Wed Jun 10 2026

Logo

ગુરુવારથી ફૂટબૉલનો મહાકુંભ

Mexico   2026-06-10 21:02:52
Author: Ajay Motiwala
Article Image

સૉકરના રોમાંચ અને રસાકસીના આરંભનો સમય આવી ગયોઃ ગુરુવારે મધરાત બાદ 12.30 વાગ્યાથી મેક્સિકો-સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ મૅચ

મેક્સિકો સિટીઃ ફૂટબૉલની સર્વોચ્ચ ટૂર્નામેન્ટ `ફિફા વર્લ્ડ કપ'નો ગુરુવારે આરંભ થઈ રહ્યો છે જેમાં પ્રથમ મૅચ યજમાન મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે (ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.30 વાગ્યે) રમાશે. 19મી જુલાઈ સુધી (39 દિવસ સુધી) ચાલનારા સૉકરના આ મહાકુંભમાં આર્જેન્ટિના ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમશે. ભારતીય સમય મુજબ મોટા ભાગની મૅચો મોડી રાતે રમાવાની છે એ જોતાં ભારતમાં અસંખ્ય સૉકરપ્રેમીઓ ઉજાગરા કરીને પણ મૅચો જોશે એમાં બેમત નથી. ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્લ્ડ કપની મૅચો પ્રસારિત કરવા માટે ઝી ચૅનલના માલિકોએ ફિફા સાથે કરાર કર્યા હોવાનો અહેવાલ મળ્યો હતો.

1962માં બ્રાઝિલે બૅક-ટૂ-બૅક વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું ત્યાર બાદ કોઈ પણ દેશ સતત બે ટૂર્નામેન્ટમાં ટાઇટલ નથી જીતી શક્યો. જોકે આ વખતે આર્જેન્ટિનાને તક છે, કારણકે તેઓ 2022માં ચૅમ્પિયન બન્યા હતા.

ભારતમાં ક્રિકેટનો સૌથી વધુ ક્રેઝ છે, પરંતુ ફૂટબૉલના ચાહકો પણ કરોડોમાં છે. ખાસ કરીને ચાર વર્ષે ફિફા વર્લ્ડ કપ આવે ત્યારે દેશભરમાં ફૂટબૉલપ્રેમીઓ તેમના મનપસંદ ખેલાડી કે ગમતી ટીમની મૅચ જોવા માટે પ્લાનિંગ કરી રાખતા હોય છે. જેમ ક્રિકેટના વર્લ્ડ કપ કે આઇપીએલ દરમ્યાન બીજી બધી મૅચો અને સિરીઝો ઝાંખી પડી જતી હોય છે એવું ફિફા વર્લ્ડ કપની બાબતમાં પણ બનતું હોય છે. આ વિશ્વ કપ દરમ્યાન અન્ય તમામ રમતોની મૅચો દ્વિતીય કક્ષાની બની જશે.

શું તમે આ જાણો છો?

* અર્લિંગ બ્રૉટ હાલૅન્ડ ફિફા વર્લ્ડ કપ-2026માં તેના દેશ નોર્વેનું પ્રતિનિધિત્વ કરશે. તે ફિફા વર્લ્ડ કપ રમનાર એક જ પરિવારની બીજી પેઢીનો ખેલાડી બનશે. તેના પિતા અલ્ફ-ઇંગે હાલૅન્ડ 1994માં નોર્વે વતી રમ્યા હતા.

* વિશ્વ કપમાં સૌથી ઝડપે ગોલની હૅટ-ટ્રિક નોંધાવવાનો રેકૉર્ડ હંગેરીના લાસ્જલો કિસના નામે છે. તેણે 1982માં અલ સાલ્વાડોર વિરુદ્ધ સાત મિનિટની અંદર (69થી 76મી મિનિટની અંદર) ત્રણ ગોલ કર્યા હતા.

* મેક્સિકોનો ગિલ્બર્ટો મોરા ફૂટબૉલ વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી યુવા ખેલાડી છે. તેની ઉંમર 17 વર્ષ 240 દિવસની છે. સ્કૉટલૅન્ડનો ક્રેગ ગૉર્ડન સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તેની ઉંમર 43 વર્ષ 162ની છે.

* 1994ના વર્લ્ડ કપમાં જૅક ચાર્લટને ખેલાડીઓ માટે પાણી માટે બે્રક માગીને ફિફા સાથે પંગો લીધો હતો. ત્યારે અસહ્ય ગરમી હોવા છતાં ખેલાડીઓને પાણી પીવાની છૂટ નહોતી. જોકે ત્રણ દશક બાદ 2026માં નિયમ બદલાઈ ગયો છે.

* મેસી, રોનાલ્ડો અને મેક્સિકોનો ગોલકીપર ગુઇલેર્મો ઑચોઆ એવા માત્ર ત્રણ પ્લેયર છે જેમનો આ છઠ્ઠો ફિફા વર્લ્ડ કપ છે અને એ વિશ્વવિક્રમ છે.

* અમેરિકાની શનિવારની પહેલી જ મૅચમાં બબાલ થવાની હતી, પણ હવે સમસ્યા ઉકેલાઈ ગઈ છે. કૅલિફોર્નિયામાં પારાગ્વે સામે અમેરિકાની પ્રથમ મૅચ (ભારતીય સમય મુજબ સવારે 6.30 વાગ્યાથી) જ્યાં રમાવાની છે એ કૅલિર્ફોનિયાના સ્ટેડિયમના કર્મચારીઓએ હડતાળ પર ઊતરવાની ધમકી આપી હતી. જોકે વધુ વેતન અને વધુ સુરક્ષાની લેખિતમાં ખાતરી મળતાં તેમણે હડતાળ પાછી ખેંચી લીધી છે.