Sun May 17 2026

Logo

બીજાને ‘વાહ’ કહેવું હોય તો આપણામાં રહેલી ‘હવા’ કાઢવી પડે...

2026-05-15 09:57:00
Author: Arvind Vekariya
Article Image

અરવિંદ વેકરિયા

અમુક સમયે તમે તમુક વિચારે થાકી જાવ. જાણીતા નિર્માતાનો પ્રોજેક્ટ મળ્યો, ભલે પોતાનાં બદલે નિર્માતા તરીકે બે-નામ આપ્યાં, હીરોઈન એમણે શોધી, પણ મૂળમાં મુળજીભાઈ કુંવારા, હીરોની ત્રેવડી ભૂમિકા ભજવી શકે એવો ખમતીધર કલાકાર ન મળે એટલે મનમાં ચટપટ થાય એ સહજ હતું... પણ મનને મનાવતો રહેતો એ વિચારીને કે દરેક વખતે મનને મનાવવું એ જિંદગી જીવી કહેવાય પણ ક્યારેક મનનું પણ માનવું એ જિંદગી માણી કહેવાય. 

હવે મોનિકા પટેલનાં ઉચ્ચારણ બરાબર કરવામાં આપવો પડતો સમય જિંંદગી માણવા નહોતો દેતો. મારે આવા બોલ્ડ નાટક કરવાની ઈચ્છા ન હોવા છતાં અને સારાં નાટકોની ઓફર ન આવવાથી સર્વાઈવલ માટે ખેંચાવું પડે એ વાત મેં અગાઉ કરી હતી. જીવનમાં જે વાત ખાલી પેટ અને ખાલી ખિસ્સું શીખવાડે એ કોઈ યુનિવર્સિટી નથી શીખવી શકતી. મેં ખેંચાઈને બોલ્ડ નાટક લઈ લીધું એનું બીજું કારણ નિર્માતા રેગ્યુલર નાટકો રજૂ કરતો, હા, બોલ્ડ નાટક માટે આ એનું ડેબ્યુ કહી શકાય. મારા ચાલતા બોલ્ડ અને હિટ નાટકને કારણે એમણે મને સુકાન સોંપ્યું. મોનિકા અને સાથી કલાકારો તૈયાર થતાં ગયાં મેં ‘હીરો મળી જશે’ એ આશા સાથે નાટક સેટ કરવાનું પણ શરૂ કરી દીધું.

‘બાવા બન્યાં હૈ તો હિન્દી તો બોલના પડેગા...’ શું કરું? હૃદય તો સીતા જેવું પવિત્ર રાખવું, પણ વિચારો તો કૃષ્ણ જેવા જ રાખવા કેમ કે યુદ્ધ દરેક પગલે રહેવાનું. હીરો શોધવાનું ‘યુદ્ધ’ ચાલુ હતું. અંદર રોદણાં ચાલુ હતાં. સાથી કલાકારો પણ થોડા ‘અપસેટ’ થતા જતા હતા એવું મને સતત ફિલ થતું રહેતું. નિર્માતા ભલે માતબર હોય પણ કલાકાર ‘જડવો’ જોઈએ ને, પાછો ત્રેવડી ભૂમિકા ભજવી શકે એવી કેપેસિટી વાળો. હીરોઈન નવી હતી પણ હિન્દી નાટકો દિલ્હીમાં કરેલાં એટલે ‘સ્ટેજ-સેન્સ’ હતી એ રાહતની વાત હતી. વિચારતો હતો કે જે થાય એ જોયું જશે પણ પછી જે થાય છે એ જોવાતું નથી પણ એક સાંજે જોવા જેવું થયું. નિર્માતાએ ‘એક કલાકારને પાર્લામાં રિહર્સલમાં બોલાવ્યો છે’ એમ કહ્યું. મેં નામ પૂછ્યું તો કહે ‘આવે ત્યારે જોઈ લેજો’. 

હું વિચારતો હતો કે થાય છે એ જોવાતું નથી એટલે વધુ સંવાદ ન કરતાં રાહ જોવાનું વિચારી રિહર્સલ શરૂ કરી દીધાં. એ કલાકાર સાંજે સાત વાગે આવવાનો હતો. 7.15 વાગ્યા હશે અને એ કલાકાર આવ્યો. એને જોઇને હું નવાઈ પામ્યો. મારા મળે સુર... માં ટ્રેજિક-કોમેડી, ઘરનોકરની ભૂમિકા જેણે ભજવેલી એ શેખર શુક્લા હતો. મારામાં હિમ્મત આવી ગઈ, થયું આટલી દોડાદોડ કરી એમાં આ નામ કેમ ભુલાય ગયું ! મને કહે. તમે નાના રોલ માટે મારામાં વિશ્વાસ તો મુક્યો અને આ ત્રેવડી ભૂમિકા માટે નિર્માતાએ યાદ કર્યો. 

તમારું નામ કહ્યું એટલે તરત તૈયાર થઈ ગયો. મેં કહ્યું ‘સારું ... ‘શે શું.’ (લાઈનમાં બધા એને આ નામથી બોલાવે છે) વાર્તા તને સમજાવી દઉં, બાકી ‘નાઈટ’ નિર્માતા નક્કી કરશે’ મને કહે ‘જો ત્રેવડી ભૂમિકા ભજવવા મળે તો ‘નાઈટ’ બહુ મહત્ત્વની નથી રહેતી અને મારે વાર્તા પણ જાણવી નથી. હું આજે સ્ક્રિપ્ટ લઇ જાવ છું અને આવતીકાલથી રિહર્સલમાં જોઈન્ટ થઈ જઈશ’. એમ કહી શે. શું. ખૂણામાં ડિસ્કસ કરવા ગયો. મને લાગ્યું કદાચ ‘નાઈટ’ બાબત વાત હોવી જોઈએ. મને થતું હતું બધું બરાબર પાર પડે તો સારું. અમે બંને એકબીજાને બરોબર સમજતાં હતાં એટલે મારું કામ પણ સરળ બની રહે.

નિર્માતા સાથેની વાત પતાવી મને ‘આવજો... કાલે મળીએ’ કહીને શેખરે વિદાય લીધી.
શેખરની વાતને નિર્માતાએ સમર્થન કરતાં વાત દોહરાવી :
‘શે.શું. કાલથી રિહર્સલમાં આવી જશે’ નિર્માતાએ બધાની વચ્ચે કહ્યું એટલે સાથી કલાકારોમાં પણ ઊર્જા આવી ગઈ. ફરી રિહર્સલ શરૂ કર્યા એમાં મને એ ફરક જણાઈ આવ્યો.

બીજે દિવસે શે.શું. સમયસર આવી ગયો. પહેલો સીન પણ લગભગ કંઠસ્થ. એની સાથે રિહર્સલ શરૂ કર્યા. નિર્માતાએ હવે ડિઝાઈન લીધા બાદ સેટ બનાવવા આપ્યાં. મેં કારણ પૂછ્યું તો મને કહે, ‘અત્યારથી સેટીંગમાં પૈસા આપી દઉં તો એ તો સેટ બનાવવા માંડે અને ન કરે નારાયણને ‘હીરો’ ને શોધવામાં આપણે ‘ઝીરો  પર આવી જઈએ તો? એની શંકા વાજબી હતી.

શે.શું.ને મેં કહ્યું, ‘તે તો ઘણી સિરિયલો કરી છતાં પણ હજી મારાં પ્રત્યેની લાગણી એવી જ રહી છે એ સારી વાત છે’ મને સરસ જવાબ આપતાં કહે, ‘દાદુ, બીજાને વાહ કહેવું હોય તો આપણામાં રહેલી હવા કાઢવી પડે.’ કદાચ આ જ વિચાર કે આજે એ કેટલી ગુજરાતી ફિલ્મો અને ‘અનુપમા’ જેવી નંબર-1 સિરિયલમાં વ્યસ્ત છે.

રિહર્સલ ચાલતાં રહ્યાં. બધા કલાકારો દિલથી, પૂરો રસ લઈને રિહર્સલ કરતાં રહ્યાં. એક ‘હીરો’નાં આગમને બધાનો અભિગમ ડબ્બલ કરી નાખ્યો. એક ડિરેક્ટર તરીકે મારો ઉત્સાહ પણ બેવડાયો. બધા કલાકારોનું સમયસર આવવું અને ‘મોડું’ થાય પણ ‘મોઢું’ ન બગાડવું એ બધા માટે સારું હતું. ધીમે ધીમે નાટકનાં રિલીઝનો સમય નજીક આવતો જતો હતો. હવે નાટકનાં નામકરણની ચર્ચા શરૂ થઈ. જી.આર.ની તારીખો નક્કી થવામાં હતી. નિર્માતાની શાખને કારણે સેટિંગ પણ તૈયાર થવામાં હતું.

બધાએ ભેગા મળી નાટકનું ટાઈટલ નક્કી કર્યું : ‘છોરી છેલછબીલી’. બસ, હવે જી.આર.વ્યવસ્થિત પૂરા કરી પ્રેક્ષકો સામે ગણતરીના દિવસોમાં રજૂ કરવાની તાલાવેલી લાગી...