નવી મુંબઈ: નવી મુંબઈ પોલીસ વિભાગમાં કાર્યરત પંચાવન વર્ષના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરે (એએસઆઇ) ઐરોલી વિસ્તારમાં આવેલી લોજની રૂમમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. મૃતકની ઓળખ પાંડુરંગ પાટીલ તરીકે થઇ હતી, જે ઐરોલીનો રહેવાસી હતો. આત્મહત્યા પૂર્વે તેણે વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
એએસઆઇ પાટીલે નવ પાનાંની સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં ભૂતપૂર્વ ડીસીપી, એસીપી ઉપરાંત એડમિનિસ્ટ્રેશન હૅડ ક્લર્ક પર ફરજ દરમિયાન ત્રાસ આપવા તેમ જ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો આરોપ લગાવ્યો હતો.
પાટીલે શનિવારે ઐરોલીની સાચી લોજમાં ચેક-ઇન કર્યું હતું. સાંજે 7.30 વાગ્યાની આસપાસ ત્યાંના હાઉસકીપિંગ સ્ટાફે રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો, પણ અંદરથી કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. આથી તેણે લોજના મેનેજરને આની જાણ કરી હતી.
દરમિયાન મેનેજરે બીજી ચાવીથી રૂમનો દરવાજો ખોલતાં પાટીલ અંદર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેને પગલે પોલીસને જાણ કરવામાં આવતાં અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પાટીલના મૃતદેહને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે વધુ તપાસ આદરી હતી.