Thu Oct 01 2026

Logo

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ  હાઇવે પર લકઝરી બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 7ના મોત, સાઇદર્શન ટ્રાવેલ્સની હતી બસ

2026-09-30 10:31:56
Author: Mumbai Samachar Team
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ  હાઇવે પર લકઝરી બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 7ના મોત, સાઇદર્શન ટ્રાવેલ્સની હતી બસ

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 7 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આણંદ-નડિયાદ વચ્ચે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતથી રાજસ્થાન જઈ રહેલી ખાનગી બસને ઓવરટેકિંગ લેનમાં અકસ્માત નડતા 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. 

અકસ્માત સર્જાયો તે સમયે બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. અચાનક જ મોટા ધડાકા સાથે બસ ટ્રક સાથે અથડાતાં જ મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી ઊંઘમાંથી જાગેલા મુસાફરોમાં ભારે ગભરાટ અને ભય ફેલાઇ ગયો હતો. 

આ બનાવ અંગે માહિતી મળતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે તમામ 5 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તોમાં સામેલ અને સુરતના રહેવાસી ધનેશ જાદવે જણાવ્યું હતું કે, તેઓ સુરતથી બસમાં બેઠા હતા અને વહેલી સવારે અચાનક જોરદાર ધડાકો થયો હતો. બસમાં સવાર તમામ લોકો ઊંઘમાં હતા તે સમયે જ આ દુર્ઘટના ઘટી હતી અને ચારેય તરફ બૂમાબૂમ થઈ ગઈ હતી.

પરીવારજનોના જણાવ્યા અનુસાર, રાત્રે સવા ત્રણ વાગ્યે અકસ્માત થયો હોવાનો તેમને કોલ આવ્યો હતો. જેમાં તેમના  બનેવીનું મોત થયાની તેમને જાણ થઇ હતી. જેથી તેઓ તાત્કાલિક સુરતથી અહીંયા આવ્યા હતા.

હાલમાં પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પર અસર પડી હતી, પરંતુ પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.