હૈદરાબાદ: કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન બંદી સંજય કુમારના પુત્ર બંદી સાઈ ભગીરથની તેલંગાણાના હૈદરાબાદમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભગીરથ વિરૂદ્ધ 17 વર્ષની સગીરા પર જાતીય સતામણી કરવાનો ગંભીર આક્ષેપ છે, જેને પગલે સગીરાની માતાની ફરિયાદના આધારે ગત 8 મેના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પ્રાથમિક અહેવાલો એવા મળ્યા હતા કે ભગીરથે પૂછપરછ માટે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, પરંતુ બાદમાં પોલીસે સત્તાવાર રીતે તેની ધરપકડની પુષ્ટિ કરી હતી. આ અગાઉ કેન્દ્રીય મંત્રી બંદી સંજયે નિવેદન આપ્યું હતું કે તેમણે પોતાના પુત્રને પોલીસ તપાસમાં સહયોગ આપવા અને હાજર થવા જણાવ્યું હતું.
આ સમગ્ર મામલો હૈદરાબાદના પેટબશીરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR સાથે જોડાયેલો છે. ભગીરથ પર BNS ની કલમ ૭૪, ૭૫ અને પોક્સો એક્ટની કલમ ૧૧, ૧૨ હેઠળ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. પીડિતાની માતાની ફરિયાદ અનુસાર, આરોપી ભગીરથે જૂન 2025 માં સગીરા સાથે લગ્નનું ખોટું વચન આપીને સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ ઓક્ટોબર 2025 થી જાન્યુઆરી 2026 વચ્ચે તેની સાથે અયોગ્ય શારીરિક અડપલાં કર્યા હતા તેમજ દારૂ પીવા માટે દબાણ કર્યું હતું.
આ સંબંધનો અંત આવ્યા બાદ પીડિત સગીરાએ માનસિક તણાવમાં આવીને બે વાર આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. બીજી તરફ, ભગીરથ પક્ષે પણ પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી સગીરાના માતા-પિતા પર ૫ કરોડ રૂપિયા પડાવવા માટે બ્લેકમેલિંગ કરવાનો આક્ષેપ કર્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસને પગલે તેલંગાણાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.