મુંબઈઃ આલિયા ભટ્ટ, બોબી દેઓલ, અનિલ કપૂર અને શરવરી વાઘને ચમકાવતી યશરાજ બેનરની ફિલ્મ 'આલ્ફા'નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ટીઝર જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી ચર્ચા આના કોન્ટેંટની થઈ રહી છે. ઘણા દર્શકો કહે છે કે, ટીઝરનો પહેલો સીન જ હોલિવૂડની જાણીતી ફિલ્મનો કોપી સીન છે. તો કોઈ આલિયાને 18 વર્ષની હોવા પર કોમેન્ટ કરી રહ્યા છે. ઓવરઓલ ચર્ચા સ્પાય ફિલ્મ પર આવીને અટકી છે. પણ મામલો અહીંયાથી અટકતો નથી. કિંગ ખાન-શાહરૂખ ખાને જ્યારે આલિયાના વખાણ કરતી પોસ્ટ મૂકી ત્યારે આ મુદ્દાને પાંખ ફૂટી. પણ કિંગખાનની વાત પર ફેન્સ હવે સામા પ્રશ્નો કરી રહ્યા છે.
શું છે આખો મામલો?
શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર 'આલ્ફા' ફિલ્મનું ટીઝર શૅર કરીને આલિયાના વખાણ કર્યા છે. એક્ટરે લખ્યું કે, વેલડન આલિયા, અત્યાર સુધી દિલ તોડ્યા બાદ હવે હાડકા તોડવા સુધીની તારી સ્કિલ વધી રહી છે. પછી ફિલ્મની ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. મામલો હવે શરૂ થાય છે. આ પોસ્ટ મૂક્યા બાદ ફેન્સે કિંગખાનને સણસણતા સવાલ પૂછી લીધા છે. નેટીઝને આ જ પોસ્ટ પર કોમેન્ટમાં લખતા પોતાની ભડાશ કાઢી છે. એક યુઝરે લખ્યું કે, કોલંબિયાના, કેટ અને ડોમ કરીને ગ્રાઈન્ડ કરી દો ત્યારે આવું જ જોવા મળે છે. એક યુઝરે લખ્યું કે, થોડા મહિના પહેલા ફિલ્મ 'ધુરંધર' પણ રીલિઝ થઈ હતી. એ સમયે આપ ક્યાં હતા? હકીકત એ પણ છે કે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે દુનિયાભરમાંથી ફિલ્મને વાહવાહી મળી રહી હતી, એ સમયે શાહરૂખ ખાન મૌન હતો..

કોપી કરેલા સીન પર કોમેન્ટ
એક યુઝરે એવું લખ્યું કે, 'ધુરંધર' ફિલ્મ માટે કંઈ ન લખ્યું અને આવી કાર્ટુન જેવી ફિલ્મ માટે એક પેરેગ્રાફ લખી કાઢ્યો? અન્ય એક યુઝરે મેકર્સની મેકિંગ ફોર્મેટ પર વાર કર્યો, કહ્યું કે સ્પાય યુનિવર્સમાં નવા ચહેરાઓ જોડાઈ રહ્યા છે પણ ટેમ્પેટ એ જ છે. ઓપનિંગ સીન પણ કોપી કરેલો છે. અન્ય એક યુઝરે રણવીર સિંહનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, ''મૈં ભી એક સ્પાય હું, મેરી ભી થોડી તારીફ કર દો'' આ ફિલ્મ માટે આલિયાએ સારી એવી મહેનત કરી છે પણ મામલો ત્યારે વિવાદમાં આવ્યો જ્યારે ફિલ્મનું ટીઝર સામે આવ્યું. માત્ર આલિયા ભટ્ટ જ નહીં શાહરૂખ ખાને બોબી દેઓલના પણ વખાણ કર્યા હતા.

બોબી દેઓલના વખાણ કર્યા
કિંગ ખાને લખ્યું કે, બોબી જ્યારે નેગેટિવ રોલ પ્લે કરે છે ત્યારે તે વધારે પ્રભાવશાળી લાગે છે. હકીકત એ છે કે, લોકો આલિયા કરતા બોબી દેઓલના લૂક્સ અને એક્શનના દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ 3 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. ટીઝર પરથી એક્ઝેટ ખ્યાલ આવતો નથી કે, વાર્તા શેના પર છે. એક્શન સિક્વન્સ અને મારધાડ સાથે ટીઝર શરૂ થાય છે અને બાળપણની ઝલક દેખાડતા વીડિયો સાથે વાત આગળ વધે છે. એક્શનથી ભરપૂર ફિલ્મ હશે એ તો નક્કી છે પણ સ્પાયની થીમને લઈને અનેક દર્શકોના મનમાં પ્રશ્નો થઈ રહ્યા છે. થોડા સમય પહેલા 'ધરંધર' ફિલ્મ આવી ત્યારે સ્પાયની જર્નીની ઝલક જોવા મળી હતી, જેની ડીટેઈલિંગના આજે પણ વખાણ થઈ રહ્યા છે.

ટ્રેલરની જોવાતી રાહ
એવામાં હવે સ્પાય તરીકે આલિયાને ફ્રેમ કરતી ફિલ્મ આગળ વધશે તો એ આ ઈમેજમાં ફીટ બેસે છે કે, નહીં એ તો ફિલ્મ જોયા બાદ ખ્યાલ આવશે. આલિયાને એક નાનકડા બ્રેક પછી સારી ફિલ્મમાં કામ કરવાનો ચાન્સ મળ્યો છે. ફિલ્મનો વિષય પણ દમદાર હોવાનું માનવામાં આવે છે. પણ ઘણા ફેન્સ આલિયાના અવતારથી આશ્ચર્યમાં છે. ફાઈટિંગ સીન અન્ય ફિલ્મ કરતા ઘણા અલગ છે અને આખરે ક્યા મિશન પર આલિયા નીકળી છે એ ટ્રેલર આવ્યા બાદ જ જાણી શકાશે.