Wed Jun 10 2026

Logo

ફિફા વર્લ્ડ કપમાં ખેલાડીઓને મળશે ડિજિટલ સુરક્ષા, ઑનલાઇન અપશબ્દો પર લાગશે લગામ

New York   2026-06-10 17:32:33
Author: Ajay Motiwala
Article Image

FIFA headquarters


ન્યૂ યૉર્કઃ સામાન્ય રીતે ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓએ સોશ્યલ મીડિયા પર ટ્રૉલ્સ, ગાળ, અપશબ્દો, અભદ્ર ભાષા, નફરતભરી ટિપ્પણી (હેટ કમેન્ટ) તેમ જ ધમકીનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ આ વખતના વર્લ્ડ કપમાં ખેલાડીઓને આવી ઑનલાઇન (Online) સમસ્યાઓ સામે સુરક્ષા (Security) મળવાની છે.

કોઈ ખેલાડીનો કે ટીમનો પર્ફોર્મન્સ સારો હોય કે ખરાબ, તેઓ દુર્વ્યવહારનો શિકાર થઈ જતા હોય છે. આ જ સમસ્યાથી તેમને બચાવવા માટે ફૂટબૉલ જગતની સર્વોચ્ચ સંસ્થા અને વર્લ્ડ કપની આયોજક ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ફૂટબૉલ અસોસિયેશન (FIFA)એ પોતાની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સિક્યૉરિટી સિસ્ટમને મજબૂત કરવાનો ફેંસલો કર્યો છે.

ફિફા વર્લ્ડ કપ 11મી જૂનથી 19મી જુલાઈ સુધી ચાલશે અને આ સમયગાળા દરમ્યાન ખેલાડીઓને આ સુરક્ષા કવચથી ખેલાડીઓને સુરક્ષિત કરવામાં આવશે. બીજી રીતે કહીએ તો તેમણે સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ્સ પર ટ્રૉલિંગ (TROLLING) કે અપશબ્દોનો સામનો ન કરવો પડે એની તકેદારી રાખવામાં આવશે. નવી વ્યવસ્થા મુજબ વારંવાર વિવાદસ્પદ વિગતો પોસ્ટ કરનારા અકાઉન્ટ્સ પર પણ નજર રાખવામાં આવશે.

સિસ્ટમ વિશે જાણી લઈએ તો ફિફાની નવી ટેક્નિક ખેલાડીઓ અને ટીમોના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આવનારી અપમાનજનક, દુર્વ્યવહાર સમાન અને ટિપ્પણીઓને ઓળખી કાઢીને એને અકાઉન્ટ સુધી પહોંચતાં પહેલાં જ છુપાવી દેશે કે જેથી ખેલાડીઓને મીડિયા પર કોઈ ખલેલ ન પહોંચે. ઘણાને મનમાં સવાલ થતો હશે કે આ એઆઇ અપડેટ કેવી રીતે કામ કરશે? આનો જવાબ બહુ સરળ છે.

સૌથી પહેલાં તો ખેલાડીઓ અને ટીમોના સોશ્યલ મીડિયા અકાઉન્ટને આ સિસ્ટમ સાથે જોડવામાં આવશે કે જેથી એઆઇ દરેક આવનારી ટિપ્પણીઓ, પોસ્ટ અને મૅસેજિસ પર નજર રાખી શકે. ઉદાહરણ તરીકે, જો કોઈ પોસ્ટ કે મૅસેજની નીચે અપશબ્દો, ધમકી કે અન્ય અપમાનજનક કે ખલેલ પહોંચાડનારી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો સિસ્ટમ એને તરત જ પારખીને એને છુપાવી દેશે (ખેલાડી કે ટીમના અકાઉન્ટ સુધી પહોંચવા જ નહીં દે).