સુરતઃ અમદાવાદ બાદ સુરત શહેરમાં મેટ્રો ટ્રેન દોડવવા માટેની વિધિવત્ તૈયારી હાથ ધરી દેવામાં આવી છે. આશરે ₹ 12,000 કરોડના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રવાસીઓને નિર્ધારિત સ્થળ સુધી પહોંચાડવા માટે સુરત મહાનગર પાલિકા (એસએમસી)એ લાસ્ટ માઈલ ક્નેક્ટિવિટી માટેની આખી રૂપરેખા તૈયાર કરી રાખી છે.
પ્રવાસીઓને સરળતાથી શહેરમાં અંદર જવાના એપ્રોચ મળે અને સરળતાથી બીજા સાધનો મળી રહે એ માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ નવા માસ્ટર પ્લાન અંતર્ગત ફીડર ટ્રાન્સપોર્ટના અભાવ ઊભો ન થાય એ માટે અગાઉથી જ પગલાં લેવાઈ રહ્યા છે. સુરત મેટ્રોમાં ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ થયા બાદ અન્ય ક્નેક્ટિવિટી પર ખાસ ફોક્સ કરવામાં આવશે.

ખાસ ડેડિકેટેડ સ્ટોપેજ બનશે
એકવાર પ્રવાસી જે તે સ્ટેશન પર ઊતર્યા બાદ તેને સુરત શહેરની સિટી બસ મળી રહે અને અન્ય વાહન-સાધન મળી એ પ્રકારની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. વ્યક્તિ તેના ઘર અને ઓફિસ સુધી પહોંચે એ પ્રાથમિકતા આપવામાં આવી છે.
મલ્ટિમોડલ ટ્રાંસપોર્ટ સુવિધા, રિક્ષા એપ્રોચ અને ખાસ ડેડિકેટેડ સ્ટોપેજ ઊભા કરવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. સુરત કોર્પોરેશને પહેલા તબક્કામાં જે પ્રોજેક્ટ નક્કી કર્યા છે એ નાના પણ અતિ મહત્ત્વના છે. 7 સ્ટેશન તૈયાર કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર એક સર્વે શરૂ કર્યો છે. મેટ્રોના બે કોરિડોર પર 38 સ્ટેશન ઊભા કરતા પહેલા દરેક ક્નેક્ટિવિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં પ્રવાસીઓની મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે સ્ટેશનની સાથે સુરક્ષાના પગલાં પણ ચકાસવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓના જે તે સ્ટેશન પર દૈનિક ફ્લો, રશ અવર્સ, ડેઈલી ફ્રિક્વન્સી અને એપ્રોચ એમ કુલ સાત માપદંડો પર કામ થશે. લોકલ ટ્રાન્સપોર્ટના ક્યા સાધનથી તેઓ મેટ્રો સુધી પહોંચી શકે અને ડ્રોપ વખતે કેવી સરળતા રહે એ માટે ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે.

દરેક સ્ટેશનેથી મળશે ક્નેક્ટિવિટી
આ પ્રાથમિક ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ જ એક આંતરમાળખું તૈયાર કરવામાં આવશે, જે રીતે અમદાવાદમાં કોનકોર્સ છે એ રીતે પહેલા સ્ટેશન સાથે કોનકોર્સ શરૂ કરાશે. જ્યાંથી પ્રવાસીઓને જે તે સ્ટેશનની ટિકિટ મળી રહેશે. સુરતના ટ્રાંસપોર્ટ પર કરવામાં આવેલા એક અભ્યાસમાંથી વિગત જાણવા મળી છે કે મેટ્રો સુધી માત્ર સિટી બસ કે બીઆરટીએસથી મુસાફરો પહોંચી શકશે નહીં, આ માટે રિક્ષાના એપ્રોચને પ્રાથમિકતા આપી છે. આ સાથે અન્ય ખાનગી વાહનોનું સંકલન બની રહે એ રીતે રૂટ પોઈન્ટ આપવાની યોજના છે.
ટ્રાન્સપોર્ટના સંચાલકો સાથે બેઠક યોજીને ભાડાં નક્કી કરાશે
આ માટે ખાસ પોલીસ અને સ્થાનિક રિક્ષા યુનિયનને સાથે રાખીને પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. દરેક સ્ટેશન માટે સ્પેસિફિક ટ્રાન્સપોર્ટ પ્લાન અમલી બનાવાશે. દરેક સ્ટેશનની બાહર પાર્કિંગ સ્પેસ, ડ્રોપિંગ પોઈન્ટ તથા ગીત વિસ્તારમાં ટ્રાફિક ન થાય એ મુદ્દાને પ્રાથમિકતા અપાશે. સામાન્ય રીતે એવી ફરિયાદ હોય છે કે, મેટ્રોની આસપાસ મનફાવે એવા ભાડાંની વસૂલાત કરવામાં આવતી હોય છે. આ માટે રિક્ષા એસો. અને અનય ખાનગી ટ્રાન્સપોર્ટના સંચાલકો સાથે બેઠક યોજીને ભાડા પણ નક્કી કરવામાં આવશે.
21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલાં સ્ટેશનનું નિર્માણ કરાશે
આ ઉપરાંત પાર્કિંગની સમસ્યા ન થાય અને પ્રવાસીઓ સરળતાતી વાહન પાર્ક કરીને જે તે સ્થળ સુધી સવારી કરી શકે એ માટે ખાસ આયોજન કરાશે. સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલાં સ્ટેશનનું નિર્માણ કરાશે. ભેસાણથી સારોલી 18.74 કિ.મી. વિસ્તારમાં 18 જેટલાં સ્ટેશનનું નિર્માણ કરાશે.
ડ્રીમ સિટીથી લઈને સુરત સ્ટેશન સુધી 9 રેક ચાલશે
BRTS સ્ટેશનોમાંથી ટિકિટ ખરીદીને મેટ્રોમાં સફર કરી શકાશે લાઈન એક પર ડ્રીમ સિટીથી લઈને સુરત સ્ટેશન સુધી પહેલી લાઈનમાં 9 રેક ચાલશે. સુરત મેટ્રોમાં ઈન્ટ્રિગ્રેટેડ સિસ્ટમ હશે. દરેક સ્ટેશન પર 6-6 મિનિટે આવશે. હાલમાં આ ટાઈમ ઈન્ટરવલ નક્કી કરવામાં આવ્યો છે. આગળ જતા પ્રવાસીઓના ફ્લોને ધ્યાન લઈને આ સમયમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે.