Sat May 16 2026

Logo

ચીનથી મળેલી ગિફ્ટ અને ફોન ડસ્ટબિનમાં ફેંકી કેમ રવાના થયા ડોનાલ્ડ ટ્રમ્પ?

2026-05-16 12:15:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ત્રણ દિવસનો ચીન પ્રવાસ ભલે પૂરો થઈ ગયો હોય, પરંતુ તેમના પરત ફરવા સાથે જોડાયેલી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડેટા ચોરી અને જાસૂસીની આશંકાના કારણે, અમેરિકી પ્રતિનિધિમંડળે (ડેલિગેશને) એર ફોર્સ વન (રાષ્ટ્રપતિના ખાસ વિમાન) માં પગ મૂકતા પહેલા જ ચીની અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી તમામ ભેટ-સોગાદો અને ઇલેક્ટ્રોનિક સામાન કાં તો નષ્ટ કરી દીધો અથવા તેને ત્યાં જ છોડી દીધો.

ડસ્ટબિનમાં ફેંકવામાં આવી ચાઇનીઝ ગિફ્ટ

ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અનુસાર, સ્વદેશ પરત ફરવાની તૈયારીઓ વચ્ચે અમેરિકી ટીમે એ બધી જ વસ્તુઓ એક જગ્યાએ ભેગી કરી જે તેમને ચીની યજમાનો તરફથી ભેટ તરીકે મળી હતી. આ વસ્તુઓમાં વ્હાઇટ હાઉસના કર્મચારીઓને વપરાશ માટે આપવામાં આવેલા ખાસ બર્નર ફોન, ડેલિગેશન પિન અને ક્રેડેન્શિયલ્સ જેવી અન્ય ઘણી વસ્તુઓ સામેલ હતી.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બધો સામાન અમેરિકા લઈ જવાને બદલે, વિમાને ઉડાન ભરી તે પહેલાં જ કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો અથવા તો પૂરેપૂરો નષ્ટ કરી દેવામાં આવ્યો.

વિમાનમાં ચીનનો કોઇપણ સામાન લઇ જવાની સખત મનાઇ

અમેરિકી પ્રેસ ટીમ સાથે પ્રવાસ કરી રહેલા ન્યૂયોર્ક પોસ્ટના એક પત્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું કે, "અમને વિમાનની અંદર ચીનથી જોડાયેલી કોઈ પણ વસ્તુ લઈ જવાની મંજૂરી નથી. અમે ટૂંક સમયમાં જ અમેરિકા માટે ઉડાન ભરવાના છીએ."

જો કે, આ આખા ઘટનાક્રમ અને સામાન નષ્ટ કરવાના અહેવાલો પર વ્હાઇટ હાઉસ અથવા ટ્રમ્પ પ્રશાસન તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર (ઓફિશિયલ) નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું.

કડક કાઉન્ટર ઇન્ટેલિજન્સ પ્રોટોકોલનો છે હિસ્સો

રાજદ્વારી નિષ્ણાતોનું માનવું છે કે આ કોઈ મનસ્વી કે અચાનક લેવાયેલો નિર્ણય ન હતો, પરંતુ તે અમેરિકાની 'હાઈ-લેવલ કાઉન્ટર-ઇન્ટેલિજન્સ' અને સુરક્ષા વ્યૂહરચનાનો એક મહત્વનો ભાગ છે.

વાસ્તવમાં, જ્યારે પણ અમેરિકી અધિકારીઓ એવા કોઈ દેશના પ્રવાસે જાય છે જ્યાં જાસૂસીનું જોખમ વધારે હોય, ત્યારે પ્રોટોકોલ (નિયમો) હેઠળ તેઓ ત્યાં મળેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને સંવેદનશીલ સાધનોને નષ્ટ કરી દે છે. આનાથી ટ્રેકિંગ, બગિંગ (છૂપી રીતે વાત સાંભળવી) અથવા ડેટા હેકિંગની કોઈ શક્યતા રહેતી નથી.

9 વર્ષ બાદ ચીન પહોંચ્યા હતા ટ્રમ્પ

મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ નવ વર્ષના લાંબા ગાળા પછી ચીનના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસ દરમિયાન તેમની ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સાતમી વખત  મુલાકાત થઈ હતી. સુરક્ષા સાથે જોડાયેલું આ કડક પગલું 'ઝોંગનાનહાઈ લીડરશીપ કમ્પાઉન્ડ'માં બંને નેતાઓ વચ્ચેના અંતિમ તબક્કાની બેઠકો પૂરી થયા બાદ ઉઠાવવામાં આવ્યું હતું.

આ એ જ ઐતિહાસિક અને અત્યંત સુરક્ષિત પરિસર છે, જ્યાં બેઠક પૂરી થયા પછી બંને દિગ્ગજ નેતાઓએ સદીઓ જૂના વૃક્ષો અને પરંપરાગત ચીની સ્થાપત્ય (વાસ્તુકળા) વચ્ચે થોડો સમય ટહેલતા ટહેલતા વિતાવ્યો હતો.