Fri Jul 24 2026

Logo

દોસ્તો, હમ વાપસ આયે હૈં... ગયા વર્ષે અક્ષય ખન્ના -રાકેશ બેદી ને આ વર્ષે નસીરુદ્દીન શાહ અને અરશદ વારસીનાં ઓવારણાં દર્શકો લઈ રહ્યા છે

2026-07-24 08:45:00
Author: Hema shashtri
Article Image

કવર સ્ટોરી - હેમા શાસ્ત્રી

અચ્છા અભિનેતાને બૂરા દિવસો જોવા પડે અને ફરી સારા દિવસો આવે. મહાનાયક અમિતાભ બચ્ચન સહિત ઘણા ઉદાહરણ મળી આવે. એકવીસમી સદીના ત્રીજા દાયકામાં પણ ફિલ્મોથી દૂર થઈ ગયેલા કલાકારો ફરી આગલી હરોળમાં આવી ગયા છે. શાહરુખ ખાન, બોબી દેઓલ, અક્ષય ખન્ના, રાકેશ બેદીના નવા રાઉન્ડની શરૂઆત થયા પછી હવે નસીરુદ્દીન શાહ અને અરશદ વારસી ફોકસમાં આવી ગયા છે. બન્ને અચ્છા અભિનેતા. એમાંય નસીરભાઈ તો એક્ટિંગના એવરેસ્ટ અને અરશદ વારસી પણ કુશળ અભિનેતા.

નસીરુદ્દીન શાહ

પહેલા પાંચ વર્ષ સમાંતર સિનેમા તરીકે ઓળખાયેલી ચળવળની ફિલ્મો (નિશાંત, મંથન, સ્પર્શ ઈત્યાદિ)માં કામ કર્યા પછી નસીરભાઈએ પહેલા ‘હમ પાંચ’ અને પાંચ વર્ષ પછી ’કર્મા’થી મેઈનસ્ટ્રીમની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. નસીર ભાઈએ ઘણા યાદગાર રોલ કર્યા છે. વિજયા મહેતાની ‘પેસ્તનજી’માં જોયા પછી બીજા જ વર્ષે રાજીવ રાયની ‘ત્રિદેવ’માં સોનમ સાથે ‘ઓયે ઓયે’ કરી ‘તીરછી ટોપીવાલે’ ગીતમાં નાચગાન કરતા પણ જોવા મળ્યા.

આ અભિનેતાની કારકિર્દીની ઘણી ખાસિયત છે, જેમાં ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે કારકિર્દીમાં શ્રેષ્ઠ અભિનેતાના ત્રણ નેશનલ અવોર્ડ અને ત્રણ ફિલ્મફેર અવોર્ડ સાથે કુલ 15 અવોર્ડ મળ્યા છે અને અનેક નોમિનેશન્સ - નામાંકન પણ જમા છે. રસપ્રદ વાત તો એ છે કે છ નોમિનેશન ‘બેસ્ટ પરફોર્મન્સ ઈન નેગેટિવ રોલ’ માટે છે જેમાં ‘મોહરા’ (1996), ‘ચાહત’ (1997), ‘સરફરોશ’ (2000), ‘ક્રિશ’ (2007), ‘મિથ્યા’ (2008) અને ‘અલ્લાહ કે બંદે’ (2011)નો સમાવેશ છે. નાયકની ભૂમિકા અભિનેતાએ ખલનાયક માટે આટલા નામાંકન મળ્યા હોય એવા ઉદાહરણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોધવા હોય તો દીવો લઈને નીકળવું પડે.

2019માં ‘રામપ્રસાદ કી તેરહવી’ના બાબુજીના રોલમાં ધ્યાન ખેંચ્યા પછી તેમની ફિલ્મો આવી પણ કોઈ ધ્યાનમાં ન રહી. ઘણી વાર એવું બનતું હોય છે કે ભૂમિકા - અદાકારી સારી હોવા છતાં ફિલ્મ ફ્લોપ થઈ હોવાથી એ ધ્યાનમાં આવે નહીં. જોકે, આ વર્ષે બે ફિલ્મમાં નસીરુદ્દીન શાહ નજરે પડ્યા અને એમાંથી એક ફિલ્મમાં સશક્ત ભૂમિકાના જબરદસ્ત પરફોર્મન્સથી દર્શકોના દિલમાં વસી ગયા. તાપસી પન્નુની વજનદાર ભૂમિકાવાળી ‘અસ્સી’માં તેમનો ગેસ્ટ અપિયરંસ હતો, પણ ઈમ્તિયાઝ અલી દિગ્દર્શિત ‘મૈં વાપસ આઉંગા’માં તો નસીરભાઈ છવાઈ ગયા. ભારતના ભાગલાને કારણે પીડા અને પ્રેમના અનુભવમાંથી પસાર થયેલા 95 વર્ષના ઈશર સિંહની વિભાજનની સ્મૃતિઓ, એક અધૂરી પ્રેમકહાની અને પોતાના મૂળ વતન સરગોધા પાછા ફરવાની તમન્ના ફિલ્મના મુખ્ય રસાયણ છે. ફિલ્મમાં નસીરભાઈનું પરફોર્મન્સ જોઈ ‘બાણશૈયા’ નાટકમાં અરવિંદ જોશીની અદભુત અદાકારીનું સ્મરણ થયું. અહીં સરખામણીની કોઈ વાત નથી, પણ અભિનયના એવરેસ્ટની વાત છે. 

આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થયેલી બાયોગ્રાફિકલ ફિલ્મ ‘મેડ ઈન ઈન્ડિયા: આ ટાઈટન સ્ટોરી’માં જેઆરડી ટાટાના રોલમાં પણ નસીરુદ્દીન શાહની ચમક દર્શકોએ અનુભવી છે. 2026નું વર્ષ અભિનેતા માટે મહત્ત્વનું સાબિત થયું છે.

અરશદ વારસી

ત્રીસ વર્ષ પહેલાં  પહેલી ફિલ્મ ‘તેરે મેરે સપને’ (અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ - એબીસીએલ કંપની નિર્મિત પ્રથમ ફિલ્મ) સાથે અભિનય યાત્રા શરૂ કરનારા અરશદ વારસીએ એની પહેલા મહેશ ભટ્ટના સહાયક દિગ્દર્શક અને અનિલ કપૂરની મહાકાય બજેટ ધરાવતી ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’માં કોરિયોગ્રાફર તરીકે પરસેવો પાડી ચુક્યો હતો. બે હીરોવાળી (બીજો હીરો હતો ચંદ્રચુડ સિંહ) ’તેરે મેરે સપને ‘બોક્સ ઓફિસ પર સારી સફળતા મેળવી શકી હતી. જોકે, શાનદાર શરૂઆત પછી અરશદ વારસીને ફિલ્મો તો મળી પણ રિલીઝ થયેલી નવ ફિલ્મમાંથી આઠ ધડામ કરતાને પછડાઈ અને એને પોતાને ભવિષ્ય ધૂંધળું લાગવા માંડ્યું હતું. દિવસો એવા માઠા જોવા પડ્યા કે ઈન્ડસ્ટ્રીમાંથી કામ મળતું બંધ થઈ ગયું. એવામાં એક એવા દિગ્દર્શકનો ફોન આવ્યો જે પોતાની પહેલી જ ફિલ્મ કરી રહ્યો હતો. ડિરેક્ટરનું નામ હતું રાજકુમાર હિરાણી અને રોલ હતો ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં સર્કિટનો. ગુંડાના એક સાગરીતનો રોલ જાણ્યા પછી અરશદે ચોખ્ખી ના પાડી દીધી. મામૂલી લાગતો રોલ કરવાની. આ રોલમાં જોયા પછી ભોજિયો ભાઈ પણ નહીં પૂછે એવી એની માન્યતા હતી. જોકે, ફિલ્મમાં હીરો સંજય દત્ત છે અને રાજકુમાર હિરાણી માટે આદર હોવાથી અરશદ વારસીએ હા પાડી.      

પછી  તો કાગળ પર સાવ સામાન્ય લાગતો રોલ પડદા પર એવો  ચમકી ઊઠ્યો કે  એનો ફોન સતત રણકવા લાગ્યો.

બાવીસ વર્ષ પછી ફરી રાજકુમાર હિરાણીની પ્રથમ વેબ સિરીઝ ‘પ્રીતમ એન્ડ પેડ્રો’માં અરશદ વારસીનું નામ ગાજી રહ્યું છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી માત્ર છ એપિસોડની આ વેબ સિરીઝ ‘ટોક ઑફ ધ ટાઉન’ બની ગઈ છે. વેબ સિરીઝના શોખીનો વચ્ચે માહિતીની આપલેમાં આજકાલ ‘પ્રીતમ એન્ડ પેડ્રો’નો ઉલ્લેખ સૌથી પહેલા અને સૌથી વધુ થઈ રહ્યો છે. હિંસા અને ગાળાગાળી જેવાં કારણોને લીધે વેબ સિરીઝથી દૂર રહેતા ફિલ્મ દર્શકો પણ આ સિરીઝ જોઈને ખુશ થયા છે. ‘પ્રીતમ એન્ડ પેડ્રો’માં સાયબર સેલમાં ટ્રાન્સફર થયેલા સીઆઈડી ઈન્સ્પેકટર પેડ્રોનો રોલ જે ખૂબીથી અદા કર્યો છે એ જોઈ કોઈ પણ એની અભિનય પ્રતિભા પર ઓવારી જાય. 
     
અર્શદની ડાયરી ભરચક થઈ રહી છે. 2025માં ‘જોલી એલએલબી 3’, ‘ભાગવત: ચેપ્ટર - રાક્ષસ’ અને ‘મસ્તી 4’ સફળ થઈ હતી અને આ વર્ષે હિરાણીની વેબ સિરીઝ ઉપરાંત ‘વેલકમ ટુ જંગલ’ અને ‘ધમાલ 4’ને સારો આવકાર મળ્યો છે અને શાહરુખ - સુહાનાની ‘કિંગ’ અને ‘જીવન ભીમા યોજના’ રિલીઝ થવાની છે. ‘કિંગ’માં બહુ મોટો તો નહીં, પણ મહત્ત્વનો રોલ છે, જ્યારે ‘જીવનભીમા યોજના’ ફિલ્મમાં અરશદ પહેલી વાર ડબલ રોલમાં જોવા મળશે. જીવન અને ભીમા એ બે વ્યક્તિની ભૂમિકા અરશદ કરી રહ્યો છે. આ સિવાય રોહિત શેટ્ટીની ગોલમાલ ફ્રેન્ચાઈઝીની ‘ગોલમાલ 5’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની ધારણા છે.

ટૂંકમાં બે અચ્છા અભિનેતા અચ્છે દિન જોઈ રહ્યા છે.