ઍલન, રઘુવંશી અને ગ્રીનની ઇનિંગ્સ કોલકાતાને ફળી
કોલકાતાઃ ઈડન ગાર્ડન્સમાં યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સે (20 ઓવરમાં 2/247) શનિવારે ગુજરાત ટાઇટન્સ (20 ઓવરમાં 4/218)ને આઇપીએલની રસાકસીભરી હાઇ-સ્કોરિંગ મૅચમાં 29 રનથી હરાવીને પ્લે-ઑફ માટેની નજીવી આશા જીવંત રાખી હતી. જેમ ગુરુવારે પંજાબ માટે પ્લે-ઑફની એન્ટ્રી મુંબઈએ થોડી મુશ્કેલ બનાવી ત્યાર પછી લખનઊએ શુક્રવારે ચેન્નઈની ટીમને ચિંતામાં મૂકી દીધી હતી. હવે ગુજરાત (Gujarat) માટે પ્લે-ઑફમાં સત્તાવાર પ્રવેશ અસંભવ તો નથી, પણ કોલકાતા (Kolkata)એ એ એન્ટ્રી થોડી વિલંબમાં તો મૂકી જ છે.
કૅપ્ટન શુભમન ગિલ (85 રન, 49 બૉલ, સાત સિક્સર, પાંચ ફોર)ને સ્પિનર સુનીલ નારાયણે સેન્ચુરીથી દૂર રાખી દીધો હતો. જૉશ બટલર (57 રન, 35 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને સાઇ સુદર્શન (53 અણનમ, 28 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ની બૅટિંગ ત્રિપુટીએ જ ગુજરાતને પ્લે-ઑફની લગોલગ લાવી દીધું છે, પરંતુ શનિવારે તેઓ કોલકાતા સામે ગુજરાતને વિજય નહોતા અપાવી શક્યા. છેક 19મી ઓવરમાં બટલર આઉટ થયો હતો. તેની વિકેટ પેસ બોલર સૌરભ દુબેએ લીધી હતી. સુનીલ નારાયણે કુલ બે તથા કૅમેરન ગ્રીને એક વિકેટ લીધી હતી.
GT
નિશાંત સિંધુ ફરી ફ્લૉપ
આઇપીએલ સંપૂર્ણપણે ભારતની લીગ ટૂર્નામેન્ટ છે એટલે એમાં ફ્રૅન્ચાઇઝીઓ દ્વારા ભારતના ઊભરતા ખેલાડીઓને તક મળે ત્યારે રમાડવામાં આવે છે, પરંતુ હરિયાણાનો બાવીસ વર્ષીય લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન નિશાંત સિંધુ ગુજરાત વતી ત્રણ વખત મોકો મળવા છતાં સારું પર્ફોર્મ નથી કરી શક્યો. પાછલી બે મૅચમાં તે ચોથા ક્રમે બૅટિંગમાં 15 અને બાવીસ રન બનાવી શક્યો હતો અને શનિવારે કોલકાતા સામે વનડાઉનમાં રમવા મળવા છતાં ફક્ત એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
સુદર્શનને કોણીમાં બૉલ વાગ્યો, નારાયણની 200મી મૅચ
ગુજરાતનો ઓપનર સાઇ સુદર્શન ઈજાને કારણે રિટાયર હર્ટ થયો હતો. ગુજરાતની ઇનિંગ્સમાં ત્રીજી ઓવર કોલકાતાના પેસ બોલર કાર્તિક ત્યાગીએ કરી હતી જેનો છેલ્લો બૉલ ઓપનર સાઇ સુદર્શનને કોણીમાં વાગ્યો હતો અને તે 23 રનના પોતાના સ્કોર પર રિટાયર હર્ટ થઈ ગયો હતો. જોકે ટીમને જરૂર પડતાં તે પાછો બૅટિંગ કરવા આવ્યો હતો અને 53 રને અણનમ રહ્યો હતો. સુનીલ નારાયણની આ 200મી મૅચ છે અને એમાં તેણે ગુજરાતની પ્રથમ વિકેટ (નિશાંતની વિકેટ) પોતાના નામે કરી હતી. નારાયણ આઇપીએલના વિદેશી ખેલાડીઓમાં 200 મૅચ રમનાર પ્રથમ પ્લેયર બન્યો છે.
IPL
ઍલનની મોટી ભાગીદારી, સિરાજની 200મી વિકેટ
એ પહેલાં, કોલકાતાએ 20 ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે 247 રન કર્યા હતા જેમાં ફિન ઍલન (93 રન, 35 બૉલ, દસ સિક્સર, ચાર ફોર), અંગક્રિશ રઘુવંશી (82 અણનમ, 44 બૉલ, સાત સિક્સર, ચાર ફોર) અને કૅમેરન ગ્રીન (બાવન અણનમ, 28 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. ઍલને કૅપ્ટન રહાણે સાથે 44 રનની ઓપનિંગ પાર્ટનરશિપ અને ત્યાર બાદ અંગક્રિશ રઘુવંશી સાથે બીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. રહાણેની વિકેટ સિરાજે લીધી હતી જે તેની ટી-20 કરીઅરની 200મી વિકેટ હતી. આખી ઇનિંગ્સમાં કુલ બાવીસ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. ગુજરાતના છ બોલરમાંથી સિરાજ અને સાઇ કિશોરને એક-એક વિકેટ મળી હતી.
રવિવારે કઈ મૅચ?
પંજાબ વિરુદ્ધ બેંગ્લૂરુ
ધરમશાલામાં, બપોરે 3.30
દિલ્હી વિરુદ્ધ રાજસ્થાન
દિલ્હીમાં, સાંજે 7.30