નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં સરકાર રિસર્ચ (સંશોધન) ક્ષેત્રે કામ કરવા માટે દુનિયાભરમાંથી પ્રતિભાશાળી લોકોને બોલાવી રહી છે. આ અંતર્ગત ત્યાંની ઘણી બધી સરકારી યુનિવર્સિટીઓમાં તેમને સારી એવી સ્કોલરશિપ (શિષ્યવૃત્તિ) પણ આપવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં મેલબોર્ન યુનિવર્સિટીએ 'ગ્રેજ્યુએટ રિસર્ચ સ્કોલરશિપ'ની જાહેરાત કરી છે, જેના માટે ભારતીય વિદ્યાર્થીઓ પણ અરજી (એપ્લાય) કરી શકે છે. આ સ્કોલરશિપ દ્વારા કોઈ પણ ફી ચૂકવ્યા વગર પીએચડી (PhD) અથવા માસ્ટર્સ બાય રિસર્ચ કરવાનો મોકો મળશે.
ભારતમાં માસ્ટર ડિગ્રી પૂરી કરી ચૂકેલા અથવા રિસર્ચમાં કરિયર બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ ઉત્તમ છે, કારણ કે આમાં તમામ પ્રકારના ખર્ચાઓ આવરી લેવામાં આવ્યા છે. QS વર્લ્ડ રેન્કિંગ અનુસાર, મેલબોર્ન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની ટોપ યુનિવર્સિટી છે, જેનો અર્થ એ છે કે અહીં રિસર્ચ સાથે જોડાયેલી સુવિધાઓ શાનદાર હશે. ચાલો 'ગ્રેજ્યુએટ રિસર્ચ સ્કોલરશિપ' વિશે વિગતવાર જાણીએ અને સાથે જ સમજીએ કે આ મેળવવા માટે ભારતીય વિદ્યાર્થીઓએ કઈ શરતો પૂરી કરવી પડશે.
ગ્રેજ્યુએટ રિસર્ચ સ્કોલરશિપની જરુરી વાતો
મેલબોર્ન યુનિવર્સિટીમાં આપવામાં આવી રહેલી આ સ્કોલરશિપ 'મેલબોર્ન રિસર્ચ સ્કોલરશિપ' અને 'રિસર્ચ ટ્રેનિંગ પ્રોગ્રામ' (RTP) હેઠળ આપવામાં આવી રહી છે. તેનો મુખ્ય હેતુ પ્રતિભાશાળી સ્થાનિક વિદ્યાર્થીઓની સાથે-સાથે વિદેશી વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ રિસર્ચની ડિગ્રી આપવાનો છે.
મેલબોર્ન યૂનિવર્સિટીની સ્કોલરશીપમાં શું-શું મળશે?
ઓસ્ટ્રેલિયાની ટોપ યુનિવર્સિટીમાં મળી રહેલી આ સ્કોલરશિપ 'ફુલી-ફંડેડ' છે, જેનો અર્થ એ છે કે વિદ્યાર્થીએ રહેવા-ખાવા માટે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. આ સ્કોલરશિપ હેઠળ નીચે મુજબના ફાયદાઓ મળી રહ્યા છે.
ટ્યુશન ફીમાંથી મુક્તિ: માસ્ટર્સ બાય રિસર્ચના વિદ્યાર્થીઓ માટે 2 વર્ષ અને PhDના વિદ્યાર્થીઓ માટે 4 વર્ષ સુધીની ટ્યુશન ફી માફ કરવામાં આવશે.
રહેવા-ખાવાનું ભથ્થું (લિવિંગ અલાઉન્સ): દર વર્ષે 39,500 ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ૨૭ લાખ રૂપિયા) આપવામાં આવશે.
સ્કોલરશિપનો સમયગાળો: માસ્ટર્સના વિદ્યાર્થીઓને 2 વર્ષ અને PhDના વિદ્યાર્થીઓને 3.5 વર્ષ સુધી આ સ્કોલરશિપનો લાભ મળશે.
રિલોકેશન ગ્રાન્ટ (સ્થળાંતર સહાય): ભારતીય વિદ્યાર્થીઓને મેલબોર્નમાં શિફ્ટ થવા માટે 3,000 ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે 2 લાખ રૂપિયા) અલગથી મળશે.
હેલ્થ ઇન્શ્યોરન્સ (આરોગ્ય વીમો): ભારતીય વિદ્યાર્થીઓને 'ઓવરસીઝ સ્ટુડન્ટ હેલ્થ કવર' (OSHC) પણ પૂરું પાડવામાં આવશે.
કયા-કયા વિષયની સ્ટડી માટે સ્કોલરશિપ મળશે?
એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કમ્પ્યુટર સાયન્સ
બિઝનેસ અને ઇકોનોમિક્સ
સાયન્સ, એગ્રિકલ્ચર (કૃષિ) અને વેટરનરી સાયન્સ (પશુચિકિત્સા)
આર્કિટેક્ચર, બિલ્ડિંગ, પ્લાનિંગ અને ડિઝાઇન
આર્ટ્સ, હ્યુમેનિટીઝ, સોશિયલ સાયન્સ અને લો (કાયદો)
હેલ્થ, એજ્યુકેશન, મ્યુઝિક અને વિઝ્યુઅલ આર્ટ્સ
કઇ શરતો પર મેલબર્ન યૂનિવર્સિટીની સ્કોલરશિપ મળશે?
મેલબોર્ન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ રિસર્ચ ડિગ્રી (માસ્ટર્સ અથવા PhD) માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને જ આ સ્કોલરશિપ આપવામાં આવશે. આ માટે સૌથી પહેલાં તેમણે એડમિશન (પ્રવેશ)ની શરતો પૂરી કરવી પડશે. એકવાર તેમને યુનિવર્સિટી તરફથી એડમિશન ઓફર લેટર મળી જશે, એટલે સ્કોલરશિપ માટે તેમના નામ પર ઓટોમેટિક વિચાર કરવામાં આવશે. આ જ રીતે, અહીં પહેલેથી રિસર્ચ કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓ પણ આ સ્કોલરશિપ માટે લાયક ગણાશે. સ્કોલરશિપ માટેની પસંદગી સંપૂર્ણપણે એકેડેમિક મેરિટના આધારે કરવામાં આવશે.
સ્કોલરશીપ સાથે જોડાયેલી જરુરી લિંક: https://scholarships.unimelb.edu.au/awards/graduate-research-scholarships