ પ્રાંતીય એન્ટી-કરપ્શન એજન્સીઓને મજબૂત બનાવવામાં આવશે. અહેવાલમાં ચિંતાજનક બાબત એ સામે આવી છે કે, અત્યંત ગરીબીમાં જીવતા લોકો સિવાય પણ દેશની આશરે 40 ટકા વસ્તી આર્થિક રીતે અત્યંત નબળી સ્થિતિમાં છે. 

હાલમાં જ IMF નું એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની મુલાકાતે છે, જે નાણાકીય વર્ષ 2026-27 ના બજેટ પૂર્વેની આખરી ચર્ચાઓ માટે આવ્યું છે. આ ચર્ચાઓના આધારે તૈયાર થયેલું આગામી બજેટ આવતા મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનની કેબિનેટ અને સંસદ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. હવે જોવાનું એ રહેશે કે આ આર્થિક સંકટ અને આંતરિક વિરોધ વચ્ચે પાકિસ્તાની સંસદ આ વિવાદાસ્પદ બજેટને કેવી રીતે મંજૂરી આપે છે.