Wed Jun 10 2026

Logo

પશ્ચિમ એશિયાની કટોકટીની ગત એપ્રિલ મહિનાની ચાની નિકાસ દબાણ હેઠળ છતાં ટી બોર્ડને ગત સાલની સમકક્ષ નિકાસ થવાનો આશાવાદ

2026-06-10 20:21:20
Author: Ramesh Gohil
Article Image

કોલકતાઃ અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ગત એપ્રિલ મહિનામાં દેશની ચાની નિકાસ દબાણ હેઠળ આવી હોવા છતાં જો પરિસ્થિતિમાં સુધારો થતાં ભૂરાજકીય તણાવ હળવો થાય અને નિકાસ બજાર વિકેન્દ્રિત કરવામાં આવે તો વર્તમાન નાણાકીય વર્ષમાં નિકાસ ગત સાલની સમકક્ષ રહે તેવો આશાવાદ ટી બોર્ડે વ્યક્ત કર્યો છે. 

ટી બોર્ડના નાયબ અધ્યક્ષ સી મુરુગને જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશની ચાની નિકાસ સાત ટકાના દરે વધીને 28.211 કરોડ કિલોગ્રામની સપાટીએ રહી હતી, જેમાં પશ્ચિમ એશિયા ખાતેની નિકાસ 11.5 કરોડ કિલોગ્રામની રહી હતી અને નિકાસ રળતર આગલા નાણાકીય વર્ષની સરખામણીમાં 12 ટકા વધીને રૂ. 8718.83 કરોડની સપાટીએ રહ્યું હતું. જોકે, તાજેતરના મહિનાઓમાં પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે મંદ વલણ જોવા મળી રહ્યું છે અને ગત એપ્રિલમાં નિકાસનાં વૉલ્યૂમમાં ત્રણથી ચાર ટકાનો ઘટાડો થયો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. 

ગત જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિકગાળામાં ચાની નિકાસમાં ગત સાલના સમાનગાળાની તુલનામાં 1.4 કરોડ કિલોગ્રામનો ઘટાડો થયો છે જે દરિયાપારની બજારો વિક્ષેપિત થઈ હોવાનો સંકેત આપે છે. જોકે, આ પડકારો હોવા છતાં જો પશ્ચિમ એશિયાની સ્થિતિમાં સુધારો આવે અને બજાર વૈવિધ્યકરણના પ્રયાસો સફળ રહે તો નિકાસ ગત નાણાકીય વર્ષની સપાટીએ પહોંચે તેવી શક્યતા મુરુગને વ્યક્ત કરી હતી. નિકાસમાં ઘટાડો તાજેતરના મહિનામાં જોવા મળ્યો હોવાથી આ આપણે આશાવાદી રહેવું જોઈએ, એમ તેમણે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું. 

ગત એપ્રિલ મહિનામાં નિકાસના વૉલ્યૂમ દબાણ હેઠળ અને મૂલ્યની દૃષ્ટિએ સ્થિરતા જોવા મળી છે કારણ કે આપણા નિકાસકારો પેકેજિંગ અને પ્રોસેસિંગ મારફતે મૂલ્યવર્ધન કરી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નિકાસકારોએ ચીન, ઉત્તર આફ્રિકા, કેનેડા અને ઈજિપ્ત જેવી બજારોનું વૈવિધ્યકરણ કર્યું હોવાથી મધ્યપૂર્વની મુખ્ય બજારના જોખમો હળવા થયાં છે. આ ઉપરાંત લિલામમાં ઓર્થોડોક્સ ચાની વેરાઈટીના ભાવમાં વધારો થવાથી વર્તમાન નાણાકીય વર્ષમાં ચાની નિકાસ મૂલ્યમાં પણ વધારો જોવા મળશે. 
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલ મહિનામાં દેશમાં ચાનું ઉત્પાદન એપ્રિલ, 2025નાં 9.9 કરોડ કિલોગ્રામ સામે વધીને 10.4 કરોડ કિલોગ્રામની સપાટીએ રહ્યું હતું.