Sat May 16 2026

Logo

બૅડમિન્ટન સ્ટાર સાત્વિક અને ચિરાગની જોડી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ફાઇનલમાં

Bangkok   2026-05-16 17:14:17
Author: Ajay Motiwala
Article Image

Thailand Open 2026 badminton


બૅન્ગકૉકઃ ભારતના ટોચના બૅડમિન્ટન ખેલાડીઓ અને વિશ્વમાં ડબલ્સમાં ચોથી રૅન્ક ધરાવતા સાત્વિકસાઇરાજ રૅન્કિરેડ્ડી તથા ચિરાગ શેટ્ટીની જોડી થાઇલૅન્ડ (Thailand) ઓપનની ફાઇનલમાં પહોંચી ગયા છે. તેમણે નવમા ક્રમના મલયેશિયાના ગોહ ઝે ફેઇ અને નુર ઇઝાઉદ્દીનને શનિવારે રોમાંચક સેમિ ફાઇનલમાં 19-21, 22-20, 21-16થી હરાવ્યા હતા.

આ રસાકસીભરી સેમિ ફાઇનલ 82 મિનિટ સુધી ચાલી હતી. હવે સાત્વિક-ચિરાગની જોડી ફાઇનલમાં ઇન્ડોનેશિયાના લીઓ રૉલી કાર્નેન્ડો અને ડેનિયલ માર્થિન સામે રમશે.

વર્તમાન બૅડમિન્ટન સીઝનમાં સાત્વિક-ચિરાગની આ પહેલી જ ફાઇનલ છે. ચિરાગે (Chirag) સેમિ ફાઇનલ પછી પત્રકારોને કહ્યું હતું, `અમારા માટે 2026ના વર્ષની શરૂઆત સારી નહોતી. ત્યારે અમારું મનોબળ પણ જોઈએ એવું નહોતું. જોકે અમે થૉમસ કપના બ્રૉન્ઝ મેડલથી પ્રેરાઈને હવે આ ફાઇનલ રમવા માટે તત્પર છીએ. આશા છે કે અમે થાઇલૅન્ડનું ટાઇટલ જીતીશું.'

શનિવારની સેમિમાં મલયેશિયન જોડીએ શરૂઆત ખૂબ સારી કરી હતી. પ્રારંભિક ગેમમાં તેમણે 11-8થી સરસાઈ મેળવી હતી. સાત્વિક-ચિરાગની જોડીએ હરીફ ટીમને ત્વરિત ઝડપવાળા જબરદસ્ત વળતા આક્રમણથી ખૂબ સંઘર્ષ કરાવ્યો હતો. જોકે ભારતીય જોડીને કેટલીક ભૂલ નડી હતી અને પ્રથમ ગેમ તેઓ 19-21થી હારી ગયા હતા. ત્યાર બાદ બીજી ગેમમાં ભારતે ભારે સંઘર્ષ વચ્ચે 22-20થી વિજય મેળવ્યો અને 1-1ની બરાબરી બાદ અંતિમ ગેમમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને 21-16થી જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.