Thu Sep 03 2026

Logo

અમેરિકાએ નાઇજીરીયામાં ઘૂસીને ISISના બીજા સૌથી મોટા કમાન્ડર અલ-મિનુકીને કર્યો ઠાર, ટ્રમ્પે આપી માહિતી

2026-05-16 12:11:00
Author: Vimal Prajapati
અમેરિકાએ નાઇજીરીયામાં ઘૂસીને ISISના બીજા સૌથી મોટા કમાન્ડર અલ-મિનુકીને કર્યો ઠાર, ટ્રમ્પે આપી માહિતી

વોશિંગ્ટન: વૈશ્વિક આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમેરિકી સૈન્યને એક ખૂબ જ મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી છે કે, યુએસ આર્મીએ આફ્રિકન દેશ નાઇજીરીયામાં આઈએસઆઈએસ (ISIS) ના બીજા સૌથી મોટા વૈશ્વિક કમાન્ડર અબુ-બિલાલ અલ-મિનુકી (Abu-Bilal al-Minuki) ને એક ગુપ્ત ઓપરેશનમાં ઠાર માર્યો છે. અલ-મિનુકી આખી દુનિયામાં આઈએસઆઈએસ સંગઠનનો બીજા ક્રમનો સૌથી શક્તિશાળી નેતા માનવામાં આવતો હતો. તેને હવે અમેરિકાએ ખતમ કરી નાખ્યો છે. 

રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ એક અત્યંત જટિલ, ગુપ્ત અને સુનિયોજિત મિશન હતું, જેને અમેરિકી સેના અને નાઇજીરીયન સશસ્ત્ર દળોએ સાથે મળીને અત્યંત સચોટતાથી અંજામ આપ્યું છે. ટ્રમ્પે અલ-મિનુકીને વિશ્વનો સૌથી સક્રિય અને ખતરનાક આતંકવાદી ગણાવ્યો હતો.

 

સમગ્ર વિશ્વમાં ફેલાયેલું ISIS નું નેટવર્ક નબળું પડી જશે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘અલ-મિનુકીને એવું લાગતું હતું કે તે આફ્રિકાના જંગલોમાં છુપાઈ જશે, પરંતુ અમેરિકી ગુપ્તચર એજન્સીઓ તેની દરેક હિલચાલ પર નજર રાખી રહી હતી, તેને હવે ઠાર કરી દેવામાં આવ્યો છે. હવે આફ્રિકાના નિર્દોષ લોકોને ડરવાની કોઈ જરૂર નથી. આ આતંકીઓ હવે અમેરિકનો પર હુમલાનું કાવતરું પણ નહીં ઘડી શકે. આ કાર્યવાહી પર ટ્રમ્પે કહ્યું કે, આ ટોચના આતંકીના ખાતમાથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલું ISIS નું નેટવર્ક ઘણું નબળું પડી જશે. તેમણે આ સફળ ઓપરેશન માટે નાઇજીરીયા સરકારનો પણ આભાર માન્યો હતો.

કોણ હતો આતંકી અબુ-બિલાલ અલ-મિનુકી?

અબુ-બિલાલ અલ-મિનુકી જેનું બીજું નામ અબુ બક્ર ઇબ્ર મુહમ્મદ ઇબ્ર અલી અલ-મેનુકી છે, તે ઇસ્લામિક સ્ટેટના વૈશ્વિક નેટવર્કમાં ખૂબ મોટું નામ ધરાવતો હતો. તે મુખ્યત્વે આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં સક્રિય હતો. આ ભૌગોલિક વિસ્તાર એટલાન્ટિક મહાસાગરથી શરૂ થઈને લાલ સમુદ્ર સુધી આશરે 5,900 કિલોમીટરમાં ફેલાયેલો છે. તેના આતંકી નેટવર્કનો વ્યાપ સેનેગલ, મોરિટાનિયા, માલી, બુર્કિના ફાસો, નાઇજર, નાઇજીરીયા, ચાડ, સુદાન, ગેમ્બિયા, ગિની, કેમરૂન અને ઇરિટ્રિયા જેવા દેશો સુધી હતો.

અમેરિકાએ તેને 2023માં તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો

અબુ-બિલાલ અલ-મિનુકી ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ (ISWAP) નો સિનિયર કમાન્ડર હતો અને આઈએસઆઈએસના લેક ચાડ ડિવિઝનના તમામ આતંકી હુમલાઓનું નેતૃત્વ કરતો હતો. આ સિવાય તેનું મુખ્ય કામ આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ-અલગ આતંકી જૂથો સુધી ફંડિંગ (નાણાં) અને હુમલાના નિર્દેશો પહોંચાડવાનું હતું. તેની આ ખતરનાક ગતિવિધિઓને કારણે અમેરિકી વિદેશ મંત્રાલયે જૂન 2023માં તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. અમેરિકી સૈનિકોની આ બહાદુરીને ટ્રમ્પે વિશ્વ માટે ખૂબ મોટી રાહત ગણાવી છે.