Sat May 16 2026

Logo

7 વર્ષ સુધી સતત રિજેક્ટ થતું રહ્યું હિન્દી સિનેમાનું સૌથી આઇકોનિક સોન્ગ, પણ જ્યારે રીલિઝ થયું ત્યારે...

2026-05-16 18:18:00
Author: Darshana Visaria
Article Image

ઘણી વખત ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં ફિલ્મોમાં એવા ગીતો રેકોર્ડ કરવામાં આવે છે કે જે સાંભળીને કમ્પોઝરને પૂરો ભરોસો હોય છે કે આ ગીત હિટ સાબિત થશે, પરંતુ કિસ્મત સાથ નથી આપતી. આવું જ કંઈક હિન્દી સિનેમાના એક સૌથી આઇકોનિક અને રોમેન્ટિક ગીત સાથે થયું હતું. પરંતુ અહીં નવાઈની વાત તો એ હતી કે આ ગીતને મોહમ્મદ રફી જેવા દિગ્ગજ ગાયકે અવાજ આપ્યો હોવા છતાં, તે સતત સાત વર્ષ સુધી રિજેક્ટ થઈ રહ્યું હતું. મોટા-મોટા સુપરસ્ટાર્સે આ ગીતને પોતાની ફિલ્મમાં લેવાની ના પાડી દીધી હતી, પરંતુ જ્યારે આ ગીત રીલિઝ થયું ત્યારે ઈતિહાસ રચી દીધો. 64 વર્ષે આજે પણ આ ગીત દર્શકોના દિલોદિમાગ પર છવાયેલું છે... 

વાત કરીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ મોસ્ટ રિજેક્ટેડ પણ બાદમાં સુપરહિટ થયેલા ગીતની તો આ ગીતના રિજેક્શનની સ્ટોરી વર્ષ 1961માં શરૂ થઈ હતી, જ્યારે ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ બની રહી હતી. દેવ આનંદ અને આશા પારેખ સ્ટારર આ ફિલ્મમાં સંગીત શંકર-જયકિશને આપ્યું હતું. ગીતકાર હસરત જયપુરીએ આ ગીત લખ્યું હતું મોહમ્મદ રફી સાથે સુમન કલ્યાણપુરે તેને અવાજ આપ્યો હતો. ગીત હતું - ‘આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર ઝુબાન પર’. પરંતુ ફિલ્મના હીરો દેવ આનંદને આ ગીત ખૂબ જ લાઉડ લાગ્યું અને તેમણે તેને ફિલ્મમાંથી હટાવી દીધું.

ત્યારબાદ 1966માં જ્યારે રાજેન્દ્ર કુમારની ફિલ્મ ‘સૂરજ’ બની રહી હતી, ત્યારે મ્યુઝિક ડાયરેક્ટર શંકરે આ ધૂન ફરીથી રાજેન્દ્ર કુમારને સંભળાવી. પરંતુ રાજેન્દ્ર કુમારને પણ લાગ્યું કે આ ગીત તેમના રોમેન્ટિક અને સોફ્ટ કેરેક્ટર સાથે મેચ થતું નથી, અને આમ બીજી વાર આ ગીત રિજેક્ટ થયું.

લગાતાર રિજેક્શન બાદ વર્ષ 1968માં જ્યારે ભપ્પી સોનીના નિર્દેશનમાં ફિલ્મ ‘બ્રહ્મચારી’ બની રહી હતી, ત્યારે શંકર-જયકિશને આ ધૂન શમ્મી કપૂરને સંભળાવી અને શમ્મી કપૂરનો અંદાજ અલગ હતો, તેમને આ ગીત પહેલી જ વારમાં ગમી ગયું અને તેમણે તરત જ હા પાડી દીધી. બસ ફિલ્મ બ્રહ્મચારીમાં આ ગીતને લેવામાં આવ્યું અને સુપરહિટ થઈ ગયું. 

26મી એપ્રિલ, 1968ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં જ્યારે આ ગીત પડદા પર આવ્યું, ત્યારે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું અને આ ગીતમાં મુમતાઝની ખાસ અંદાજમાં લપેટેલી ઓરેન્જ સાડી અને શમ્મી કપૂરની એનર્જેટિક ડાન્સ સ્ટાઈલ સુપરહિટ સાબિત થઈ હતી. 

આજે આ વાતને આશરે 65 વર્ષ પૂરા થવા આવ્યા હોવા છતાં, લગ્નપ્રસંગો, પાર્ટીઓ અને સ્ટેજ શોમાં આ ગીત વિના નૃત્ય અધૂરું ગણાય છે. જે ગીતને ક્યારેક કોઈ રાખવા તૈયાર નહોતું, તે આજે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઓળખ બની ગયું છે...