Mon Oct 05 2026

Logo

ગુજરાત - રાજસ્થાનની સરહદે આવેલું અંબાજી યાત્રાધામ લાખો ભક્તોનું પવિત્રસ્થાન

2026-09-28 09:55:00
Author: Umesh Trivedi
ગુજરાત - રાજસ્થાનની સરહદે આવેલું અંબાજી યાત્રાધામ લાખો ભક્તોનું પવિત્રસ્થાન

ઉમેશ ત્રિવેદી

ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા આરાસુર પર્વત પર અંબામાતાનું મંદિર આવેલું છે. જે લાખો હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત અંબાજી મંદિર એ 51 શક્તિપીઠમાંનું સૌથી પવિત્ર અને લોકપ્રિય તીર્થસ્થળ છે. પૌરાણિક કથાઓ મુજબ અહીં માતા સતી (પાર્વતી)નું હૃદય પડયું હતું.

આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં માતાજીની મૂર્તિની સ્થાપના કરીને તેની પૂજા કરવામાં નથી આવતી. આ મંદિરના ગર્ભાગૃહમાં કોઈ જ મૂર્તિ નથી અહીં શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે અને તેની સજાવટ એ રીતે કરવામાં આવે છે કે દર્શન વખતે તમને દેવીના સ્વરૂપના દર્શન થાય છે.

અહીંથી નજીકમાં જ ગબ્બર પર્વત પર માતાજી બિરાજમાન છે એમ માનવામાં આવે છે અને ગબ્બર જ અંબાજીનું મૂળ સ્થાન છે એમ માનવામાં આવે છે. ગબ્બર પર એક મંદિર છે. તેમાં સતત ઝળહળતા દિવાના દર્શન તમને અંબાજી મંદિરના ગર્ભગૃહમાં ઊભા રહીને કરી શકાય છે.

અંબાજી મંદિરના ગોખમાં ‘વિશા શ્રીયંત્ર’ છે. જે સુવર્ણજડિત આરસની દીવાલમાં કાચબાની પીઠ જેવા આકારના તાંબાના યંત્રને મઢવામાં આવ્યું છે. જેના ઉપર પદ બીજપત્ર (અક્ષર) અંક્તિ છે. મંદિરમાં તેની જ પૂજા થાય છે. આ ગોખ 1,000 વર્ષ જૂનું હોવાનું મનાય છે.

હિન્દુ ધર્મમાં મહત્ત્વપૂર્ણ મનાતા ‘માર્કંંડેય’ પુરાણમાં  અંબાજી મંદિરના ઉદ્ભવની કથા મળે છે. દક્ષ પ્રજાપતિની પુત્રી સતીએ શિવને પામવા માટે આકરું તપ કર્યું હતું. તપસ્યા પછી શિવે સતીનો સ્વીકાર કર્યો અને તેમને સાથે લગ્ન કર્યાં હતા. દક્ષ પ્રજાપતિ આ સંબંધથી રાજી નહોતા, આથી દક્ષ પ્રજાપતિએ ‘બ્રહ્મસ્પતિ શક’ યજ્ઞનું આયોજન કર્યું ત્યારે બધા જ દેવોને આમંત્રણ આપ્યું હતું, પણ જમાઇ એવા શિવને જ બોલાવ્યા નહોતા.

પિતા દ્વારા ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સાંભળીને સતીએ તેમાં ભાગ લેવાની ઇચ્છા પ્રગટ કરી. શિવે ત્યાં ન જવાનું સતીને કહ્યું, પણ સતી ન માન્યા. ત્યાં જતાની સાથે ડગલે ને પગલે સતીને અપમાન સહન કરવાનો વારો આવ્યો. આયોજન દરમિયાન પતિ શિવની ટીકા સાંભળવાથી તેઓ ગુસ્સે ભરાયા અને યજ્ઞકૂંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યજી દીધા.

શિવને આ વાતની જાણ થઇ તો તેઓ યજ્ઞ સ્થાને ધસી ગયાં. સતીનું મૃત શરીર જોઇને તેઓ ગુસ્સે ભરાયા. કૂંડમાંથી તેમને સતીના દેહને બહાર કાઢયો અને તાંડવ કરવા લાગ્યા. આને કારણે ત્રણેય લોકમાં હાહાકાર થઇ  ગયો. યજ્ઞસ્થળે હાજર દેવતાઓ તથા ઋષી મુનિઓને સૃષ્ટિની ચિંતા થવા લાગી. આ તબક્કે ભગવાન વિષ્ણુએ દરમિયાનગીરી કરી તેમણે સતીના દેહ પર સુદર્શન ચક્ર છોડયું જેના કારણે સતીના અનેક અંગ અને આભૂષણો પૃથ્વી પર અલગ-અલગ સ્થાને પડયા. તે જયાં જયાં પડયા ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યા. સતીનું હૃદય આરાસુર પર્વત પર પડયું અને અહીં અંબાજી મંદિરની રચના કરવામાં આવી.

51 શક્તિપીઠમાં અંબાજીનું સ્થાન વિશિષ્ટ છે કેમ કે તેમણે સતીનું હૃદય પડયું હતું. તેથી જ અહીં કોઇ મૂર્તિની, સ્થાપના કરવામાં આવી નથી, હિન્દુ ધર્મ અનુસાર વિષ્ણુના સાતમા અવતાર મનાતા રામ જયારે સીતાને શોધવા નીકળ્યા હતા ત્યારે અર્બુદાના જંગલમાં શ્રૃંગી ઋષીએ રામ-લક્ષ્મણને આરાસુર જઇને અંબાની આરાધના કરવાનું સૂચન કર્યું હતું, રામની તપસ્યાથી પ્રસન્ન થઇને અંબામાતા તેમને ‘અજય’ બાણ આપ્યું હતું.

હિન્દુઓમાં પ્રચલિત એક માન્યતા પ્રમાણે નજીક જ આવેલા ગબ્બર ગોખ ખાતે શ્રીકૃષ્ણની મુંડન વિધિ કરવામાં આવી હતી. કૃષ્ણ એ વિષ્ણુના આઠમા અવતાર હોવાનું મનાય છે. આઝાદી પહેલાં આરાસુરી અંબાજીનું  મંદિર દાંતા સ્ટેટ હેઠળ આવતું હતું અને પરમાર શાસકો દ્વારા તેનું નિયમન કરવામાં આવ્યું હતું. તેઓ રાજા વિક્રમાદિત્યના વંશજો હોવાનું માનવામાં આવે છે. આઝાદી પછી રાજયોમાં વિલીનીકરણ સમયે વિવાદ ઉઠયો હતો અને છેક સુપ્રીમ કોર્ટ સુધી એ વિવાદ પહોંચ્યો હતો.

એ પછી 1970માં નીચલી અદાલતમાં કેસ થયો હતો. તે અગાઉ, 17 માર્ચ 1960ના ઠરાવ પસાર કરી ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી હતી. વહીવટી વ્યવસ્થા પ્રમાણે, બનાસકાંઠાના કલેકટર ટ્રસ્ટના ચેરમેન બન્યા. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પણ આ વ્યવસ્થા યથાવત્ રાખવામાં આવી છે.

આ ટ્રસ્ટ દ્વારા 30 જેટલાં મંદિર, પથિકાશ્રમ, ભોજનાલય, વિશ્રામગૃહ, હૉસ્પિટલ, સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે મહાવિદ્યાલયનું સંચાલન કરવામાં આવે છે. અંબાજીનાં ભાદરવી પૂનમ મેળાનું ખૂબ જ મહત્ત્વ હોય છે, આ મેળામાં ભાગ લેવા માટે લાખો લોકો દેશભરમાંથી ઊમટી પડે છે. આ વખતે પૂનમના મેળામાં અંબાના પ્રસાદરૂપે ચાર લાખ કિલો મોહનથાળ બનાવવામાં આવ્યો. આટલો મોહનથાળ બનાવવા માટે 6,000 કિલો ઘીનો ઉપયોગ કરવામા આવ્યો.

થોડા વર્ષો અગાઉ મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીક્કીનો પ્રસાદ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. પણ તેને કારણે શ્રદ્ધાળુઓમાં નારાજગી ફેલાઇ હતી અને વિવાદ વધતાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આકાશમાં આધુનિક ડ્રોન શો અને ઝળહળતી રોશની આકર્ષણનું કેન્દ્ર બની છે.

ભાદરવી પૂનમ પછી અંબાજી મંદિરમાં નવરાત્રી ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. અહીંના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. અને આ ગરબા પારંપારિક ઢબે જ રમવાનો આગ્રહ રાખવામાં આવે છે.

અંબાજી મંદિરની બીજી વિશેષતા એ છે કે 51 શક્તિપીઠમાંથી આ એક માત્ર એવું સ્થાન છે, જયાં મંદિરના શિખર પર લગભગ 351 જેટલા સુવર્ણકળશની સ્થાપના કરવામાં આવી છે.