દિવ્યકાંત પંડ્યા
એક સમય હતો જ્યારે ફિલ્મ બનાવવાનો અર્થ હતો રાહ જોવી. કોઈ પ્રોડ્યુસર હા કરે, કોઈ સ્ટુડિયો વિશ્વાસ મૂકે, કોઈ સ્ટાર જોડાય. આજે એ રાહ ધીમે ધીમે ખતમ થઈ રહી છે. હવે એક નવી લાઇન ઉભી થઈ રહી છે ફિલ્મમેકિંગમાં, જ્યાં લોકો રાહ જોઈને થાકીને જાતે જ સીધી ફિલ્મ બનાવે છે. પછી એને લઈને બહાર નીકળે છે, પોતે જ પ્રમોટ કરે છે, અને પોતાના ઓડિયન્સ સુધી પહોંચાડે છે. ‘નુક્કડ નાટક’ જેવી ફિલ્મની સફર એ વાતનું એક મજબૂત ઉદાહરણ છે. જોકે આ ફક્ત એક ફિલ્મની સ્ટોરી નથી. આ તો દુનિયાભરમાં ચાલી રહેલા બદલાવનો ભાગ છે (વ્યવસ્થા એ જ છે, પણ એમાં અપવાદના કિસ્સાઓ પણ છે).
‘નુક્કડ નાટક’ જોતા પહેલા કદાચ લાગશે કે આ એક નાની, સિમ્પલ ફિલ્મ છે, પણ એની પાછળ જે સફર છે એ જ ખરેખર મોટી છે. વર્ષો સુધી કોઈ બેકિંગ વગર આ ફિલ્મ બની. પછી બહુ જ ઓછા સ્ક્રીન્સ પર રિલીઝ થઈ. અને ત્યાંથી ટીમે જે કર્યું, એ જ સૌથી ઇન્ટરેસ્ટિંગ છે. પૈસા નહોતા માર્કેટિંગ માટે તો લોન લઈને પોતાની જ વેન બનાવી, એને પેન્ટ કરી, શહેર શહેર ફર્યા અને લોકો સુધી ફિલ્મ લઈ ગયા. થિયેટરમાં લોકો આવે તેની રાહ જોવાની બદલે ફિલ્મને લોકો સુધી લઈ જવાનો રસ્તો પસંદ કર્યો. અને આ જ જિદ્દે છેેલ્લે તેને ‘નેટફ્લિક્સ’ સુધી પહોંચાડી. અહીં વાત ફક્ત પ્લેટફોર્મ મળવાની નથી, વાત એ છે કે તમે તમારી ફિલ્મ માટે કેટલા દૂર જવા તૈયાર છો.
આ રસ્તો નવો નથી. દુનિયામાં ઘણા મોટા ફિલ્મમેકર્સે આ જ રીતે શરૂઆત કરી છે. રોબર્ટ રોડ્રિગેઝે ‘એલ મારિયાચી’ એટલા ઓછા પૈસામાં બનાવી કે સાંભળીને જ અજીબ લાગે. તેણે ફિલ્મ માટે પૈસાનો જોગ કરવા માટે પોતે જ જુદા જુદા રસ્તા અજમાવ્યા. કેવિન સ્મિથે ‘ક્લર્ક્સ’ બનાવવા માટે પોતાની જ દુકાનમાં શૂટિંગ કર્યું, ક્રેડિટ કાર્ડ સુધી વાપરી નાખ્યા. ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ અને ત્યાંથી તેની કારકિર્દી શરૂ થઈ.
ક્રિસ્ટોફર નોલન જેવી વ્યક્તિએ પણ ‘ફોલોઇંગ’ જેવી ફિલ્મ વીકએન્ડમાં, પોતાના મિત્રો સાથે બનાવી હતી. કોઈ મોટી ટીમ નહોતી, કોઈ મોટા રિસોર્સ નહોતા. જે હતું એથી કામ ચલાવ્યું. આજે તે દુનિયાની સૌથી મોટી ફિલ્મ્સ બનાવે છે, પણ શરૂઆત એ જ હતી કે જે છે એથી શરૂ કરવું. શોન બેકરે ‘ટેન્જરીન’ ફિલ્મ આખી આઈફોન પર શૂટ કરી. ડેમિયન ચેઝેલે ‘વિપ્લેશ’ની શોર્ટ ફિલ્મ બનાવીને ફીચર માટે ફંડિંગ ઊભું કર્યું અને પછી ‘વિપ્લેશ’ને ખ્યાતિ મળી.
આજના સમયમાં આ મોડલ વધુ સ્પષ્ટ થતું જાય છે. ‘A24’ એક અમેરિકન સ્ટુડિયો છે, જેણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઇન્ડિપેન્ડન્ટ સિનેમાને એક નવી ઓળખ આપી છે. તે એવી ફિલ્મ્સને સપોર્ટ કરે છે જે પરંપરાગત ફોર્મ્યુલામાં ફિટ થતી નથી. થોડી અલગ, થોડી રિસ્કી અને ખૂબ સ્ટોરી ડ્રિવન ફિલ્મ્સ જેવી કે ‘મૂનલાઇટ’, ‘લેડી બર્ડ’ અને ‘એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ’ જેવી ફિલ્મ્સ થકી તેમણે બતાવ્યું કે નાની સ્ટોરીઝ પણ ગ્લોબલ લેવલ પર કામ કરી શકે છે.
ભારતમાં પણ આ પ્રકારની ફિલ્મ બને છે ,જે હંમેશાં મેઇન સ્ટ્રીમમાં નથી આવતી. ‘સુપરબોય્ઝ ઓફ માલેગાંવ’ જેવી ફિલ્મમાં આપણે જોયું કે લોકો પાસે કંઈ નથી છતાં ફિલ્મ બનાવે છે. ‘શિપ ઓફ થીસિયસ’ જેવી ફિલ્મને ઓડિયન્સ સુધી પહોંચવામાં વર્ષો લાગ્યાં. આજે તો સોશ્યલ મીડિયા, કમ્યુનિટી સ્ક્રીનિંગ્સ અને ડાયરેક્ટ ઓડિયન્સ કનેક્શનથી ઇન્ડી ફિલ્મમેકર્સ પાસે વધારે રસ્તા છે. ઇન્ડી ફિલ્મમેકર ફક્ત ડિરેક્ટર નથી રહેતો. તે માર્કેટર છે, ડિસ્ટ્રિબ્યુટર છે, સેલ્સ પર્સન છે.
અહીં ‘નુક્કડ નાટક’ જેવી ફિલ્મને લઈને રોડ પર ઊતરવું, લોકો સાથે સીધું કનેક્શન બનાવવું એ હવે એક અલગ રસ્તો બની રહ્યો છે. એ ફિલ્મની ટીમે તો ‘નેટફ્લિક્સ’ રિલીઝ પછી પણ મુંબઈનાં અલગ-અલગ સ્થળોએ લોકોને એકઠા કરીને તેમની સાથે ફિલ્મ સેલિબ્રેટ કરીને તેમનો આભાર માન્યો હતો. ક્યારેક ઈમોશનલ દૃશ્યો ફિલ્મમેકર્સ ફિલ્મની બહાર પણ સર્જી દેતા હોય છે. સાથે સાથે ઓટીટી પ્લેટફોર્મ્સે પણ ગેમ બદલી છે.
પહેલાં થિયેટરમાં ફિલ્મ ન ચાલે તો બધું ખતમ. હવે એવું નથી. ફિલ્મને બીજી લાઇફ મળી શકે છે. ક્યારેક તો મોટી લાઇફ. એક નાની ફિલ્મ જે થોડા સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી, તે ‘નેટફ્લિક્સ’ સુધી પહોંચી શકે છે, એ જ તેની સાબિતી છે. જોકે આ રસ્તો સરળ નથી. ફિલ્મમેકરને પોતાની ફિલ્મ માટે લડવું પડે છે, તેને લઈને બહાર જવું પડે છે, વારંવાર નકારી કાઢવામાં આવે છતાં ફરી પ્રયત્ન કરવો પડે છે. દરેક ફિલ્મ ‘નેટફ્લિક્સ’ સુધી નથી પણ પહોંચતી. સિસ્ટમ હજી પણ કઠિન છે. પણ મનોરંજન દેવની કૃપાથી હવે એ જ એકમાત્ર રસ્તો નથી રહ્યો.
કદાચ આ જ ફિલ્મમેકિંગનું ભવિષ્ય છે. જ્યાં સ્ટુડિયો અને ઇન્ડી વચ્ચેનો ભેદ ધીમે ધીમે ધૂંધળો થાય. અંતે વાત એટલી જ છે કે ફિલ્મ ક્યાંથી શરૂ થાય છે તે મહત્ત્વનું નથી. તમે તેને કેટલી આગળ લઈ જાઓ છો એ વધુ મહત્ત્વનું છે!
લાસ્ટ શોટ
‘ધ બ્લેર વિચ પ્રોજેક્ટ’ જેવી ફિલ્મ એક એક્સપેરિમેન્ટ તરીકે શરૂ થઈ હતી, પણ તેના માર્કેટિંગ અને વર્ડ ઓફ માઉથથી તે એટલી મોટી બની કે લોકો માટે એ કેસ સ્ટડી બની ગઈ.