સંજય છેલ
એક નવો ફિલ્મ ડાયરેક્ટર 1999માં વનરાજ ભાટિયાને પોતાની પહેલી ફિલ્મમાં બેકગ્રાઉંડ મ્યુઝિક માટે બોલાવે છે. વનરાજજી, પાંચ દિવસ સુધી ચૂપચાપ ફિલ્મને વારંવાર જોયે રાખે છે, ક્યાં સંગીત આપવું, ક્યાં રોકવું અને કેટલી સેકંડ કે મિનિટ માટે આપવું એનું તે એડિટિંગ મશીન પર ઝીણવટથી માર્કિંગ કરે છે. ફિલ્મના ગીતોને પણ સાંભળીને નોટ્સ બનાવે છે ને પછી પેલા ડાયરેક્ટરને કહે છે :
‘દીકરા, હવે બસ એક જ દિવસમાં તારી ફિલ્મનું બેકગ્રાઉંડ મ્યુઝિક તૈયાર!’ નવોસવો ડાયરેક્ટર આ સાંભળીને હલી જાય છે, કારણકે ત્યારે કે આજેય કોઇપણ ફિલ્મનાં પાર્શ્વસંગીત માટે કમસેકમ 7થી 10 દિવસ તો લાગે જ લાગે! એ નવોદિત ડાયરેક્ટર, સિનિયર નિર્દેશક રાહુલ રવૈલને જઇને મળે છે જેમણે ‘લવ-સ્ટોરી’, ‘બેતાબ’, ‘અર્જુન’, ‘ડકૈત’ જેવી અનેક સફળ ફિલ્મો બનાવેલી અને જે પાછા શો-મેન રાજ કપૂરના આસિસ્ટન્ટ પણ રહી ચૂકેલા એટલે બેકગ્રાઉંડ મ્યુઝિકનો મહિમા બખૂબી જાણે.
નવોદિત ડાયરેક્ટરને રાહુલ રવૈલે કહ્યું, ‘જો સાંભળ, વનરાજજી એક દિવસમાં આખી ફિલ્મનું સંગીત એવી રીતે આપશે કે તને કલ્પનામાં પણ નહીં આવે! વનરાજજી એક 15 મિનિટનો મોટો સંગીતનો ટુકડો 100 સાજિંદાઓ અને કોરસ ગાયકોની ઓરકેસ્ટ્રા સાથે તૈયાર કરશે, જે તારી ફિલ્મનો થિમ હશે અને પછી એમાંથી 1-1 ટુકડા, એક એક વાજિંત્રના ટ્રેક છૂટો પાડીને આખી ફિલ્મમાં અલગ અલગ રીતે, અલગ અલગ જગ્યાએ વાપરશે.’
આ હતી આપણાં ગુજરાતી જિનિયસ વનરાજ ભાટિયાની મહારથી, જે એમણે વિદેશી ભવ્ય ઓપેરા કે ક્લાસિકલ ઓર્કેસ્ટાના સંગીતકારો પાસેથી શીખેલી. પેલો નવોસવો નિર્દેશક એટલે હું અને એ ફિલ્મ એટલે સંજય દત્ત-ઉર્મિલાને ચમકાવતી મારી નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘ખૂબસૂરત’ જેની મેકિંગ દરમ્યાન બનેલો આ સાવ સાચો કિસ્સો છે.
મારા કમનસીબે વનરાજ ભાટિયા એ આખો સિંગલ ટુકડો રેકોર્ડ કરે તે પહેલાં નિર્માતા અને વનરાજજી વચ્ચે પૈસા ને કામ કરવાની સ્ટાઇલને લઇને ઝગડો થયો. પોતાની શરતો પર કામ કરનાર ખુદ્દાર વનરાજ ભાટિયાએ દિવસોની મહેનત બાદ, નિર્માતાને લાખો રૂ. પરત આપી દીધા ને ફિલ્મ છોડી દીધી. મારા નસીબમાં વનરાજ ભાટિયાના સંગીતનો જાદુ લખાયો નહોતો, પણ પછીથી એકાદ બે ફિલ્મમાં મેં એમને આ રીતે સંગીત આપતા જોયા અને ખરેખર અવાક્ થઇ જવાયું.
આવા વિચક્ષણ ગુજરાતી કલાકારને આપણા ગુજરાતી સમાજે ક્યારેય પોતાનો ગણીને માન નથી આપ્યું. કારણ કે એમણે ગુજરાતીઓને ગમતું સહેલું સુગમસંગીત નથી આપ્યું ને રાસ-ગરબા ના બનાવ્યાને?! ગુજરાતી સંસ્થાઓ અને કલાજગતના મહાબલિઓના ‘ગુડ બુક્સ’માં નહોતાને? આપણે 5-6 સંગીતકાર અને ગાયકો વચ્ચે જ સંગીતજગતની સંગીતખુરશી રમે રાખી છે.
ખેર, ધંધાડુ બોલિવૂડ વચ્ચે રહીને પણ વનરાજ ભાટિયા એક અદ્ભુત સંગીતકાર હતા. વનરાજ ભારતીય ફિલ્મ સંગીતજગતના અજોડ મહારથી હતા, જેમણે પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત અને ભારતીય લોકસંગીત વચ્ચે એક સેતુ બાંધેલો. એમનું સૌથી મોટું પ્રદાન ભારતીય ન્યૂ આર્ટ ફિલ્મો કે સમાંતર સિનેમામાં છે. ‘અંકુર’, ‘મંથન’, ‘ભૂમિકા’, ‘મંડી’, ‘કલિયુગ’, ‘જૂનૂન’, ‘આઘાત’, ‘ખામોશ’, ‘ત્રિકાલ’, ‘સરદાર’, ‘દ્રોહકાલ’, ‘હલ્લા બોલ’ અને ‘સરદારી બેગમ’ જેવી ફિલ્મોમાં એમણે સતત એક દરજ્જાનું સંગીત આપ્યું.
1927માં મુંબઈના એક સમૃદ્ધ ગુજરાતી પરિવારમાં જન્મેલા વનરાજ મુંબઇની પ્રતિષ્ઠિત ‘ન્યૂએરા સ્કૂલ’માં ગુજરાતીમાં ભણ્યા જ્યાંથી કલાજગતને દિલીપ જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા, સતીશ શાહ જેવા સફળ કલાકારો મળ્યા છે. શરૂઆતમાં ‘દેવધર સ્કૂલ ઑફ મ્યુઝિક’માં હિન્દુસ્તાની સંગીત શીખ્યું હતું, પણ ત્સાઈકોવ્સ્કીના પિયાનો કોન્સર્ટોએ એમના જીવનની દિશા બદલી નાખી. સંગીતની ઉચ્ચ તાલીમ લેવા માટે લંડન ગયા હતા, જ્યાં તેમણે ‘રોયલ એકેડેમી ઑફ મ્યુઝિક’માંથી ગોલ્ડ મેડલ મેળવેલો. એમણે પેરિસમાં નાદિયા બૌલેન્જર જેવી સંગીત જગતની હસ્તીઓ પાસે તાલીમ લીધી.
ભારત પાછા ફર્યા બાદ તે માત્ર આર્ટફિલ્મો પૂરતા જ બિઝી નહોતા, પણ એમણે 7000થી વધુ જાહેરાતો માટે જિંગલ્સ તૈયાર કર્યા અને દિલ્હી યુનિવર્સિટીમાં ‘વેસ્ટર્ન મ્યુઝિકોલોજી વિભાગ’ના ઇન્ચાર્જ તરીકે પણ સેવા આપી. નાટ્યગુરુ અબ્રાહમ અલ્કાઝીના યાદગાર નાટકો ‘તુઘલખ’ અને ‘અંધા યુગ’માં સંગીત આપેલું. શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, કેતન મહેતા, કુંદન શાહ, સઇદ મિર્ઝા, સુધીર મિશ્રા જેવા કલાત્મક અને સેંસિબલ દિગ્દર્શકો સાથે તેમનો અતૂટ સંબંધ રહ્યો.
ખાસ કરીને સ્મિતા પાટિલ-નસીરુદ્દીન શાહની ‘મંથન’ ફિલ્મનું ગીત ‘મેરો ગામ કાઠા પારે’ આજે પણ ગુજરાતની ઓળખ છે અને અમૂલ દૂધની ‘શ્વેત ક્રાંતિ’નું નેશનલ એન્થમ બની ગયું છે. શબાના આઝમી-સ્મિતા પાટિલવાળી ‘મંડી’ ફિલ્મના ટિપિકલ હૈદ્રાબાદી બજારુ તવાયફી માહોલમાં ગઝલ, દાદરાઠુમરીવાળા મસ્તીભર્યા ગીતો પણ કમ્પોઝ કરેલા. ‘તમસ’ જેવી દૂરદર્શનની જલદ ફિલ્મ-સિરિયલ માટે એમને ‘નેશનલ એવૉર્ડ’થી નવાજવામાં આવેલા અને મોડે મોડે 2012માં પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત થયો.
આ ઉપરાંત રાજકુમાર સંતોષીની ‘ઘાયલ’, ‘ઘાતક’ જેવી ફિલ્મોમાં અને રાહુલ રવૈલ, સુભાષ ઘાઇ, પંકજ પરાશરની અનેક ફિલ્મોમાં છેક 2005 સુધી બેકગ્રાઉંડ મ્યુઝિક આપેલું. કલાજગતમાં આટઆટલી સફળતા બાદ પણ છતાં વનરાજ ભાટિયાનું અંગત જીવન અને તેમના અંતિમ વર્ષો અત્યંત કરુણતામાં વિત્યા. શૅરબજારમાં થયેલા નુકસાનને કારણે તેમની આજીવનની બચત ડૂબી ગયેલી ને વર્ષ 2000 પછી બૂઢાપામાં આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા.
આજીવન કુંવારા વનરાજના ઘરનું ભાડું પણ અમુક સામાજિક સંસ્થાઓ આપતી અને જીવનના ગુજારા માટે તેમણે પોતાની કિંમતી એન્ટિક ક્રોકરી પણ વેચવી પડેલી. એમની દારુણ ગરીબી અને કારમી એકલાતામાં ‘પાપ્સો’ નામની બિલાડી એકમાત્ર સાથી હતી પણ પછી એ બિલાડીના મૃત્યુએ ભાટિયાજીને માનસિક રીતે ખતમ કરી નાખેલા. વનરાજની નોકરીયાણીએ એમના મોત બાદ કહેલું કે વનરાજ ઊંઘમાં પણ બિલાડીનું નામ પોકારતા રહેતા.
હમણાં જ વનરાજ ભાટિયાની પુણ્યતિથિ ગઇ. પાંચ વરસ અગાઉ 94મે વરસે 7 મે 2021ના રોજ વનરાજે અલવિદા કહ્યું. જીવનભર ખુદ્દાર વનરાજ, અંતે બીમાર ને નિ:સહાય હતા પણ સંગીત રસિકોની દુનિયામાં તેઓ સદાયે યાદ રહેશે. ‘ફેન્ટાસિયા ઍન્ડ ફ્યુજ’ જેવા વેસ્ટર્ન પ્રોજેક્ટ હોય કે ‘ભારત એક ખોજ’ જેવી શ્રેણીની વૈદિક ઋચાઓનું અદ્ભુત ગીત ‘સૃષ્ટિ સે પહેલે સત્ નહીં થા, અસત ભી નહીં થા...’ આજે પણ દેશભરના સંગીત રસિકોના કાનમાં ગૂંજે છે.
કમનસીબી એ છે કે આવા દંતકથારૂપ સંગીતકાર વનરાજ ભાટિયાને આપણે ગુજરાતીઓએ હંમેશાં ‘આઉટસાઇડર’ જ ગણ્યા.