નવી દિલ્હીઃ દેશમાં અત્યારે ચૂંટણી પંચ અને જ્ઞાનેશ કુમાર મામલે માહોલ ગરમ છે, વિપક્ષ દ્વારા અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યાં છે. તેવામાં ભારતીય ચૂંટણી પંચમાં (ECI) છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો આંતરિક તણાવ અને વિવાદ આખરે શાંત પડ્યો હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધૂ તેમજ ડૉ. વિવેક જોશી વચ્ચે સર્જાયેલી આંતરિક ખેંચતાણ બાદ શનિવારે ત્રણેય અધિકારીઓએ સાથે બેસીને હળવા વાતાવરણમાં ચર્ચા કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
શું ત્રણેય કમિશનરો વચ્ચે વિવાદ થંભી ગયો છે?
સૂત્રોના જણાવ્યા મુજબ, શનિવારે બપોરે 3 વાગ્યે કમિશનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થયા બાદ CEC જ્ઞાનેશ કુમારે બંને ચૂંટણી કમિશનરોને પોતાની ચેમ્બરમાં ચા માટે આમંત્રિત કર્યા હતા. આ દરમિયાન ત્રણેય ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સકારાત્મક વાતાવરણમાં વાતચીત થઈ હતી. જોકે, વિવેક જોશીની સરખામણીએ સુખબીર સિંહ સંધૂની નારાજગી સંપૂર્ણપણે દૂર થવામાં હજુ થોડો સમય લાગી શકે છે, પરંતુ મોટાભાગના મહત્વના મુદ્દાઓ પર ત્રણેય વચ્ચે સહમતિ થઈ હોવાની ચર્ચા થઈ રહી છે.
શું હવે ચૂંટણી પંચમાં તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાશે ?
ભવિષ્યમાં ચૂંટણી પંચની અંદર ફરી આવો કોઈ વિવાદ કે કમ્યુનિકેશન ગેપ ઊભો ન થાય તે માટે હવેથી તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે વહીવટી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે શનિવારની બેઠક અગાઉ જ બંને ચૂંટણી કમિશનરોને એજન્ડા અગાઉથી જ મોકલી દેવામાં આવ્યો હતો, જેથી કોઈપણ મુદ્દે અસમંજસ ન રહે. પરંતુ મૂળ પ્રશ્ન હજી પણ એ જ છે કે, અન્ય બે કમિશનરોની કારણે જે વિવાદ અત્યારે વિપક્ષે શરૂ કર્યો છે તેનો અંત ક્યારે આવશે?
દિલ્હીના 33 લાખ મતદારોની નોટિસનો મામલો અટક્યો હતો
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં નાની-મોટી ભૂલો સુધારવા માટે આશરે 33 લાખ મતદારોને નોટિસ પાઠવવાનો આદેશ 3-4 દિવસ પહેલા જ જારી કરવાનો હતો. પરંતુ ચૂંટણી પંચના આ ત્રણ ટોચના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા મતભેદોના કારણે આ નિર્ણયમાં વિલંબ થયો હતો. હવે આ આંતરિક મામલો ઉકેલાઈ જતાં અટકેલી કામગીરીઓ ફરી ઝડપથી આગળ વધશે. આ વિવાદ સંપૂર્ણ પણ સમાપ્ત થઈ ગયો છે તેવું હજી ચોક્કસપણે કહી શકાય નહીં! કારણે કે, વિપક્ષી પાર્ટીઓએ આ મુદ્દે રાષ્ટ્રવ્યાપી વિવાદ શરૂ કર્યો છે.