Fri Jul 24 2026

Logo

મનોરંજનનું મેઘધનુષ: યામી ગૌતમ નૅશનલ એવોર્ડ મેળવીને પોતાની અભિનયક્ષમતા પર મહોર લગાવી આ ફૂટડી ઍક્ટ્રેસે...

2026-07-24 09:05:00
Author: Umesh Trivedi
Article Image

- ઉમેશ ત્રિવેદી

સન 2010માં કન્નડ  ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી યામી ગૌતમે 16 વર્ષની કારકિર્દીમાં ખૂબ જ લાંબી મજલ કાપી છે. દરેક ફિલ્મમાં -ભલે તે ફિલ્મ હીરો..હોય તો પણ તે  પોતાની છાપ અચૂક  છોડી  જાય છે. એટલું જ નહીં,  આ 16 વર્ષની કારકિર્દીમાં તેને કેટલીક એવી ફિલ્મો પણ મળી છે, જેમાં  તે પોતાના અભિનયના ઓજસ પાથરી શકી છે. હાલમાં જ યામીને  ફિલ્મ ‘આર્ટિકલ-370’ માટે નૅશનલ એવોડર્સ મળવાની જાહેરાત થઈ છે.

23  ફેબ્રુઆરી 2024ના રિલીઝ થયેલી ‘આર્ટિકલ-370’માં યામી ગૌતમે પહેલી જ વાર ઍક્શન દૃશ્યો ભજવ્યાં છે. આ ફિલ્મમાં તેણે ઝૂની હકસરની ભૂમિકા ભજવી હતી. આ ફ્લ્મિ એ તેની હોમ પ્રોડકશનની જ ફિલ્મ હતી. આ એક રાજકીય એકશન થ્રીલર ફિલ્મ હતી, જે સુહાસ જાંભોએ દિગ્દર્શિત કરી હતી અને તેના નિર્માતા આદિત્ય ધર, લોકેશ ધર અને જયોતિ દેશપાંડે હતાં.

કન્નડ , પંજાબી, તેલુગુ, મલયાલમ, તમિળ અને હિન્દી ફિલ્મોમાં અભિનય કરનારી યામી ગૌતમને તેની અભિનય કારકિર્દી દરમિયાન ઘણી સારી ભૂમિકાએ કરવા મળી છે અને હાલમાં જ અનેક વિક્રમ સર્જનારી ફિલ્મ ‘ધૂરંધર’ ના બીજા ભાગમાં માત્ર બે જ મિનિટની ભૂમિકા માટે તેણે રૂપિયા 6 કરોડની અધધ... કહી શકાય એવી ‘ફી’ વસૂલી હતી, ત્યારે પણ તે ચર્ચામાં આવી હતી.

‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન તેની અને દિગ્દર્શક આદિત્ય ધરની ઓળખાણ થઈ હતી. 2019 દરમિયાન થયેલી આ મુલાકાત પ્રેમમાં પરિણમી અને બે વર્ષના પ્રેમ પછી તે આદિત્ય ધરને પરણી ગઈ છે. 10મી મે 2024ના તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. યામી શરૂઆતથી જ ચીલાચાલુ અભિનેત્રી કરતાં અલગ જ પ્રકારની ફિલ્મો કરીને સતત આગળ વધતી રહી છે. હવે માત્ર 14 વર્ષની અભિનય કારકિર્દીમાં અભિનયનો સર્વશ્રેષ્ઠ એવો નેશનલ એવોડર્સ તેણે મેળવ્યો છે. આ સિવાય તેણે બે સ્ક્રીન એવોડર્સ, ઝી સિને એવોડર્સ એને ત્રણ વાર ફિલ્મફેર એવોડર્સના નોમિનેશન મેળવ્યા છે.

યામીના પિતા મુકેશ ગૌતમે એક સારા દિગ્દર્શક તરીકે પંજાબી ફિલ્મોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. 2012માં આવેલી ‘વિકી ડોનર’ એ યામીની પહેલી જ હિન્દી ફિલ્મ હતી. આયુષમાન ખુરાના અભિનીત આ ફિલ્મથી જ યામીએ એ સાબિત કરી આપ્યું હતું કે તે ફિલ્મોમાં અલગ જ પ્રકારની ભૂમિકાઓ કરીને પોતાનું અલગ સ્થાન જમાવવા માટે આવી છે. પુલકિત સમ્રાટ, અજય દેવગણ, આયુષમાન ખુરાના, શાહિદ કપૂર, હૃતિક રોશન, વિકી કૌશલ, વિક્રાંત મેસ્સી, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી, જેવાં કલાકારો સાથેની ફિલ્મોમાં અભિનય કરનારી યામીએ પોતાની અલગ જ છાપ છોડી છે.

‘આર્ટિકલ-370’માં તેની જ મુખ્ય ભૂમિકા હતી અને જમ્મુ-કાશ્મીરના બેકગ્રાઉન્ડ સાથે બનેલી આ ફિલ્મે બોકસ ઓફિસ તો  ગજાવી  હતી, પણ સાથોસાથ યામીના અભિનય અને એકશન દૃશ્યોેના પણ ખૂબ જ વખાણ થયા હતા. એક સમયે આ ફિલ્મને ભાજપના સરકાર માટે ‘પ્રોપેગેન્ડા’ ફિલ્મ તરીકે ઓળખાવવામાં આવતી હતી ,  પણ  આ બધી ટીકાઓ પર ધ્યાન આપ્યા વિના યામી અને આદિત્ય ધર સતત આગળ વધતા રહ્યા અને આજે તેમનો પરિણામ પણ સારું જ મળ્યું છે.

યામીએ જે ફિલ્મોમાં અભિનય કર્યો છે, તેમાંની મોટા ભાગની ફિલ્મો બોકસ ઓફિસ પર પણ સફળ થઇ છે. તેની પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’ ખૂબ ઓછા બજેટ સાથે બનાવવામાં આવી હતી,  પણ એ ફિલ્મ અનોખા વિષય  આગવી રજૂઆત અને અચ્છા અભિનયને કારણે  સુપરહીટ સાબિત થઇને  રૂપિયા 65 કરોડની કમાણી કરી હતી. ત્યાર પછી વરુણ ધવન સાથેની ‘બદલાપુર’ ફિલ્મે રૂ. 80 કરોડની સરકાર-થ્રી ફિલ્મો રૂ. 90 કરોડ, ‘કાબિલ’ ફિલ્મે રૂ. 200 કરોડ, ‘ભૂત પોલીસ’ ફિલ્મે રૂ. 50 કરોડ ‘ઓહ માય ગોડ’ 220 કરોડ, ‘આર્ટિકલ 370, રૂ. 100 કરોડથી વધુ અને ‘ધૂરંધર-ટુ’એ તો રૂ. 1,852.44 કરોડનો બિઝનેસ કરીને અનોખો વિક્રમ પોતાના નામે કર્યો છે.

બોલિવૂડ એ હીરો પ્રધાન ગણાય છે. આ હીરો પ્રધાન ફિલ્મોમાં પોતાની હાજરી નોંધાવવી એ કાંઇ નાનીસૂની વાત નથી અને યામીએ આ વાત એક વાર નહીં,  અનેક વાર સાબિત કરી આપી છે. આ સિવાય તેણે એવી પણ અનેક ફિલ્મો કરી છે, જેમાં તેનું કેરેક્ટર મુખ્ય હોય અને હીરોની ભૂમિકા ગૌણ હોય અથવા તો સહાયક તરીકેની હોય ‘સનમ રે,’ ‘જૂનુનિયત’, ‘ ગિન્ન વેડ્સ સન્ની’ ‘ ચોર નિકલ કે ભાગા‘ , ‘ધૂમધામ’  અને  ‘ હક’  ઈત્યાદિ બધી ફિલ્મો એ પ્રકારની છે, જેમાં મુખ્ય ભૂમિકા યામિની જ હતી અને સાથે પુલકિત સમ્રાટ, સન્ની કૌશલ, પ્રતીક ગાંધી, વિક્રાંત મેસ્સી જેવાં કલાકારો તેની સાથે હતા.

યામી કોઇ પણ પ્રકારની અલગ પ્રકારની ભૂમિકા કરતાંય અચકાતી નથી. ‘થર્સ ડે’ ફિલ્મમાં તેની સંપૂર્ણ નેગેટિવ ભૂમિકા હતી અને ફિલ્મમાં કોઇ હીરો પણ નહોતો કે તેનાં કોઇ પ્રેમદૃશ્યો પણ નહોતાં. આ ફિલ્મમાં યામીની ભૂમિકાના ખૂબ જ વખાણ થયા હતા. ફિલ્મમાં અતુલ કુલકર્ણી, નેહા ધૂપિયા અને ડિમ્પલ કાપડિયા જેવા કલાકારો હતા,  છતાં અસ્થિર મગજ ધરાવતી શાળાની શિક્ષિકા તરીકે યામી રીતસર  છવાઇ ગઇ હતી. ‘હક’  ફિલ્મ સાવ વેગળો વિષય લઈને  આવેલી. એમાં પણ યામીની અસરકારક અભિનયની વિશેષ પ્રશંસા થઈ...

આમ, શરૂઆતથી લઇને અત્યારસુધીમાં યામીએ અલગ-અલગ પ્રકારની ભૂમિકાઓ કરીને પોતાને અભિનેત્રીને તરીકે સાબિત કરી દીધી છે. અને હવે આ નેશનલ એવોર્ડથી તેની અભિનય ક્ષમતાની યોગ્ય કદર થઇ છે એમ કહી શકાય.


OTTનું હોટસ્પોટ

25 જુલાઇથી 31 જુલાઇ શું જોશો ?

હોલિવૂડની ફિલ્મોમાં ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક તરીકે અનેરી નામના ધરાવનાર બ્રિટિશ અમેરિકન ફિલ્મસર્જક ક્રીસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’ ફિલ્મ અત્યારે બોકસઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે ઓટીટી પર (જુદી જુદી ચેનલ પર) નોલાનની ફિલ્મો રજૂ કરવામાં આવી રહી છે. જિયો હોટસ્ટાર ચેનલ પર નોલાનની ‘ધ ડાર્ક નાઇટ’, ઇન્સેપ્શન, ઇન્ટરસ્ટેલર, ધ ડાર્ક નાઇટ રાઇઝેસ, બેટમેન બિગેનસ જેવી ફિલ્મો જોઇ શકશે તો ઝી ફાઇવ પર ‘ઓપન હાઇમર’ એમેઝોન પ્રાઇમ પર ‘મેમેન્ટો’ અને ‘ધ પ્રેસ્ટીજ’ જોઇ શકશે.

જિયો હોટ સ્ટાર:

અહીં તમને 25 જુલાઇએ ક્રાઇમ-એકશન ડ્રામા ‘બ્લડ વોર’ની ચોથી સિઝન જોવા મળશે. એ અગાઉ 24 જુલાઇ (એટલે કે આજે) ‘ધ બિયર’ની પાંચમી સિઝનની શરૂઆત થઇ રહી છે.

એમેઝોન પ્રાઇમ વીડિયો: 

અહીં આજે (24 જુલાઇએ ) આદર્શ બાલ વિદ્યાલય  સિરીઝની શરૂઆત થવાની છે, જેમાં મુખ્ય ભૂમિકા કે.કે.મેનન, અર્ચના પુરણસિંહ, અભિમન્યુ સિંહ, દેવેન ભોજાણી અને પ્રાચી શાહની છે.

નેટફિલક્સ: 

અહીં તમને આજે શુક્રવારે વિક્રાંત મેસ્સી, વેદિકા પિન્ટો, મહિઝા મકવાણા અને સાદિયા સિદ્દીકીની ‘મુસાફિર કેફે’ જોવા મળશે, અને 24 જુલાઇના (આજે જ) ‘72 અવર્સ ’નામની એક્શન સિરીઝ શરૂ થશે.