Wed Jun 10 2026

Logo

જિંદગી સાઈકલ જેવી, જેટલાં પેડલ મારશો એટલા આગળ... વધશો!

2026-06-05 11:47:00
Author: Arvind Vekariya
Article Image

અરવિંદ વેકરિયા

દિનુમામા રાજકોટ-સૌરાષ્ટ્રના પહેલા શોનાં પગરણ માંડે એ પહેલાં પગની ઉપાધી આવી પડી. ઉપાધી એમને શારીરિક તો હતી, પણ માનસિક વધારે હતી. એ ગીલ્ટ અનુભવતા હતા કે મારે કારણે નાટક સફર થશે. સાથે કલાકારોને પણ ચિંતા હતી કે આ હાલતમાં નાટકનો ‘ટેમ્પો’ કેમ જળવાશે? ખુશી પારકી હોય છે, બધામાં વહેંચવી પડતી હોય છે, દર્દ માત્ર આપણું હોય છે જે દિલમાં રાખવું પડે છે. કઈક આવી મનોદશા દિનુમામાની હતી.

બે-ત્રણ કલાક પછી ભાટિયા ઍન્ડ ગ્રુપ દિનુમામાને લઈને હોટલ ઉપર આવી ગયા. ઓછામાં ઓછું 15-20 દિવસ માટે પગમાં પ્લાસ્ટર આવ્યું હતું. નાટક કૉમેડી, થોડું સ્લેપ્સ્ટિક પણ... હવે દિનુમામા કઈ રીતે ભજવશે એ ચિંતાનો વિષય બધા માટે હતો.

આજના શો પછી બીજા પણ શો હતા એ પછી અમદાવાદ તો ખરું જ... દિગ્દર્શક સાથે બધા પોતાની કાબેલિયત પ્રમાણે સલાહ આપતા હતા. માણસને માણસ નહિ જાણે મદારી થવું ન હોય.. પોતાને ઈશારે નચાવવા માગે. વાત તો શો રદ કરવા સુધી પહોંચી ગઈ. દિનુમામા મક્કમ હતા. જો આ એક શો કૅન્સલ થાય તો પછી તો શોની ‘લાઇન’ હતી એ માટે પણ મનોબળ તૂટી જાય. એક વાર હિંમત કરવી પડે. 

‘પહેલો ઘા રાણાનો’.. ‘શો મસ્ટ ગો ઑન’ સાથે ઝુકાવવાનું નક્કી કર્યું. માતબર સંસ્થાને લઈ દિનુમામા અંદર ને અંદર શોશવાતા હતા. આમ પણ દિનુમામા એકદમ સરળ. આટલા સિનિયર હોવા છતાં જરૂરથી વધારે માગવું  નહિ, આડું આવવું નહિ, કોઈ ‘ઍટિટ્યુડ’ બતાવવી નહીં. એમની શો કરવાની ધગશ કદાચ એમનું દર્દ ભુલાવી દેતી હશે, કોને ખબર!

સાંજે બધા થિયેટર પર વહેલા ગયા. ત્યારે હેમુ ગઢવી હૉલ અસ્તિત્વમાં નહોતો. ‘લેડીઝ ક્લબ’ના ઓપેનઍર ગ્રાઉન્ડમા શો થતા. આગળ-પાછળ બીજા શોનું ટન્શન ન હોવાથી સેટ લાગી ગયો હતો. દિનુમામાએ પોતાની રીતે મૂવમેન્ટ કરી જોઈ. થોડો ખચકાટ તો હોય પણ આત્મવિશ્વાસ ગજબનો હતો, હા પેન કિલર ગોળી તો લેવી જ પડી.

શો શરૂ થયો. બધાના જીવ પડીકે બંધાયા હતા. અગાઉના શોમાં જે રિસ્પૉન્સ જોયો હતો એ જોવા મળશે કે એમાં ‘ઘટાડો’ જોવા મળશે? આવા સમયે પીડિત વ્યક્તિ પોતાની રીતે હિંમત એકઠી કરતી હોય છે પણ સાથી કલાકારોએ પણ પોરસ ચડાવવો જોઈએ. કોઈને દુ:ખ પહોંચાડવું એટલું સહેલું છે જેમ કે ઝાડ પરથી પાંદડાં તોડવાં, પરંતુ કોઈને ખુશ કરવા એટલે એક ઝાડને ઉગાડવા જેવું. એમાં ઘણો સમય, દેખભાળ અને ધૈર્ય રાખવું પડે. અત્યારે બધા દિનુમામાને ધૈર્ય આપવામાં કાર્યરત હતા.

ત્રીજી ઘંટડી વાગી અને શો શરૂ થયો. બધા કલાકારો એક ચિંતા લઈને બેઠા હતા. બધાની નજર દિનુમામા પર હતી, સાથે સંવેદના પણ. દિનુમામા ‘ભડવીર’ની જેમ પરફૉર્મ કરતા હતા. નવાઈની વાત એ હતી કે આ આવી પડેલ ‘ઉપાધી’ની જાણ નાટકની શરૂઆત પહેલા ઑડિયન્સને કરી દીધેલ એટલે એમની પણ સહાનુભૂતિ ભળી ગઈ. 

દિનુમામા પૉઝિટિવ હતા. તમે દુ:ખ પર ધ્યાન આપશો તો દુ:ખી થશો, સુખ પર ધ્યાન આપશો તો સુખી થશો. જેના પર ધ્યાન રાખીએ એ વસ્તુ સક્રિય થઈ જાય છે અને જીવનમાં પ્રવેશી જાય છે, દિનુમામાએ કદાચ આ વસ્તુ મનમાં રાખી અને એટલે જ નાટકનો પ્રતિસાદ ક્રમશ: જબરજસ્ત આવતો ગયો. પીડાનો પથ્થર દિનુમામાને પગથિયું બનાવતાં આવડી ગયું એટલે મંજિલ સુધી પહોંચવામાં સરળતા રહી.

શો પૂરો થયો. બધા દિનુમામાને ઘેરી વળ્યા. અભિનંદનના ધોધ વહેવા લાગ્યા. દિનુમામા દુખતા પગે ઇન્ટેન્સિટી સાથે પરફોર્મ કરી થાકીને બેસી ગયા હતા. દિનુમામાની એકદમ નજીક, ‘બહુરૂપી’ વખતથી હતો. હું એમને પગે લાગી રડી પડ્યો. મને કહે, ‘દીકરા, રડવાનું નહિ, હસવાનું... નાટક સારું ગયું. જિંદગી સાઈકલ જેવી છે, જેટલાં પેડલ મારશો એટલાં આગળ વધશો. મેં તૂટેલા પગે નાટકની સાઈકલને પેડલ માયાર્ં અને પરિણામ આપણી સામે છે.’

રાજકોટના 3 શો પતાવી ફરી પાછા અમદાવાદ પાછા ફર્યા. એ પહેલાં દિનુમામાની ડૉક્ટર સાથે મીટિંગ કરી આગળની દવા માટે પૂછી લીધું. આખો સંઘ (યુનિટ) રાજકોટમાં વિજયધ્વજ લહેરાવી ફરી અમદાવાદ આવી ગયા. પહેલા અમે અમદાવાદમાં ‘આરામ’ હોટેલમાં ઊતરતા અને પ્રોડક્શન યુનિટ એક અખબારની બાજુમાં આવેલ ‘ડાયમંડ હોટલ’મા ઊતરતું. હવે દિનુમામાનું ધ્યાન રાખવાનું હતું. નટવર ભાવસાર અને ભાટિયા હોય તો વધુ ધ્યાન રાખી શકે. સુરેશ રાજડાએ મને મામા સાથે રહેવા કહ્યું.

આમ પણ ‘આરામ’માં થતી ગામની કુથલીમાં મેં મન વગર ‘હા’ પાડી મને પાપમાં પડતો હોઉં એવું લાગ્યા કરતું. આ તો ભાવતું હતું ને વૈદે કહ્યું. સાથે સુરેશ રાજડાએ એક ટકોર પણ કરી કે દિનુમામાનું ધ્યાન રાખજે વધારે ‘પીવે’ નહિ... આ મારા માટે મોટી જવાબદારી હતી. અમદાવાદ આવી હું દિનુમામા અને પ્રોડક્શન યુનિટ સાથે ડાયમંડ હોટલમાં આવ્યા. કલાકારો બધા ‘આરામ’માં.

દિનુમામા ખૂબ પ્રેમાળ. હવે તૂટેલા પગે એમનો આત્મવિશ્વાસ ખૂબ વધારી દીધો હતો, પહેલા શો પછી. શો રાત્રે પૂરો થાય પછી હું ફ્રેશ થઈ બધા સાથે જમવા બેસતો. એ દરમિયાન  દિનુમામા પોતાનું ‘ક્વાર્ટર’ પતાવી લેતા. પછી એમના કહ્યા પ્રમાણે એમની થાળી તૈયાર કરી રૂમમાં આપતા. જમ્યા પછી મામા જૂની-જૂની વાતો કરતાં નિંદ્રાધીન થતા.

શો ચાલતા રહેતા. ત્યાં ટાગોર અને ઠાકોરભાઈ હૉલમાં ભજવાતા રહેતાં. હવે પ્લાસ્ટર પણ મામાના પગમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. એક સવારે અચાનક 4-4.30 વાગ્યે મારી ઊંઘ ઊડી ગઈ. મેં સામેના પલંગ પર જોયું તો...

ગામડાની સ્ત્રીઓ રાત્રે જમતી વખતે પતિની રાહ જોતી કે એ આવશે પછી જમીશું.
શહેરની મહિલા પણ પોતાના પતિની રાહ જુવે છે કે એ લાવશે તો જમીશું...