Wed Jun 10 2026

Logo

મનોરંજનનું મેઘધનુષઃ વરુણ ધવન સગાવાદનું જીવતુંજાગતું ઉદાહરણ, છતાં બોલિવૂડમાં સ્થાન જમાવવાની કોશિશ

2026-06-05 11:54:00
Author: Umesh Trivedi
Article Image

ઉમેશ ત્રિવેદી

વરુણ ધવનની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ની રિલીઝ તારીખ નજીક આવતી જાય છે તેમ તેના વિવાદ વધતા જાય છે. આ ફિલ્મનાં ગીત ‘ચુનરી ચુનરી અને ‘ઇશ્ક સોના હૈ’ સામે નિર્માતા વાસુ ભગનાનીને વાંધો પડ્યો છે અને તેણે ડેવિડ ધવન તેમજ ‘ટીપ્સ’ના રમેશ તૌરાની સામે 400 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે.

આ બંને ગીત ‘બીવી નંબર વન’ ફિલ્મનાં છે અને તેના રાઇટ્સ વાસુ ભગનાની પાસે છે. વરુણ ધવન અભિનીત એની નવી ફિલ્મમાં તેની સાથે મૃણાલ ઠાકુર, પૂજા હેગડે અને મૌની રૉય જેવી ત્રણ-ત્રણ અભિનેત્રી છે. ડેવિડ ધવન દિગ્દર્શિત આ ફિલ્મ પાંચમી જૂને રિલીઝ થવાની છે.

વાસુ ભગનાનીએ આ ફિલ્મના ટાઈટલ સામે પણ વાંધો ઉપાડ્યો છે. ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ એ પણ તેમની ફિલ્મના ગીતનું મુખડું છે, જે ડેવિડ ધવને કોઈ પણ જાતની પરવાનગી વગર વાપર્યું છે. તેના માટે વાસુ ભગનાનીએ 100 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. આમ વરુણ ધવનની આ ફિલ્મ કમાણી કરશે ત્યારે ખરી, પણ અત્યારે તેની સામે 500 કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો છે.

24 એપ્રિલ 1987ના  કરુણા અને ડેવિડ ધવનને ત્યાં જન્મેલો એમનો દીકરો નંબર ટુ વરુણ  પંજાબી હિન્દુ કુટુંબનો છે. તેનો મોટો ભાઈ રોહિત ધવન પણ ફિલ્મ દિગ્દર્શક છે. મુંબઈમાં આવેલી બૉમ્બે સ્કોટીશ સ્કૂલમાં શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી વરુણે એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં 12મી સુધીનું ભણતર પૂરુંં કર્યું હતું. ત્યાર પછી તે ઇંગ્લૅન્ડમાં આવેલી નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં ભણવા ગયો, ત્યાં તેણે બિઝનેસ સ્ટડીઝમાં ડિગ્રી મેળવી.

એક સફળ દિગ્દર્શકનો પુત્ર હોવાને પગલે તેને અચાનક જ અભિનય કરવાની ચાનક ચડી, પણ પિતાના નામનો ઉપયોગ કરવો નહોતો એટલે ફિલ્મ દુનિયામાં તે સીધો હીરો તરીકે ન આવ્યો. તે ધારત તો પોતાની કારકિર્દીની શરૂઆત ડેવિડ ધવનની ફિલ્મથી જ કરી શક્યો હોત, પણ ફિલ્મ દુનિયાની જાણકારી મેળવવા માટે તે પહેલાં કરણ જોહરના સહાયક તરીકે જોડાયો.

શાહરુખ ખાન અભિનીત ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’ વખતે વરુણ કરણ જોહરનો સહાયક હતો. તે દરમિયાન તેણે ફિલ્મની બારીકાઈથી જાણકારી મેળવી. આ ફિલ્મ 2010માં આવી હતી અને આ ફિલ્મ પૂરી થયા પછી કરણ જોહરે તેને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી લૉન્ચ કર્યો. આ જ  ફિલ્મ દ્વારા વરુણની સાથે આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલહોત્રાને પણ લૉન્ચ કરવામાં આવ્યા હતા.

વરુણ ધવનની પહેલી જ ફિલ્મ સુપર ડુપર હિટ સાબિત થઈ હતી. ત્યાર પછી વરુણને એક પછી એક ફિલ્મો મળવા લાગી હતી. જોકે, તેમાંથી તેની કેટલીક ફિલ્મો ફ્લૉપ થઈ અને કેટલીક હિટ, પણ વરુણની એક છબિ ઊભી થઈ. તેની ગણના એક રોમાન્ટિક-કૉમેડી હીરો તરીકે થવા લાગી. ડાન્સમાં નિપુણતા એ તેનો વધારાનો ‘ઍડ્વાન્ટેજ’ હતો.


બીજી તરફ બદલાપુર, સૂઈધાગા, ઑક્ટોબર, ભેડિયા જેવી ફિલ્મોમાં વરુણને જોઈએ એવી સફળતા ન મળી, પણ એક અભિનેતા તરીકે, એક કલાકાર તરીકે તેની ઓળખ જામી ગઈ. બાકી દર વર્ષે બે કે ત્રણ ફિલ્મોની સાથે વરુણ ધવનની કૉમેડી ફિલ્મો સતત આવ્યા કરતી હતી. તેમાં બદરીનાથ કી દુલ્હનિયા, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, જુગ જુગ જિયો, જૂડવા-ટુ, કુલી નંબર વન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

વરુણે 24  જાન્યુઆરી 2021માં નતાશા દલાલ સાથે લગ્ન કર્યાં છે. નતાશા દલાલ એક ફૅશન ડિઝાઇનર છે અને વરુણ બૉમ્બે સ્કોટીશ સ્કૂલમાં છઠ્ઠા ગ્રેડ (છઠ્ઠા ધોરણ)માં ભણતો હતો ત્યારથી નતાશાને ઓળખતો હતો અને બંને ખૂબ સારાં ફ્રેન્ડ હતાં. લાંબા સમયથી એકબીજાને ઓળખતા હોવાને કારણે 2021માં તેણે નતાશા સાથે લગ્ન કર્યાં અને ત્રીજી જૂન 2024માંં તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો છે.

એક રીતે જોઈએ તો વરુણની કારકિર્દીમાં હિટ કરતાં ફ્લૉપ ફિલ્મોની સંખ્યા વધુ છે, પણ અભિનયને ગંભીરતાથી લેનારા વરુણને એક પછી એક ફિલ્મો મળ્યા કરે છે અને તેની કારકિર્દીની ગાડી દોડ્યા કરે છે. ડેવિડ ધવને ગોવિંદા, સલમાન ખાન, સંજય દત્ત જેવા કલાકારો સાથે અનેક હિટ ફિલ્મો આપી છે, પણ પોતાના પુત્ર વરુણ સાથે એવી ‘સુપરડુપર હિટ’ ફિલ્મ તેઓ આપી શક્યા નથી.

વરુણ અને ડેવિડ ધવનની જોડીએ અત્યાર સુધીમાં મૈં તેરા હીરો, જુડવા-ટુ, કુલી નંબર વન જેવી ફિલ્મો આપી છે, ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ આ જોડીની ચોથી ફિલ્મ છે અને અત્યારે બોલિવૂડમાં એવી વાતો ચગી છે કે 40 વર્ષની દિગ્દર્શક તરીકેની કારકિર્દી પછી હવે ડેવિડ ધવન આ ફિલ્મ પછી નિવૃત્ત થવાનું વિચારી રહ્યો છે,  પણ ભગનાની સાથેના વિવાદ પછી આ ફિલ્મનું ભાવિ અત્યારે ડામાડોળ છે.

વરુણ ધવને કારકિર્દીની શરૂઆત કચૉકલેટી હીરો તરીકે કરી હતી, પછી કેટલીક ફિલ્મોમાં તેણે પોતાની નૃત્યની ઝલક બતાવી, કેટલીક ફિલ્મોમાં તેણે પોતાની કૉમેડીની ઝલક બતાવી અને કેટલીક ફિલ્મોમાં તેણે અભિનય ક્ષમતા પણ સાબિત કરી છે. તેની કેટલીક ફિલ્મો ‘મલ્ટી સ્ટારર’ ફિલ્મો હતી જે ચાલી ગઈ છે, પણ તેની એકલા હીરો તરીકેની ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ પર પીટાઈ ગઈ છે. ત્યારે અત્યારે વરુણે નવેસરથી યોજનાબદ્ધ રીતે આગળ વધવાની જરૂર છે.

OTTનું હોટસ્પોટઃ 6 જૂનથી 12 જૂન સુધી શું-શું જોશો?

છ જૂનથી 12 જૂન દરમિયાન માધુરી દીક્ષિત-કરિશ્મા કપૂર-અક્ષયકુમાર અને જેનીફર લોપેઝની ફિલ્મો રજૂ થશે. આઈપીએલની સિઝન ખતમ થતાંની સાથે જ ઓટીટી પર નવી ફિલ્મો અને સિરીઝનું પ્રસારણ શરૂ થવાનું છે.

આ શનિવારે છઠ્ઠી જૂનથી સોની ટી.વી. અને સોની લીવ પર ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની પાંચમી સીઝન શરૂ થઈ રહી છે, જેમાં જજ તરીકે ગીતા કપૂર, કરિશ્મા કપૂર, ટેરેન્સ લુઈસ અને જાવેદ જાફરી જોવા મળશે. આ કાર્યક્રમ સોની પર શનિ-રવિના રજૂ થશે.

*નેટફ્લિક્સ: આ ઓટીટી ચૅનલ પર ચોથી જૂને ‘મા-બહેન’ નામની ફિલ્મનું પ્રસારણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ સીધી જ ઓટીટી પર રજૂ કરવામાં આવી છે. એમાં માધુરી દીક્ષિત, તૃપ્તી ડીમરી અને રવિ કિસન જેવા કલાકારો છે. અહીં પાંચ જૂને જેનીફર લોપેઝ અને બ્રેટ ગોલ્ડસ્ટીન અભિનીત ‘ઑફિસ રોમાન્સ’ નામની સિરીઝ રજૂ થશે તો 10 જૂને ઇટાલિયન ડ્રામા ‘માય ફૅમિલીની બીજી સિઝન રજૂ થશે.
 
11 જૂને અહીં જાપાનીઝ એનિમેટેડ સિરીઝ ‘વાઈરલ હીટ’ રજૂ થશે, તો 12 જૂને અક્ષય કુમારની અત્યારની સુપરહિટ ફિલ્મ ‘ભૂત બંગલા’નું પ્રસારણ શરૂ થશે. અક્ષય કુમારના ડબલ રોલવાળી આ ફિલ્મના અન્ય કલાકારો વામિકા ગબ્બી, મિથુન ચક્રવર્તી, પરેશ રાવલ, તબ્બુ, મનોજ જોશી, રાજપાલ યાદવ અને મિથિલા પારકર છે.

*ઝી-ફાઈવ: અહીં આજે (શુક્રવારે) પાંચમી જૂને કરિશ્મા કપૂર અભિનીત ‘મર્ડર મિસ્ટ્રી બ્રાઉન’નું પ્રસારણ શરૂ થશે. આ ફિલ્મમાં કરિશ્મા કપૂર પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. અહીં જ આજે ‘ગુલ્લકની પાંચમી સિઝનનું પ્રસારણ પણ શરૂ થવાનું છે.

*જિયો હોટસ્ટાર: અહીં આજથી ‘ધુરંધર-પાર્ટ ટુ-ધ રિવેન્જ’નું પ્રસારણ શરૂ થશે. રણવીર સિંહ, આર. માધવન, સંજય દત્ત, અર્જુન રામપાલ, રાકેશ બેદી અને સારા અર્જુનની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ અત્યારે પણ બૉક્સ ઑફિસ ગજાવી રહી છે.