Sat Jun 27 2026

Logo

કવર સ્ટોરીઃ રીલ લાઇફનો વિજય રિયલ લાઇફમાં પણ!

2026-05-15 08:43:00
Author: Hema shashtri
Article Image

 


હેમા શાસ્ત્રી


એવું કહેવાય છે કે રિયલ લાઈફ (વાસ્તવિક જીવન)માં બનતી ઘટના કથા સ્વરૂપે રીલ લાઇફ (રૂપેરી પડદા પર-ફિલ્મ)માં આકાર લેતી હોય છે. જોકે, તમિળનાડુમાં અને તમિળ ફિલ્મોના અગ્રણી અભિનેતા વિજયના કેસમાં અવળી ગંગા વહી છે. ફિલ્મમાં બનેલી એક ઘટના-એક દૃશ્ય વાસ્તવિક જીવનમાં હકીકત બની ગઈ છે. રીલનું રૂપાંતર રિયલમાં થયું છે. વાત વિગતે જાણવા જેવી છે.


ફિલ્મ ઍક્ટર રાજકારણમાં પ્રવેશે એવાં અનેક ઉદાહરણો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચોપડામાં જમા છે. સૌથી પહેલું અને જાણીતું ઉદાહરણ છે પૃથ્વીરાજ કપૂરનું. 1952ના એપ્રિલ મહિનામાં સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભા અને રાજ્યસભા અસ્તિત્વમાં આવ્યા. એ જ વર્ષે પૃથ્વીરાજજીને રાજ્યસભામાં નૉમિનેટ કરવામાં આવ્યા હતા. એમજીઆર તરીકે પ્રચલિત એમ. જી. 


રામચંદ્રન 1952માં DMK તરીકે વધુ જાણીતા દ્રવિડ મુનેત્ર કળઘમ પક્ષમાં જોડાયા હતા અને વિધાન પરિષદના સભ્ય બન્યા પછી DMK માંથી હકાલપટ્ટી થયા બાદ તેમણે નવા પક્ષ ઑલ ઇન્ડિયા અણ્ણા દ્રવિડ મુનેત્ર કળઘમ (AIADMK) પક્ષની સ્થાપના કરી 1977માં તમિળનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો દિલીપકુમાર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના સહિત અનેક ઉદાહરણ છે. આ બધામાં સાઉથના એન. ટી. રામરાવ (એનટીઆર)નું ઉદાહરણ બેજોડ છે. 


1950ના દાયકાના પ્રારંભમાં તેલુગુ ફિલ્મમાં હીરો બન્યા પછી એનટીઆરએ કૉંગ્રેસને પડકારવા 1982માં TDP (તેલુગુ દેસમ પાર્ટી)ની સ્થાપના કરી હતી. પક્ષની સ્થાપનાના નવ મહિના પછી તે આંધ્ર પ્રદેશની વિધાનસભા ચૂંટણી લડ્યા અને અદ્ભુત વિજય મેળવી રાજ્યના પ્રથમ બિન કૉંગ્રેસી મુખ્ય પ્રધાન બન્યા હતા.


 ભારતીય રાજકારણમાં ફિલ્મ હસ્તી રાજકારણમાં પ્રવેશી પહેલા પ્રયાસમાં મુખ્ય પ્રધાન બની હોય એવું અત્યાર સુધીનું આ એકમાત્ર ઉદાહરણ હતું. હવે વિજય (ચંદ્રશેખરન જોસેફ વિજય)એ એ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું છે. બે વર્ષ પહેલાં Tamilaga Vettri Kazhagam (TVK) પક્ષની સ્થાપના કર્યા પછી 2026ની વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મેળવી વિજય નાના પક્ષોની સહાયતાથી તમિળનાડુનો મુખ્ય પ્રધાન બની ગયો છે.


વિજયના જીવનની બે અત્યંત રસપ્રદ વાત જાણવા-સમજવા જેવી છે. એક એ રાજકારણથી છેટું રાખવા માગતો હતો એ વિશેની છે, જ્યારે બીજીમાં એ રાજકારણમાં પ્રવેશી મુખ્ય પ્રધાન બનશે એની આડકતરી આગાહીની વાત છે.


વાત છે 1998ની. સાઉથના દિગ્દર્શક એસ. શંકર (શંકર શણમુગમ) Mudhalvan (જેનો અર્થ થાય છે મુખ્ય પ્રધાન) ફિલ્મ બનાવવા માગતા હતા. (આ ફિલ્મની હિન્દી રીમેક ‘નાયક’ બની હતી જેમાં અનિલ કપૂર હતો) ફિલ્મના લીડ રોલ માટે અર્જુન નામના અભિનેતા નક્કી કર્યો એ પહેલાં દિગ્દર્શકે બે ઍક્ટરનો સંપર્ક કર્યો હતો. એક હતો કમલ હસન અને બીજો હતો ચંદ્રશેખર જોસેફ વિજય. 


કમલભાઈ એ વખતે ‘હે રામ’ બનાવવામાં વ્યસ્ત હોવાથી અન્ય ફિલ્મ પર ફોકસ કરી શકે એમ નહોતા. ચંદ્રશેખર જોસેફ વિજયેના એટલા માટે પાડી કે 25 વર્ષની ઉંમરે અભિનેતાને રાજકારણની પાર્શ્વભૂમિ ધરાવતી ગંભીર ફિલ્મમાં કામ નહોતું કરવું. મુખ્ય પ્રવાહની કમર્શિયલ ફિલ્મોને જ પ્રાધાન્ય આપવું હતું. જોકે 2012માં વિજયએ એસ. શંકરની ‘3 ઇડિયટ્સ’ની તમિળ રિમેકમાં કામ કરવાનું સ્વીકાર્યું ત્યારે Mudhalvan નહીં કરી શકવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો.


બીજી વાત છે 2024ની. તમિળમાં GOAT (Greatest of All Time) નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મનો હીરો હતો ચંદ્રશેખર જોસેફ વિજય. ફિલ્મ 450 કરોડ રૂપિયાનો વકરો કરવામાં સફળ રહી હતી. અલબત્ત,  રિટર્ન ઑફ ઇન્વેસ્ટમેન્ટ (વળતર) વિશેષ નહોતું, કારણ કે એનું બજેટ તોતિંગ (350 કરોડથી વધુ) હતું. ફિલ્મનું થોડું શૂટિંગ બાકી હતું ત્યારે (ફેબ્રુઆરી, 2024) ઍક્ટરે એક ફિલ્મ કર્યા પછી પોતે ચિત્રપટ સૃષ્ટિને રામરામ કરી રાજકારણમાં ઝુકાવી દેશે એમ જણાવ્યું હતું. એ એક કઈ ફિલ્મ હશે એનો કોઈ ખુલાસો તેણે નહોતો કર્યો, પણ એ સિક્વલ GOAT vs OG  હશે એવી વાત બે વર્ષ પહેલાં ચર્ચાઈ હતી. એનું શૂટિંગ તામિળનાડુની ચૂંટણી પતે પછી શરૂ કરવામાં આવશે એવી વાત હતી. જોકે, હવે વિજય રાજ્યનો મુખ્ય પ્રધાન બની ગયો છે ત્યારે એ સિક્વલ સામે મોટું પ્રશ્નચિહ્ન ખડું થઈ ગયું છે.


અન્ય એક મહત્ત્વની વાતGOAT (Greatest of All Time)ના એક દૃશ્ય સંદર્ભની છે અને ખાસ્સી ચર્ચાનો વિષય બની છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી ક્લિપમાં ફિલ્મના એક દૃશ્યમાં વિજય કાર ચલાવી રહ્યો છે જેની રજિસ્ટ્રેશન પ્લેટ પર TN 07 CM 2026 વંચાઈ રહ્યું છે. અંગ્રેજી ટીએન અક્ષર એટલે તમિળનાડુ અને અંગ્રેજી સીએમ અક્ષર એટલે ચીફ મિનિસ્ટર-મુખ્ય પ્રધાન અને 07 એટલે સાતમી મે અને 2026 એટલે હાલ ચાલી રહેલું વર્ષ એવી રજૂઆત આ ક્લિપ સાથે કરવામાં આવી રહી છે. 


ટૂંકમાં ઍક્ટરના ચાહકો વિજયની રાજકીય મહત્ત્વકાંક્ષાને ફિલ્મના સીન સાથે સાંકળી રહ્યા છે. પડદા પર જે જોવા મળ્યું એણે વાસ્તવિક દુનિયામાં આકાર લીધો. 25 વર્ષની ઉંમરે રાજકારણના રોલથી દૂર રહેલો વિજય 51 વર્ષની ઉંમરે તમિળનાડુનો મુખ્ય પ્રધાન બની ગયો છે.


તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મના નિર્માણ અને દિગ્દર્શન સાથે સંકળાયેલા એસ. એ. ચંદ્રશેખરનો પુત્ર વિજય બાળ કલાકાર તરીકે ફિલ્મની દુનિયામાં પ્રવેશી 1992માં હીરો તરીકે સ્થાપિત થયો હતો. આશરે 75 ફિલ્મો કરી સારી સફળતા મેળવી હવે રાજકારણમાં આવ્યો છે. રજનીકાંત (ઓરિજિનલ થલપથી) અને કમલ હસન જેવા બે દિગ્ગજ અભિનેતાને રાજકારણ નથી ફળ્યું એમાં વિજયએ એન્ટ્રી લીધી છે. કેટલાંક વર્ષથી જનતામાં Ilaya Thalapathy (યુવા નેતા) તરીકે લોકપ્રિય બની ગયેલા વિજયએ મુખ્ય પ્રધાનના શપથ લીધા પછી આપેલા પહેલા જાહેર પ્રવચનમાં જે વાત કરી છે એ સામાન્ય માણસને સ્પર્શી જાય એવી વાત છે.


‘હું કોઈ દેવદૂત નથી’ (મતલબ કે મારી પાસેથી ચમત્કારની અપેક્ષા નહીં રાખતા) એવી શરૂઆત કરી વિજયે લોકોનાં દિલ જીતી લીધાં. ‘હું તમારામાંનો જ એક સામાન્ય માનવી છું. ભૂખ અને ગરીબી શું છે એ હું સારી પેઠે જાણું છું. મને તમારો નાનો ભાઈ જ ગણજો.’ લોકો સાથે કનેક્ટ થવાનો આ ઇરાદો બહેતર શાસનનું આશ્વાસન જરૂર આપે છે. તેણે મોટાભાગની ફિલ્મોમાં સોશ્યલ ઍક્ટિવિસ્ટ પ્રકારનો રોલ કર્યો છે જે લોકોના સંપર્કમાં રહીને કામ કરે છે. અલબત્ત, રાજકારણમાં બોલવું અને એનું પાલન કરવું ઘણી વાર ઉત્તર-દક્ષિણ જેવી બાબત હોય છે.


ટૂંકમાં આજે  ટ્રેલર તો પ્રભાવી લાગે છે. અલબત્ત,  સારુંં ટ્રેલર સારી ફિલ્મની ગૅરન્ટી નથી આપતું. વિજય તમિળનાડુના રાજકારણમાં કેવો નીવડે છે એ તો આવતી કાલ જ નક્કી કરશે.