Mon Sep 28 2026

Logo

ચિંતન: પિતૃ ને શ્રાદ્ધ

2026-09-28 07:58:00
Author: Hemu Bhikhu
ચિંતન: પિતૃ ને શ્રાદ્ધ

 

- હેમુ ભીખુ

સનાતની વિચારધારા અનુસાર પિતૃલોક એ એક સૂક્ષ્મ લોક છે જ્યાં, જેમને પૃથ્વીથી મુક્તિ મળી ગઈ છે પણ હજુ સ્વર્ગમાં સ્થાન નથી મળ્યું તેવાં, જીવનમાં સાત્ત્વિકતાને ધારણ કરી ચૂકેલાં, પૂર્વજો વાસ કરે. આ ધારણા અનુસાર તેનું સ્થાન પૃથ્વી અને સ્વર્ગલોગ વચ્ચે હોય તેમ માની શકાય. શા-વિધાન અનુસાર પિતૃલોક ધર્મરાજ યમના નિયંત્રણ હેઠળ હોય છે. પિતૃ એટલે પૂર્વજ, પૂર્વ + જ અર્થાત જે (આપણાં વંશમાં) આપણી પહેલાં જન્મ્યાં છે તે. જેમણે દેહત્યાગ કરી દીધો છે તે બધાંનો આમાં સમાવેશ થાય. અહીં બાળક પણ હોઈ શકે અને પરદાદા પણ. તેમનું અસ્તિત્વ આપણા જીવન પર અજાણતાં પણ પ્રભાવ પાડે. દેવતાઓને જેમ દેવગણ કહેવાય તેમ પિતૃઓને પિતૃગણ કહેવાય. દેવતાઓ જેમ દેવલોકમાં રહે તેમ પિતૃઓ પિતૃલોકમાં રહે. એમ કહેવાય છે કે માનવીને સૌથી સરળતાથી, સૌથી વધુ આશીર્વાદ પિતૃઓ તરફથી મળી રહે. જે તે માનવી તેનો વંશજ હોવાથી પિતૃઓ જાણે કૃપા કરવા તત્પર જ હોય. શામાં કહેવાનું છે કે ‘પિતૃણાં પ્રીતિકારણાત્ પ્રજા સુખં લભતે’ અર્થાત પિતૃઓની પ્રીતિ પ્રાપ્ત થાય તો, પિતૃઓ તૃપ્ત થાય તો, વંશજ સુખી રહી શકે.

એ વાત તો સ્વાભાવિક છે કે આત્મા શરીર છોડ્યાં પછી પોતાનાં કર્મ અનુસાર જે તે લોકમાં જાય. જો આત્મા પૂર્ણ મુક્તિ ન પામે, હજુ પણ ‘સંબંધો’ અને ‘સંબંધીઓ’ સાથે ઋણાનુબંધ પૂર્ણ ન થયું હોય, તો પૂર્વજ બંધનમુક્ત થાય ત્યાં સુધી પિતૃલોકમાં વાસ કરે. આ બંધનમુક્તિ માટે પૃથ્વી પર જીવિત વંશજ દ્વારા કરાતી ક્રિયા એટલે શ્રાદ્ધ. વંશજ માટે આ ઋણ ઉતારવાની પ્રક્રિયા સમાન છે. શ્રાદ્ધ ઉપરાંત તર્પણ, પિંડદાન, સત્કર્મ, ચોક્કસ શાીય ક્રિયાકાંડ, તથા ભક્તિથી પણ પિતૃઓને તૃપ્ત કરી શકાય. એમ માની શકાય કે જો વંશજો સદ્ગુણવંતા હોય તો પિતૃઓની ઉર્ધ્વ ગતિ સરળ બની શકે.

‘પુત્ર’ અથવા ‘પુત્રી’ એ ઉપપદ સમાસ છે. આ શબ્દોનો અર્થ થાય છે - ‘પુ’ નામના નર્કમાંથી તારનાર અથવા તારનારી. આ શબ્દ એમ સ્થાપિત કરે છે કે પિતૃઓને અમુક પ્રકારની નકારાત્મક સ્થિતિમાંથી બહાર કાઢવાનું ઉત્તરદાયિત્વ પુત્ર અથવા પુત્રીનું છે. જોવાની વાત એ છે કે અહીં પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ ભેદભાવ નથી. જેમ પુત્ર શ્રાદ્ધ કરી શકે તેમ પુત્રી શ્રાદ્ધ કરી જ શકે. શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા પરથી આવ્યો છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતી ક્રિયા. પિતૃઓના - પૂર્વજોના આત્માને શાંતિ અને તૃપ્તિ મળે તે માટે આ જરૂરી છે તેમ કહી શકાય.

સનાતની સંસ્કૃતિ અનુસાર ગૃહસ્થ પર ત્રણ પ્રકારનું ઋણ હોય છે, દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ. યજ્ઞ, પૂજા, અર્ચન, ભક્તિ અને આરાધના કરવાથી દેવઋણથી મુક્ત થઈ શકાય. ઋષિઓ દ્વારા સ્થાપિત જ્ઞાનનો સ્વીકાર કરવાથી, તેનું રક્ષણ કરવાથી અને તેનો પ્રસાર કરવાથી ઋષિઋણથી મુક્ત થઈ શકાય. પિતૃઓ પ્રત્યેનો આદર જાળવી રાખી તેમનું તર્પણ-શ્રાદ્ધ કરવાથી પણ પિતૃઋણમાંથી મુક્તિ મળી શકે. ઋણ મુક્ત થવું એ ગૃહસ્થાશ્રમનું પાલન કરનાર માટે આ અતિ આવશ્યક બાબત ગણાય. ઋણ મુક્તિ એ માત્ર ધાર્મિક કાર્ય નથી પરંતુ નૈતિક કર્તવ્ય પણ છે.

પિતૃઋણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવામાં આવે છે. અહીં જે અર્પણ કરવામાં આવે છે તે ભૌતિક અન્ન માત્ર નથી પરંતુ આપણી ભાવના, શ્રદ્ધા અને કૃતજ્ઞતાનો ભાવ છે. અહીં અન્યથા ભુલાઈ જતી વંશપરંપરાગત બાબતો ફરીથી સ્મૃતિપટ પર ઊભરી આવે છે. પિતૃઓને કેન્દ્રમાં રાખી અહીં જીવંત માવતર પ્રત્યે પણ ઋણ સ્વીકૃતિ થઈ જતી હોય છે. અહીં વ્યક્તિને એ અનુભૂતિ થઈ શકે કે પોતે એક વિશાળ શૃંખલાનો ભાગ છે. અહીં એ વાસ્તવિકતા સમજમાં આવી જાય કે વ્યક્તિનું પોતાનું અસ્તિત્વ પૂર્વજોને કારણે છે. જ્યારે વ્યક્તિ એમ સમજે કે પોતે તો શૃંખલાની એક કડી માત્ર છે ત્યારે અહંકાર પણ ક્ષીણ થતો જાય. આ બધાંને કારણે ક્યાંક સંતોષ અને શાંતિનો ભાવ પણ પ્રાપ્ત થઈ શકે.

જેમ ઈશ્વરને કોઈ પણ સમયે ભજી શકાય તેમ પિતૃઓને તૃપ્ત કરવા કોઈપણ સમયે શ્રાદ્ધ કરી શકાય. છતાં પણ ભાદ્રપદ - ભાદરવા માસના કૃષ્ણ પક્ષને પિતૃપક્ષ કહેવામાં આવે છે. ચંદ્રમાસ મુજબ જ્યારે દક્ષિણાયનની સ્થિતિ હોય ત્યારે શ્રાદ્ધથી પિતૃઓને પ્રસન્ન તેમ જ તૃપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે. પોતે અન્નનું નહીં પણ માત્ર સુવર્ણનું જ દાન કરેલું હોવાથી કર્ણને સ્વર્ગમાં સોનાની વસ્તુઓ જ મળતી, અન્ન નહીં. તે સમયે ભગવાને તેમને અન્નના દાન માટે ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં પૃથ્વી પર મોકલ્યા અને ત્યારથી પિતૃપક્ષ-શ્રાદ્ધની પરંપરા શરૂૂ થઈ. દુનિયાદારીની ભાષામાં કહીએ તો પૃથ્વી પર આ સમયે નવો પાક તૈયાર થયો હોવાથી, પિતૃલક્ષી અન્નનું દાન સરળ બની શકે. પિતૃલોક એ સુક્ષ્મ-સ્થાન છે અને પિતૃ એ સૂક્ષ્મ અસ્તિત્વ છે. અહીં સૂક્ષ્મ બાબતો જ પહોંચી શકે, ભૌતિક કે સ્થૂળ નહીં. અહીં ભાવના પહોંચે પિંડ નહીં. અહીં લાગણી પહોંચે, ખોરાક નહીં. શ્રાદ્ધમાં જે અર્પણ કરવામાં આવે છે તે ખોરાક માત્ર નથી પણ પિતૃઓ પ્રત્યે સ્મરણ, આદર, ઋણ સ્વીકૃતિ અને તૃપ્તિનો સંદેશ છે. શ્રાદ્ધમાં કાગડાને ચોક્કસ વિધિવિધાન પ્રમાણેનું અન્ન અર્પણ કરવામાં આવે છે. કાગડાને પિતૃઓનો દૂત મનાય છે. કાગડો એ પિતૃઓનું પ્રતીક પણ છે. શ્રાદ્ધ એ શ્રદ્ધાનો વિષય હોવાથી, જો કાગડાનાં અસ્તિત્વમાં પિતૃઓનું અસ્તિત્વ, ભાવનાત્મક રીતે, સ્વીકારી શકાય તો, ચોક્કસ, સૂક્ષ્મ ભાવે અર્પણ કરાયેલ શ્રાદ્ધ પિતૃઓને પહોંચી શકે.

શ્રાદ્ધની પરંપરાનું પાલન કરવાથી માનવીને જીવનનું અસ્થાયીપણું ફરીથી ધ્યાનમાં આવે, જીવનની કેટલીક વાસ્તવિકતા સમજમાં આવી શકે તેમ હોવાથી આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂરી નિર્લેપતા તરફ ડગલાં માંડી શકાય, પિતૃઓને યાદથી સંસ્કાર અને પરંપરા તાજા થાય, પોતાનાં ઇતિહાસ માટે ગૌરવ અનુભવાય, ભૂતકાળમાં સ્થાપિત થયેલી સામાજિક શીખને આધારે જીવન સુગમ બની શકે, કૌટુંબિક મૂલ્યો માટે સમજ સ્થાપિત થાય અને તે મુજબ નૈતિક વ્યવહાર શક્ય બને અને આ બધાં સાથે પિતૃઓ સાથે જોડાયેલા રહેવાની, જોડાયેલા હોવાની ભાવના સ્થાપિત થઈ શકે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આ પ્રકારનો ભાવનાત્મક સંબંધ સકારાત્મક પરિણામ લાવી શકે.

શ્રાદ્ધ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે માનસિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ વૈશ્વિક ઘટના છે. પૂર્વજોનું સ્મરણ કરવાથી, માનસિક રીતે અહીં એક પ્રકારની નમ્રતા આવે. સામાજિક સ્તરે અહીં સમાવેશીય વિચારધારાને મહત્ત્વ મળે. ધાર્મિક પરિપ્રેક્ષ્યમાં અહીં સૂક્ષ્મ અસ્તિત્વ પ્રત્યેની સભાનતા જાગ્રત થાય. સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ પ્રમાણે અહીં પરંપરાની નિભાવણીથી સંસ્કૃતિ માટે વિચારશીલ-જાગ્રતતા સ્થાપિત થઈ શકે. વૈશ્વિક ઘટનાને બે રીતે જોઈ શકાય, એક તો પશુપક્ષી પ્રત્યે કરુણા સ્થાપિત થાય અને બીજું, સમગ્ર બ્રહ્માંડનાં સમીકરણો વિશે સંવેદનશીલતા જાગે. આ એક પ્રતીકાત્મક ઘટના પણ છે.