Sat May 16 2026

Logo

Emirates NBD-RBL Bank ડીલને સરકારની મંજૂરી, ₹26,850 કરોડનું થશે રોકાણ

2026-05-16 10:59:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ભારત અને UAE વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. દુબઈની સરકારી બેંકિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની 'Emirates NBD'ને ભારત સરકારના નાણાં મંત્રાલય તરફથી RBL બેંકમાં 74% સુધીનો હિસ્સો ખરીદવાની મંજૂરી મળી ગઈ છે. આશરે ₹26,850 કરોડના આ રોકાણને ભારતીય બેંકિંગ સેક્ટરમાં અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી રોકાણોમાંનું એક ગણવામાં આવે છે. આ સમાચાર આવ્યા બાદ સોમવારે શેરબજારમાં RBL બેંકના શેર પર ખાસ નજર રહેશે.

નાણાં મંત્રાલયની મંજૂરીથી ડીલમાં તેજી આવી

RBL બેંકે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે નાણાં મંત્રાલય હેઠળ આવતા 'ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ' (Department of Financial Services) એ 14 મે 2026ના રોજ Emirates NBDને બેંકમાં 49%થી વધુ અને 74% સુધીનો હિસ્સો ખરીદવાની મંજૂરી આપી દીધી છે.

આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના પ્રવાસે છે. આ બાબતને ભારત અને UAE વચ્ચેની આર્થિક ભાગીદારી વધુ મજબૂત થવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે.

26,850 કરોડ રૂપિયાનું રોકાણ

Emirates NBD આશરે 3 અબજ ડોલર એટલે કે લગભગ ₹26,850 કરોડનું રોકાણ કરશે. આ બેંક ₹280 પ્રતિ શેરના ભાવે 'પ્રિફરેન્શિયલ ઇશ્યૂ' (preferential issue) દ્વારા RBL બેંકના આશરે 60% શેર ખરીદશે. આ ડીલ પૂર્ણ થયા પછી RBL બેંકમાં Emirates NBDનો હિસ્સો 51%થી 74% વચ્ચે રહી શકે છે. આ રોકાણની સાથે જ RBL બેંકને નવું ભંડોળ (મૂડી), વધુ સારી ટેક્નોલોજી, મજબૂત રિસ્ક મેનેજમેન્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર વધારવામાં મદદ મળશે.

RBL Bank બનશે વિદેશી બેંકની સબ્સિડિયરી

આ સોદો પૂર્ણ થયા પછી, Emirates NBDને RBL બેંકના 'પ્રમોટર' (મુખ્ય માલિક) માનવામાં આવશે અને RBL બેંક RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)ના નિયમો હેઠળ વિદેશી બેંકની પેટાકંપની (સબ્સિડિયરી) તરીકે કામ કરશે. આ સિવાય, આગળ જતાં Emirates NBDની મુંબઈ, ચેન્નઈ અને ગુરુગ્રામમાં આવેલી શાખાઓને પણ RBL બેંકમાં ભેળવી દેવાની (મર્જ કરવાની) યોજના છે. જોકે, આ શાખાઓના વિલીનીકરણ માટે હજુ અલગથી નિયમનકારી (રેગ્યુલેટરી) મંજૂરીઓ લેવી પડશે.

સોમવારે શેરમાં જોવા મળી શકે હલચલ

વિદેશી રોકાણના આ મોટા સમાચાર બાદ સોમવારે RBL બેંકના શેરમાં મોટી હલચલ (તેજી) જોવા મળી શકે છે. બજારના નિષ્ણાતોના મતે, રોકાણકારોનો ભરોસો મજબૂત થવા, બેંકની મૂડી વધવા અને તેના વિકાસની સંભાવનાઓમાં સુધારો થવાની આશાને કારણે આ શેરમાં પોઝિટિવ  મૂવમેન્ટ જોવા મળી શકે છે.

શું છે શેરનો હાલ?

શુક્રવારે બજાર બંધ થયું ત્યારે નિફ્ટીમાં RBL બેંકનો શેર ₹338.10ની સપાટીએ બંધ રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં આ શેરમાં લગભગ 5% ની તેજી આવી છે. 3 મહિનામાં તેમાં 8% નો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે એક વર્ષમાં રોકાણકારોને 60% થી વધુનું વળતર (રિટર્ન) મળ્યું છે.

જો કે, રોકાણકારોની નજર હવે ઓપન ઓફર, આરબીઆઈ (RBI) ની આગળની મંજૂરીઓ અને આ સોદો પૂરો થવાની સમયમર્યાદા (ટાઇમલાઇન) પર પણ રહેશે.