નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં દરરોજ નવી ઉથલપાથલ જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસમાં પડેલી તિરાડ વધારે મોટી થતી જાય છે જ્યારે મમતા દીદી એકલા પડી રહ્યા હોય એવું ચિત્ર છે. સતત અને સખત રીતે બદલી રહેલી કૉલકાતાની રાજનીતિના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. ગાંધી પરિવાર સાથે મમતા બેનરજીની મુલાકાત પછી અનેક એવા મુદ્દા રાતોરાત સપાટી પર આવ્યા છે. રાજકીય સફરમાં ડૂબતી નૈયાને બચાવવા માટે મમતા બનરજી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે સૂત્રો ત્યાં સુધી કહે છે કે, જો તૃણમૂલ કોંગ્રેસ કોંગ્રેસમાં ભળી જાય છે તો મમતા બેનર્જીને ઉપાધ્યક્ષનું પદ મળી શકે છે જ્યારે અભિષેકને કોઈ રાષ્ટ્રીય કક્ષાનું પદ મળી શકે છે.
મૌન વ્રતને શું માનવું?
પશ્ચિમ બંગાળની રાજકીય પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની સ્થિતિ એવી છે કે, તે કંઈ પણ કરે એના પડઘા મોટા પડી રહ્યા છે. સાથ આપનારા સાથ છોડી રહ્યા છે. પહેલા તો કોઈ સાથે ન ભળીને તૃણમૂલ કોંગ્રેસ એકલ પંથે લડશે એવી વાત હતી, હવે વિલયની વાતને ફગાવીને પાર્ટીના કદાવર નેતાઓએ મૌન સેવી લીધું છે. સૂત્રો જણાવે છે કે, પાર્ટીના એક નેતા સાથે વાત થઈ એ પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસનું કોંગ્રેસમાં ભળી જવું સારો વિકલ્પ છે, આનાથી જે સાંસદો અને ધારાસભ્યો છોડીને જાય છે એ મુદ્દા પર મોટી બ્રેક લાગી શકે છે. પણ આ પ્રસ્તાવ તૃણમૂલ કોંગ્રેસ તરફથી આવવો જોઈએ. પણ પશ્ચિમ બંગાળના કોંગ્રેસ જૂથમાં કંઈક બીજું ચાલી રહ્યું છે.
મુલાકાતે કેમ રહસ્ય વધાર્યું?
દિલ્હીમાં વધી રહેલી રાજકીય મુલાકાત પરથી જાણવા એવું મળ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ પ્રકારનો પ્રસ્તાવ સામે આવ્યો નથી. તૃણમૂલ કોંગ્રેસના કદાવર નેતા મમતા બેનરજીએ સામેથી ગાંધી પરિવાર સાથે મુલાકાત કરી છે. ખાસ કરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ ઓફર મળ્યાની ચર્ચા છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વિપક્ષને મજબૂત કરવા તથા ગઠબંધનને સાથે રાખી એક રણનીતિ તૈયાર કરવાના મુદ્દે ચર્ચા થઈ છે. હવે આ ચર્ચા પણ એવા સમય થઈ રહી છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસમાંથી કદાવર કહેવાતા નેતા અને પાર્ટીનો ચહેરો ગણાતા નેતા પાર્ટીને છોડી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યનું જૂથ અને સાંસદોનું જૂથ તૂટી રહ્યું છે.
આ રીતે થઈ પાર્ટી વેર-વિખેર
ધારાસભ્ય રિતાબ્રતા બનરજી તો દાવા સાથે કહે છે કે,બળવાખોર સભ્યોની સંખ્યા 64 સુધી પહોંચી ગઈ છે. ચૂંટણી પંચની મુલાકાત લઈને તેઓ કંઈક નવું કરી શકે છે. મામલો અહીંયાથી અટકતો નથી. જ્યારે વાત કોંગ્રેસમાં ભળવાની આવી ત્યારે સ્પષ્ટ પણે ઈન્કાર કર્યાનું જાણવા મળે છે. મંગળવારે થયેલી મુલાકાતમાંથી એ વાત સામે આવી છે કે, કોંગ્રેસે મમતા બેનરજીને ઉપાધ્યક્ષની ઓફર આપી હતી અને અભિષેક બનરજીને મહાસચીવનું પદ આપવાની વાત થઈ હતી. આની સામે મમતાએ થોડા દિવસનો સમય માગ્યા હોવાની વાત સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ વેરવિખેર થઇ ગઇ છે. ટીએમસીના 58 ધારાસભ્યો મમતાથી અલગ થયા બાદ 20થી વધુ સાંસદોએ પણ બળવો પોકાર્યો છે.
કેવી રીતે ચારેયબાજુથી ભીંસ?
ચારેય તરફથી ભીંસમાં મુકાયેલા મમતાએ સોનિયા ગાંધી સમક્ષ ટીએમસીનો કોંગ્રેસમાં વિલય કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સોનિયાએ સ્વીકાર્યો પણ હોવાના અહેવાલ છે. જોકે, મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં મમતા માટે રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ માગ્યું હોવાનું કહેવાય છે. અભિષેકે રાહુલ સમક્ષ માગ કરી કે મમતાને કોંગ્રેસ રાજ્યસભામાં મોકલે અને રાજ્યસભામાં વિપક્ષનું પદ આપે એવી વાત છે. હાલમાં રાજ્યસભામાં વિપક્ષના મુખ્ય નેતાનું પદ મલ્લિકાર્જુન ખડગે પાસે છે. ખાસ કરીને કાકોલી ઘોષે બળવો પોકારીને મમતાથી અંતર જાળવતા મામલો બરોબર મમતાના નિયંત્રણની બાહર થઈ ગયો હતો.