Tue Oct 06 2026

Logo

કચ્છ યુનિવર્સિટી પ્રવાસન ક્ષેત્રે ૨૦થી વધુ અભ્યાસક્રમો શરૂ કરશે: પ્રવાસન નિગમ સાથે MoU, ૧૦૦ નવા ગાઈડ તૈયાર કરાશે

2026-09-28 11:57:00
Author: Mumbai Samachar Team
કચ્છ યુનિવર્સિટી પ્રવાસન ક્ષેત્રે ૨૦થી વધુ અભ્યાસક્રમો શરૂ કરશે: પ્રવાસન નિગમ સાથે MoU,  ૧૦૦ નવા ગાઈડ તૈયાર કરાશે

ભુજ: વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને નવી ક્ષિતિજો પર પહોંચાડવાના સંકલ્પ સાથે વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે આયોજિત રાજ્યકક્ષાના સમારોહમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર સંપન્ન થયા છે. ‘સેલિબ્રેટિંગ ગુજરાત ટૂરિઝમ યર’ અંતર્ગત થયેલા આ કરારથી સરહદી કચ્છ જિલ્લામાં પ્રવાસન, સંશોધન અને રોજગારી ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ થશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવાસન વિભાગના રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામિતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ તેમજ પ્રવાસન પ્રવૃત્તિઓના નોડલ ઓફિસર ડો. ગૌરવ ડી. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. 

નાયબ મુખ્યમંત્રીએ ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ના લોગો અને ‘ગુજરાત ફિલ્મ શૂટિંગ સિંગલ વિન્ડો સિસ્ટમ’ પોર્ટલનું અનાવરણ કરતાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે ઉત્કૃષ્ટ સુવિધાઓ, સ્વચ્છતા અને ઉચ્ચ હોસ્પિટાલિટી થકી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે.
આ એમઓયુ અંતર્ગત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર ડો. વિપિન ગર્ગ અને ઓએસડી એચ. એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં ડિજિટલ ટૂરિઝમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવાં આધુનિક પાસાંઓ પર કાર્ય હાથ ધરાશે.

કચ્છ યુનિવર્સિટી દ્વારા ૨૦થી વધુ રેસિડેન્શિયલ અભ્યાસક્રમો અને ૨૦થી વધુ વિશેષ પ્રવાસન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાશે. આ ઉપરાંત જિલ્લાના ૧૫૦થી વધુ ઐતિહાસિક અને પ્રાકૃતિક પ્રવાસન સ્થળોની ઓળખ કરી તેનું બહુભાષી ડિજિટલ કન્ટેન્ટ, ઓનલાઇન પ્લેટફોર્મ અને સાઈનેજ બોર્ડ તૈયાર કરવામાં આવશે.

યુનિવર્સિટીમાં મંજૂર થયેલા વિશેષ ‘સેન્ટર ફોર સ્કિલ ડેવલપમેન્ટ’ વિભાગ મારફતે સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના ગ્રાન્ટ-ઇન-એઇડ કોર્સિસ શરૂ કરાશે તેમજ સ્થાનિક સ્તરે ઓછામાં ઓછા ૧૦૦ નવા ટૂરિસ્ટ ગાઇડ્સને વ્યવસાયિક તાલીમ અપાશે. સમારોહમાં કચ્છના ટૂર ગાઇડ કેતનગિરિ ગોસ્વામીની સફળતાનો વિશેષ ઉલ્લેખ કરાયો હતો.

દરમ્યાન, કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ૧,૫૦૦થી વધુ છાત્રોના કૌશલ્યને બિરદાવવા તા. ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ૨૧મા યુવક મહોત્સવ ‘અભિવ્યક્તિ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. સાહિત્યિક ઇવેન્ટ્સના સંયોજક ડો. કાશ્મીરા મહેતા અને ડો. નંદલાલ છાંગાના જણાવ્યા મુજબ, તા. ૨૯મીએ યોજાનારી વકતૃત્વ સ્પર્ધા માટે ‘કચ્છ: વારસાથી વિકાસ તરફ’, ‘ડિજિટલ યુગમાં માનવીય સંબંધો રહેશે?’ અને ‘પછી મને મારી જવાબદારીનો અહેસાસ થયો’ જેવા વિષયો નિયત કરાયા છે. જ્યારે તે જ દિવસે બપોરે યોજાનારી ડિબેટ સ્પર્ધા માટે ‘ગુરુકુળ અને યુનિવર્સિટી: પ્રાચીન વિરુદ્ધ આધુનિક શિક્ષણ’, ‘અભિવ્યક્તિની આઝાદી: જરૂરી કે બિનજરૂરી?’ તેમજ ‘માનવ: ટેક્નોલોજીનો સ્વામી કે ગુલામ?’ વિષયો જાહેર કરવામાં આવ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)